દીપાવલીના મંગલ પર્વ દરમિયાન પાટણ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના રામગઢ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગુરુવારે સવારે રામગઢ ગામની નજીક એક છોટા હાથી વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ભીષણ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના વડા ગામના રહેવાસી એક જ પરિવારના ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ ગંભીર અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે બંને વાહનો – છોટા હાથી અને કાર – બંનેનું પડીકું વળી ગયું. જોકે, આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે, ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન આવી દુ:ખદ ઘટના બનતા લોકોમાં ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે.
