તાજેતરમાં જ ભાજપના સાંસદ પરશોત્તમ રૂપાલાનો મગફળીના બાઇટિંગને લઈ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ આજે તેમણે તે અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, વીડિયોને મારી મચકોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ પરશોત્તમ રૂપાલા તેમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ મગફળી હાથમાં લઈને બોલતા જોવા મળી રહ્યા છે કે, “આ તો બાઈટિંગનો માલ છે.” જેને લઈને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણી સહિત આસપાસ ઉભેલા લોકો પણ હસી પડ્યા હતા.
રૂપાલા તેમના રમૂજી અંદાજ માટે ખુબ જાણીતા છે. તેમણે આ વાત કરતા જ સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, અમરેલી યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા તથા IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પરશોત્તમ રૂપાલાએ અન્ય વીડિયો મારફતે પ્રતિક્રિયા આપી છે. પોતાના વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, “તેમાં કોઈ કોમેન્ટ કરવા જેવું એટલે નથી કે, બાઈટિંગનું ગુજરાતી ખાવાનું થાય છે. એ શિંગ ખાવા માટે ઉપયોગમાં લેવા જેવી છે. એમ ત્યાં માલ દેખાડવાવાળાએ કહ્યું હતું. એટલો જ એ વિષય છે. માર્કેટિંગ યાર્ડનો વિષય છે. મગફળીના ટેકાના ભાવે ખરીદીના પ્રારંભનો વિષય છે. એને મારી મચકોળીને કોઈએ કાંઈ કરવાની કોઈ આવશ્યકતા નથી.”