સ્વામિનારાયણ ગુરુકુળ થયુ ખાલીખમ, સાધુઓની હરકત બહાર આવ્યા બાદ ચિંતિત વાલીઓ બાળકોને ઘરે લઇ ગયા

છેલ્લા કેટલાક સમયથી જેતપુરમાં આવેલ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ઘણા ચર્ચામાં છે, જેનું કારણ તેમના વિરુદ્ધ લાગેલા દુષ્કર્મના આરોપો છે. દુષ્કર્મના આરોપો સ્વામી વિરૂદ્ધ લાગ્યા બાદ ભારે હોબાળો મચ્યો છે. એક બાજુ ભક્તો દ્વારા આ મામલે રવિવારે વિરોધ કરાયો હતો તો બીજી બાજુ ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. આ વચ્ચે ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે પરત લઈ ગયા હોવાનું સામે આવ્યુ છે.

ગુરુકુળના સ્વામી વિરુદ્ધ કુકર્મની ફરિયાદથી વાલીઓ રોષે ભરાયા છે. જેને લઇને ગુરુકુળમાં અભ્યાસ કરતા 150માંથી 135 વિદ્યાર્થીાઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ ગયા છે. એટલું જ નહીં જામટીંબડી ગામે આવેલા કન્યા વિદ્યાલયમાંથી 145 વિદ્યાર્થિનીઓને વાલીઓ ઘરે પરત લઇ ગયા છે. ત્યારે બીજી બાજુ ફરિયાદ બાદ ગુરુકુળના ટ્રસ્ટીઓ અને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ઉપલેટાના ભાયાવદર પાસે આવેલ ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, જેમાં મોટો ખુલાસો થયો છે કે દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી અને ધરમપ્રસાદ સ્વામીએ ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો છે.

જે સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે તેમાં ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના નારાયણસ્વરૂપદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી છે જ્યારે મયુર કાસોદરિયા નામના શખ્સ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટની યુવતી સાથે દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

ફરિયાદમાં ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત દુષ્કર્મ બાદ ગર્ભ રહી જતા ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે.

Shah Jina