કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

પરબધામનો ઇતિહાસ : જ્યાં દુ:ખીઓને સેવાને જ ધર્મ માનવામાં આવે છે!

જૂનાગઢથી ઉગમણી દિશામાં ૪૦ કિલોમીટર દૂર જાઓ એટલે ‘સત દેવીદાસ, અમર દેવીદાસ!’નો નાદ કાને પડે. જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલું આ ધામ એટલે પરબ વાવડી – પરબધામ! સૌરાષ્ટ્રમાં જે સેવા-ધરમનાં અમર સ્થાનકો આવેલાં છે તેમાનું એક એટલે પરબધામ. જ્યાં કોઈને ધર્મ નથી પૂછાતો કે નથી પૂછાતી નાત-જાત! આ ધામનો ઇતિહાસ જ કઠોર સેવાનો રહ્યો છે.

Image Source

જગતનાં દુ:ખિયાઓને અહીં આશ્રય મળ્યો:
સૌરાષ્ટ્રમાં જેટલી ખ્યાતિ બગદાણા અને વીરપુર જેવાં સ્થાનકોની છે, એવી જ ખ્યાતિ પરબધામની પણ છે. અહીં એક નામથી હંમેશા ગુંજ રહે છે : સત દેવીદાસ, અમર દેવીદાસ! આની પાછળ દેવીદાસ બાપુની માનવજાતની સેવાનો ઇતિહાસ છે. અમર માતાની જગતે તરછોડાયેલાંને અપનાવવાની કથાનો ઇતિહાસ છે. એને પ્રતાપે આજે પણ કહેવાય છે કે, “જાકો જગમેં કોઈ નહી, તાકો દેવીદાસ!” અર્થાત્ જેનું જગતમાં કોઈ નહી, એને દેવીદાસ બાપુ પોતાના કરી માને છે.

પરબધામનો ઇતિહાસ:
આજે સુંદર અને ભવ્ય મંદિરથી સુશોભિત પરબધામના ઇતિહાસમાં ડોકિયું કરતા જણાય છે કે, આજથી લગભગ ૩૫૦ વર્ષ પહેલાં અહીં એક માત્ર લીમડાનું ઝાડવું જ હતું! એની હેઠે એક હોલવાઈ ગયેલો ધૂણો હતો અને એક જરીપુરાણું ત્રિશૂળ હતું. આ જગ્યા અવાવરું હતી. માણસજાત અહીઁ વર્ષો થયે ફરકી નહોતી. પાસે ત્રણ ધર્મશાળાઓ હતી ખરી પણ એ પણ ભેંકાર હતી. એના છાપરાં ઉજ્જડ હતાં, ભોંયતળિયે જીવજંતુઓનો વાસ હતો. વગડામાં ઘૂમતાં રહેતાં વંળોટિયાએ સાથે લાવેલાં ઝાડી-ઝાખરાં જ્યાં-ત્યાં પડ્યાં હતાં.

Image Source

કચ્છ-સિંધમાં ભયાનક દુકાળ પડ્યો. માણસનાં અંતર સૂકાયાં. ગાયો મંકોડા ચરવા માંડી. જાનવરો મરી પરવાર્યાં. અનેક લોકો આશરો મેળવવાની આશાએ સૌરાષ્ટ્ર ભણી ચાલી નીકળ્યા. દેવીદાસ બાપુએ એમની સેવા કરી. આદેશ થયો કે, મહર્ષિ સરભંગનો આશ્રમ મહાભારતના વખતનો સૂમસામ પડ્યો છે. દત્તમહારાજનો ધૂણો ત્યાં હોલવાઈ ગયો છે. ત્યાં જઈને અન્નદાનની સેવા કર!

અલખનાં નામની ધૂણી ધખાવી:
દેવીદાસ પેલા લીમડા હેઠે પહોંચી ગયા. અહીઁ જોયું તો આશ્રમ જેવું તો કંઈ હતું નહી. લીમડા હેઠળ દાદા મેકરણનાં ધૂણો અને ત્રિશૂળ હતાં. ધૂણો ફરી વાર ધખાવ્યો. ધર્મશાળાઓને ફરી બાંધી. સ્થાનક સાફ કર્યું. પછી અહીં સેવાયજ્ઞ ચાલ્યો.

Image Source

અનેકો ભૂખ્યાને બટકું રોટલો અહીં મળી રહેતો. અહીઁ જ વૃદ્ધોની સેવા થતી. દેવીદાસ બાપુએ તો રક્તપિત્તનાં દર્દીઓને પણ સમાવી લીધા. એ વખતે રક્તપિત્ત થયો હોય એને માણસો કુદરતને ભરોસે મરવા છોડી દેતા. કોઈ એને બોલાવતું નહી. પણ આ તો દેવીદાસ! જગતે કહ્યું પણ ખરું કે, આ માણસ ગાંડો થઈ ગયો છે. પોતે પણ મરવાનો. પણ દેવીદાસ બાપુનો સેવાયજ્ઞ બંધ ના થયો એ ના જ થયો.

એ પછી તો બાપુને એમનાં કાર્યમાં સહયોગ આપનારા પણ ઘણા મળ્યા. આહિરકુળને ઉજાડનાર, વેલડામાંથી ઉતરીને સેવાનાં કામે લાગી જનાર અમર માની વાત તો ઘણી પ્રખ્યાત અને રોચક છે. શાદૂળ ભગત જેવો માણસ પણ મળ્યો. ૧૮મી સદીનો આ ઇતિહાસ છે. આવી રીતે પરબધામની સ્થાપના થઈ. આ બધા જ મહાનુભાવોએ સમાધિ પણ અહીઁ લીધી.

Image Source

સેવા-ધરમનું ધામ:
પરબધામમાં આજે જે મંદિર છે તે ૧૯૮૨માં બંધાવવાનું શરૂ થયેલું અને ૧૯૯૯માં બાંધકામ પૂર્ણ થયું. આજે સફેદી ઉજાગર કરતું એ ભવ્ય મંદિર દેવીદાસ બાપુ અને અમર માનાં ધોળાં અંતરનું દ્યોતક લાગે છે! સમાધિ ઉપર જ મંદિરનું બાંધકામ થયેલું છે. અહીં મેકણ દાદા-શાદુળ ભગતનો ઢોલિયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધિ અને દાસી જીવણનો કૂવો જોવાલાયક સ્થાનો છે.

પરબધામમાં ૯ સમાધિઓ આવેલી છે. જેમાં દેવીદાસ બાપુની સમાધિ, અમર માની સમાધિ, શાદુળ ભગતની સમાધિ, કરમણપીરની સમાધિ, અમરી માની સમાધિ, જશાપીર અને વરદાનપીરની સમાધિ અને સાંઈ સેલાણીબાપુની સમાધિનો સમાવેશ થાય છે.

Image Source

પરબધામનું આકર્ષણ સૌરાષ્ટ્રવાસીઓને ખાસ્સું છે. અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રનાં ગામે-ગામથી ટોળેટોળાં પરબધામ ભણી ઉમટે છે. આ પરમ પાવન ભૂમિમાં શીશ ટેકવે છે અને એ ઉપદેશ સાથે પાછાં વળે છે, કે દુનિયામાં સેવાથી મોટો કોઈ ધરમ નથી! માનવમાત્રની સેવા કરવી, ના ધર્મ પૂછવો કે ના જાતપાતની વાત!

સત દેવીદાસ, અમર દેવીદાસ!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપનાં માધ્યમથી શેર કરજો. કમેન્ટમાં માહિતી કેવી લાગી એ પણ જણાવશો. આગળ અમે દેવીદાસ બાપુ અને અમર માની જીવનગાથા પણ આ જ પેજ પર મૂકીશું. તો મુલાકાત લેતા રહેજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.