રસોઈ

પનીર ના ચટપટા દહીંવડા, જોતા જ મોં માં પાણી આવી ગયું ને ? નોંધી લો રેસિપી

તમે સાદા દહીંવડા તો ખાધા જ હશે પરંતુ આ અનોખી રીત થી બનાવેલા એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા પનીર ના દહીંવડા ખાઈને તમારું મન ખુશ થઈ જશે. મગ કે અડદ દાળ માંથી બનાવવામાં આવતા દહીંવડા ની તૈયારી પહેલેથી કરવામાં આવતી હોય છે પરંતુ આ પનીરના દહીંવડા સરળતાથી અને તરત બનાવી શકાય છે.

સામગ્રી

 • પનીર – 200 ગ્રામ
 • બાફેલા બટાકા – 2 નંગ
 • મેંદો – 2 ચમચી
 • તેલ તળવા માટે
 • લીલા મરચા – 4 નંગ (ઝીણું સમારેલું)
 • આદુ – 1/2 ઇંચ ટુકડો (વાટેલુ)
 • મીઠુ – સ્વાદ મુજબ

પીરસવા માટે

 • ધાણા મરચાં ની ચટણી – 1 કપ
 • મીઠી ચટણી – 1 કપ (ખજૂર આંબલી ની ચટણી)
 • મીઠું દહીં – 3-4 કપ ( ચાર કપ દહીં માં બે ચમચી ખાંડ નાખવી)
 • લાલ મરચાનો પાવડર – 1-2 નાની ચમચી
 • સેકેલું જીરું – 2-3 ચમચી
 • સંચર – 2 ચમચી
 • કોથમીર (લીલાં ધાણા) – 1/2 કપ

1) એક બાઉલમાં પનીર અને બટાકા ને છીણી લો. ત્યારબાદ તેમાં મેંદો મિક્સ કરી લો.
2)મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું, આદુ અને લીલા મરચાં નાખીને સરખી રીતે મસળી ને તેનો લોટ બાંધી લો.
વડા બનાવવા માટેનું મિશ્રણ હવે તૈયાર છે.

1) એક કડાઈમાં વડા ને તળવા માટેનું તેલ ગરમ કરો. મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈને હાથ વડે તેને ગોળ આકાર આપો અને ગરમ તેલમાં મુકો.( તેલ બરાબર ગરમ થયા પછી જ વડા ને તળવા માટે મુકવા જેથી વડા તૂટશે નહિ અને તેલ પણ ઓછું પીશે. )
2) બેથી ત્રણ વડાને કડાઈમાં મૂકો અને તેને ફેરવતા રહો જ્યાં સુધી વડાનો થોડો કલર ના બદલાય ત્યાં સુધી તેને તરતા રહેવું.( જો તરતા સમયે વડા તૂટવા માંડે તો મિશ્રણમાં થોડો મેંદો મિક્સ કરી લેવો.)
3) એક પ્લેટમાં નેપકીન પેપર પાથરો અને બધા જ વડાને તેની ઉપર મૂકો( જેનાથી વધારાનું તેલ નેપકીન પેપર પર આવી જશે.)
આવી જ રીતે બધા જ વડાને તૈયાર કરી લો.

હવે આપણે વડાની ચાટ રેડી કરીશું…
1) એક પ્લેટમાં 4-5 પનીરના ના વડા મૂકો અને તેની ઉપર દહીં પાથરી દો. ત્યારબાદ તેની ઉપર સંચર, શેકેલું જીરું અને લાલ મરચાનો પાવડર છાંટી લો.
2) ત્યારબાદ તેની ઉપર મીઠી ચટણી અને ધાણા મરચાં ની ચટણી પાથરી દો.
3) એકવાર ફરીથી તેની ઉપર દહીં, થોડું સંચર શેકેલું જીરું, લીલાં ધાણા અને લાલ મરચાનો પાવડર છાંટી લો.

હવે આ પનીરના એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા દહીંવડા તૈયાર છે.છે ને એકદમ સરળ રીત? આજે જ આ ચટપટા દહીંવડા તમારા ઘરે બનાવજો અને તે તમને કેવા લાગે છે એ અમને જરૂર જણાવજો.😃

લેખિકા સંધ્યા પટેલ..

Author: GujjuRocks Team
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ