પંમચહાલ : પિતા-પુત્રી આત્મહત્યા કેસમાં નવો વળાંક, સુસાઇડ નોટ આવી સામે- 2 શખ્સો બ્લેકમેઇલ કરતા હોવાનો થયો ખુલાસો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે થોડા સમય પહેલા પંચમહાલમાંથી એક પિતા-પુત્રીના આપઘાતની ખબર સામે આવી હતી. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વર્ષો પહેલા જમીન સંપાદનમાં 9 કરોડ રૂપિયા આવ્યા હોવાની ખંડણીખોરને ખબર પડ્યા બાદ જે થયુ તેણે તો બધાનું હૈયું હચમચાવી નાખ્યુ. પંચમહાલમાં ખંડણીખોરોના ત્રાસથી દીકરી સાથે પિતાએ મોતને વ્હાલું કર્યું. જો કે, પહેલા તો આ સામાન્ય આત્મહત્યા લાગતી પરંતુ સુસાઇડ નોટ મળ્યા બાદ ખૌફનાક સત્ય ઉજાગર થયું.

જણાવી દઇએ કે, ગત 18 ફેબ્રુઆરીના રોજ ગોધરાના ભામૈયા ગામના તળાવમાં પિતા અને પુત્રીના ડુબી જવાથી મોતના સમાચાર સામે આવ્યા હતાં. બળવંતસિંહના ભત્રીજાએ પોતાના ભાઈઓ સાથે વાત કરી કે આપઘાતની થોડી મિનિટો પહેલા જ બળવંતસિંહે તેની સાથે ફોન કરી વાત કરી હતી અને કહ્યુ હતુ કે મહાદેવના મંદિરે પાછળના ભાગે હિસાબ કિતાબ ત્રણ ચિઠ્ઠીમાં લખેલો છે એ તું અને સુનિલ જોઈ લેજો. ત્યારે આ વાત બાદ કૌટુંબિક ભાઈઓ મહાદેવના મંદિરે પહોંચ્યા અને બળવંતસિંહે જે ચિઠ્ઠીઓ કહી હતી તે શોધવા લાગ્યા.

ત્યારે ચિઠ્ઠીઓ મળ્યા બાદ તેમાં જે હિસાબ કિતાબ લખેલો હતો તે જોઈ પરિવારના તો હોંશ જ ઉડી ગયા. આ ચીઠ્ઠીઓમાં હિસાબ નહતો પણ તે તો સુસાઈડ નોટ્સ હતી. આ સુસાઇડ નોટ પરથી એ સ્પષ્ટ થયુ કે બે ખંડણીખોરોના ત્રાસથી બળવંતસિંહ અને તેમની વ્હાલસોયી દીકરી પ્રજ્ઞાએ આત્મહત્યા કરી હતી. ચીઠ્ઠીમાં લખ્યુ હતુ કે- બળવંતસિંહ ઠાકોરની બાપદાદાની જમીન વર્ષ 1994 માં એફસીઆઇ ગોડાઉનમાં સંપાદન થતા તેના 9 કરોડ રૂપિયા મળ્યા હતા,

આ માહિતી ખંડણીખોર એવા મૂળ ભામૈયાના અને હાલ ગોધરા રહેતા મગન સુંદરભાઈ વણકરને મળતા તેણે ઓળખીતા હાર્દીક સોનીને આ માહિતી આપી અને બળવંતસિંહ પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો. 9 કરોડ રૂપિયા કઢાવવા મગન વણકર અને હાર્દીક સોની બળવંતસિંહને મૌખિક અને ટેલિફોનિક ધમકીઓ આપતા અને બ્લેકમેઇલ કરી માનસિક ત્રાસ પણ આપતા. આ ઉપરાંત તેઓ એવું પણ કહેતા કે જો રૂપિયા નહીં આપો તો પુત્રી પ્રજ્ઞાને ઉઠાવી જઈશું. મગન અને હાર્દિક બંને નિયમિત બળવંતસિંહની લારી પર આખા દિવસનો વકરો પણ લઈ જતા હતા.

ત્યારે આ ધાક ધમકી અને બ્લેકમેઇલિંગનો કોઇ રસ્તો ન સૂઝતા આખરે 18 ફેબ્રુઆરીએ બળવંતસિંહ ઠાકોરે 22 વર્ષીય પુત્રી પ્રજ્ઞા સાથે તળાવમાં મોતની છલાંગ લગાવી દીધી. બળવંતસિંહે ત્રણ સુસાઇડ નોટ લખી હતી, જેમાંથી એકમાં પોતાના કૌટુંબિક ભાઈના ત્યાં જે થોડા દિવસોમાં લગ્ન પ્રસંગ હતો તેમને સંબોધીને માફી માંગી હતી અને લખ્યું હતુ કે, લાલાભાઇને (કેશરીસિંહ) જણાવાનુ કે મારે તમારો પ્રસંગ બગાડવાનો કે ઉમંગ વગર કરવાનો કોઇ હેતુ ન હતો, પણ મારા માટે ભારે સંકટ હતું એટલે મેં આ પગલુ ભર્યું. શ્વેતાના લગ્ન જેમ થાય એમ જ કરજો. ફક્ત મારા ઘરના અને મારા સગા જ નહી આવી શકે.

Shah Jina