પંચમહાલ : કેનાલમાં ડૂબી જવાથી 3 યુવાનોનાં મોત, ઇદનો તહેવાર ફેરવાયો માતમમાં

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ઘટના સામે આવે છે જે ચોંકાવનારી હોય છે. કેટલીક ઘટનાઓ તો એવી હોય છે કે તહેવાર પર માતમ છવાઇ જાય છે. આવી જ એક ઘટના હાલ પંચમહાલમાંથી સામે આવી. શહેરા તાલુકામાં આવેલ પાનમડેમની સિંચાઈ કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા અને તેને કારણે રમજાન ઈદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો. મૃતકો લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના હોવાનું અને તેમાંથી બે સગા ભાઈ હોવાનું સામે આવ્યુ છે.

ગઇકાલે ઈદનો તહેવાર હોવાથી મુસ્લિમ બિરાદરો હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યાં હતાં પરંતુ એકસાથે 3 મુસ્લિમ યુવાનોના મોતના સમાચારથી લુણાવાડાના કોઠંબા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મહીસાગરના લુણાવાડાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે પંચમહાલના શહેરાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમડેમનો નજારો જોવા માટે આવ્યા હતા.

આ સમયે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા પગ લપસી ગયો અને તે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો. ત્યારે તેને બચાવવા માટે બીજા યુવકોએ પણ કેનાલમાં છલાંગ લગાવી જો કે જોતજોતામાં ત્રણેય મુસ્લિમ યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. યુવકોને ડૂબતા જોઇ ત્યાં ઉપસ્થિત બીજા લોકોએ બચાવવા માટે પ્રયાસો કર્યા.

ઘટનાની જાણ તંત્રને થતાં ઘટના સ્થળે પહોંચી પાનમ જળાશય સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જો કે ભારે જહેમત બાદ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી એક બાદ એક યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃતકોમાં 23 વર્ષિય નિહાલ રફીક પટેલ, 30 વર્ષિય ફરહાદ રફીક પટેલ અને 32 વર્ષિય મોલાના બુરહાન શઈદ શેખનો સમાવેશ થાય છે.

Shah Jina