ખબર

લોહિયાળ મંગળવાર: અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ હત્યાના બનાવો સામે આવવાથી ચકચારી મચી ગઈ

પ્રેમીએ મેરિડ પ્રેમિકા ભૂમિકાની ઘરમાં ઘૂસી હત્યા કરી, પછી પોતે દરવાજો બંધ કરીને….જાણો વિગત

ગુજરાતની અંદર હવે જાણે અપરાધીઓ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, અવાર નવાર લૂંટ અને હત્યાના બનાવો સોશિયલ મીડિયા અને સમાચારમાં ચર્ચાઈ રહ્યા છે, ત્યારે મંગળવારનો દિવસ અમદાવાદમાં લોહિયાળ બન્યો. એક જ દિવસમાં 3-3 હત્યાઓ થવાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મેઘાણીનગર વિસ્તારમાં અને રામોલ વિસ્તારમાં પ્રેમપ્રકરણ અને મેમકોમાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. રામોલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું.

તો બીજી તરફ મેઘાણીનગરમાં યુવકને ફિયાન્સી અને તેના પ્રેમી વચ્ચે પ્રેમસંબંધની જાણ થતાં ફિયાન્સે મિત્રો સાથે મળી પ્રેમીની હત્યા કરી નાખી હતી. તમામ ઘટનામાં પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

આ બાબતે મળી રહેલ વધુ વિગતો અનુસાર મેઘાણીનગર વિસ્તારમાં રહેતા 26 વર્ષીય હિતેશ બાબુભાઇ પટણીના રામેશ્વર વિસ્તારમાં જ પિંકી નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. ઠક્કરબાપાનગરમાં રહેતા અલપુ પટણી નામના યુવક સાથે પિંકીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. અલપુને પિંકી અને હિતેશ વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઈ હતી. જેથી અલપુને ગુસ્સો આવ્યો હતો અને તેના મિત્રોને લઈ મંગળવારે બપોરે એક વાગ્યાની આસપાસ હિતેશને ઘર પાસે  જ ધારદાર હથિયારોથી હિતેશની હત્યા કરી નાખી હતી.

ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા, આ મામલે મેઘાણીનગર પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીઆઇ જે.એલ ચૌહાણે જણાવ્યું હતું કે અલપુને પિંકી અને હિતેશ વચ્ચેના પ્રેમ સંબંધ અંગે જાણ થતાં હત્યા કરી હતી. હાલ ચારેય આરોપીઓને પકડવાની તજવીજ ચાલી રહી છે.

(ભૂમિકા પંચાલ)

તો બીજી તરફ રામોલના  જામફળવાડીમાં ગાયત્રીપાર્ક સોસાયટીમાં પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે રહેતા ભૂમિકા પંચાલ નામની મહિલાને તેના જ પતિના મિત્ર વનરાજસિંહ સાથે પ્રણય સંબંધ બંધાયો હતો. એક મહિના પહેલા મોડી રાતે ધાબા પર બધા સુતા હતા ત્યારે વનરાજસિંહ આવ્યો હતો. ભૂમિકાનો પતિ બંનેને જોડે જોઈ જતા તેઓએ સાસરી પક્ષને બોલાવી જાણ કરી હતી. ભૂમિકાએ ફરી આવું નહીં થાય તેમ કહ્યું હતું.

મંગળવારે બપોરે ભૂમિકાના સાસુ અને પતિ બહાર ગયા હતા ત્યારે વનરાજસિંહ ઘરે આવ્યો હતો. વનરાજે તેના ઘરમાં ઘૂસીને છરી વડે પરિણીત પ્રેમિકા ભૂમિકા પંચાલની ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી પ્રેમી વનરાજ સિંધાએ છરી પોતાના પેટમાં ઘુસાડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમી વનરાજ સિંધા

વનરાજે ઘરમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો જેથી કોઈ અંદર ન આવી શકે. મૃતક પરિણીત મહિલાનો પતિ અને સાસુ ઘરે આવતા દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડતા તેઓ દરવાજો તોડીને ઘરમાં ગયા ત્યાં તો ભૂમિકા અને પ્રેમી વનરાજ બંને લોહીલુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી હતી. રામોલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી 108ને બોલાવી હતી. જોકે 108માં રહેલ ડોક્ટરે ભૂમિકાને મૃત જાહેર કરી હતી. જ્યારે પ્રેમી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

તો ત્રીજા હત્યા કેસની અંદર મેમકો વિસ્તારના ભગવતી નગરમાં રહેતી રુબી વર્માના ભાઈ નીરજ ને મેમકોમાં રહેતા રમેશ ઉર્ફે કબૂતર સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં બોલચાલી થતા તેના પર છરી વડે ચાર લોકોએ હુમલો કર્યો છે. 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે. જેથી હોસ્પિટલમાં જતા નીરજ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હતો અને મોડી રાતે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.