ગાંધીનગર જિલ્લામાં આવેલ ગામ પલ્લીનું મહત્ત્વ નવરાત્રીના દિવસોમાં ખાસ્સું વધી જાય છે. લાખોની સંખ્યામાં ભક્તોનો ધસારો આ નાનકડા ગામ ભણી થાય છે. શિરમોર આકર્ષણ છે અહીંનું વરદાયિની માતાનું મંદિર. શાસ્ત્રોમાં જેને બ્રહ્મચારિણીનું દ્વિતીય રૂપ કહીને વર્ણવવામાં આવેલ છે તે એટલે માતા વરદાયિની. હંસવાહિની બ્રહ્મચારિણી વરદાયિની! વરદાયિની માતા આદ્યશંક્તિ અંબાનું બીજું રૂપ છે.

૧૦ લાખ શ્રધ્ધાળુઓ આવે છે માતાનાં શરણે —
રૂપાલમાં છેલ્લાં નોરતે ભરાતો પલ્લીનો મેળો યાત્રાળુઓમાં અદ્ભુત શ્રધ્ધાનું પ્રતિક છે. આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાના સાંનિધ્યમાં ભરાતો આ મેળો ‘પલ્લીના મેળા’ તરીકે ઓળખાય છે.
એટલો આંકડો તો સામાન્ય રીતે માંડવામાં જ આવે છે, કે પલ્લીના મેળામાં અંદાજે ૧૦ લાખ જેટલા ભાવિકો તો આવે જ છે! કહો કે માનવનો મહેરામણ ઘોડાપૂરે ઉમટે છે. માતાજીની પલ્લીના દર્શન કરવા સૌનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પલ્લી પર થતો ઘીના અભિષેકની વાતો તો આખા ગુજરાતમાં જાણીતી થઈ ગઈ છે.

રૂપાલમાં ઘીની નદીઓ વહે છે! —
પલ્લી પર ઘીનો અભિષેક થાય એ દિવસ પરમ આસ્થાનો દિવસ છે. અગણિત જથ્થામાં માતાજીની પલ્લીને ઘીથી ભીંજવી દેવામાં આવે છે. રૂપાલની બજારોમાં ઘીની નદીઓ જ રીતસર ચાલી નીકળે છે. કહેવાય છે, કે અંદાજે ૪ લાખ કિલો ઘીનો અભિષેક તો થઈ જ જાય છે! આશ્વર્યની કહો તો એમ ને ચમત્કારની કહો તો તેમ, પણ એ હક્કીકત છે કે આ ઘીનો કદી કપડાં પર દાગ રહેતો નથી! વરદાયિની માતાની પલ્લી પર રેડાતું ઘી પછી અન્ય ઉપયોગમાં લેવાતું નથી હોતું. ગુજરાતભરમાંથી અને ભારતના અનેક ભાગમાંથી આ દિવસે માઈભક્તો આવે છે. માતાજીની પલ્લીમાં ઘી ચડાવે છે અને પોતાની ધારેલી માનતાઓ પૂરી કરે છે.
ઉપરની વાત થઈ રૂપાલના પલ્લીના મેળા વિશેની. પણ હવે વરદાયિની માતા વિશે પણ કંઈક જાણી લેવું જરૂરી છે. જરૂરી એટલા માટે કે ભારતીય સંસ્કૃતિના-આર્યત્વના અનેક યુગાંતરો સાથે માતાજીનું નામ જોડાયેલું છે. રામાયણ-મહાભારતથી લઈને ગુજરાતના સુવર્ણયુગ ગણાતા સોલંકી રાજ સુધી માતાજીની વાતો મળે છે. આવો જાણીએ કેટલાક રોચક પ્રસંગો :

રામનાં રખોપાં કર્યાં! —
ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસે ગયા અને અરણ્યમાં માતા સીતાનું રાવણે હરણ કર્યું એ પછી રામ-રાવણ વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું. આ યુધ્ધમાં રામે રાવણનો વધ કર્યો. કહેવામાં આવે છે, કે રાવણનો વધ કરવા માટે રામે જે બાણનો ઉપયોગ કર્યો હતો એ અનગળ શક્તિવાળું દિવ્યાસ્ત્ર માતા વરદાયિનીએ જ રામને આપ્યું હતું. મહર્ષિ શૃંગની પ્રાર્થનાથી માતાએ રામને પ્રસન્ન થઈને આ બાણ આપેલું.
ભગવાન કૃષ્ણ અને પાંડવોએ બનાવી હતી માતાજીની પલ્લી —
મહાભારતકાળ સાથે પણ આ સ્થળનું અને માતા વરદાયિનીનું નામ જોડાયેલું છે. પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમિયાન માતાના આશિર્વાદ મેળવ્યા હતા અને વિરાટરાજાના નગરમાં છદ્મવેશે રહેવા જતા પહેલા અહીઁ આવેલ વરખડીનાં ઝાડ ઉપર જ પોતાનાં હથિયારો સંતાડ્યાં હતાં! એ પછી ગુપ્તવાસની અવધિ પૂરી થઈ અને યુધ્ધ કરવાનું અનિવાર્ય બન્યું ત્યારે પાંડવોએ માતાજીના આશિર્વાદ લઈને અહીંથી શસ્ત્રો ઉઠાવ્યાં અને ૧૮ દિવસ ચાલેલા યુધ્ધમાં વિજય હાંસલ કર્યો.
આ બધું માતાના આશિર્વાદને પરિણામે બન્યું. પાંડવોની વરદાયિની માતા પ્રત્યેની આસ્થા બેવડાઈ ગઈ. આસો સુદ નોમના દિવસે ભગવાન કૃષ્ણ સાથે મળીને પાંડવોએ અહીં પંચબલિ યજ્ઞ કર્યો. માતાજીની સોનાની પલ્લી બનાવી, એના પર પાંચ કુંડ મૂકીને ‘પલ્લીયાત્રા’ કાઢી.

સિધ્ધરાજ જયસિંહની વહારે આવ્યાં —
એ પછીનો એક પ્રસંગ ગુજરાતમાં સોલંકીઓનું શાસન સર્વોપરી હતું ત્યારનો છે. સોલંકીવંશના સૌથી પ્રતાપી રાજવી સિધ્ધરાજ જયસિંહે ભીષણ પ્રતિજ્ઞા કરી હતી કે, માળવાના રાજા યશોવર્માને હું મોતના હવાલે ન કરું ત્યાં સુધી મારે અન્ન લેવું હરામ છે! પ્રતિજ્ઞા અઘરી હતી, અવિચારીપણામાં લેવાયેલી હતી. માળવાના રાજાને હરાવવો ખાવાના ખેલ નહોતા. કદાચ હોય તો પણ એ ખાવાનું એકાદ-બે દિવસમાં તો પાકે એમ પણ નહોતું. માળવા પર ચડાઈ કરવામાં અને વિજય મેળવવામાં તો દિવસો જોઈએ. જયસિંહ ભૂખથી પીડાવા લાગ્યો.
એક દિવસ એમણે રૂપાલ નજીક પોતાનો રસાલો રોક્યો હતો. ભૂખથી લગભગ અધમૂઓ બનેલ જયસિંહ સૂતો ત્યારે રાતે વરદાયિની દેવી સપનામાં આવ્યાં. જયસિંહને કહ્યું, “સવારે ઉઠીને છાણનો એક કિલ્લો બનાવજે અને એમાં અડદનું બનાવેલું યશોવર્માનું પૂતળું મૂકજે. એનો વધ કરીને પછી ખાઈ લેજે!” સવારે જયસિંહે સપનામાં માતાજીએ કહ્યા પ્રમાણે કર્યું અને ભોજન લીધું. એ પછી માળવા પર ચડાઈ કરી અને યશોવર્માને હરાવીને તેનો વધ કર્યો. ગુજરાતનો ભવ્ય વિજય થયો.

સિધ્ધરાજ જયસિંહે રૂપાલ આવીને માતાનાં શરણોમાં મસ્તક મૂકી દીધું. અહીંનાં મંદિરનું નવેસરથી નિર્માણ કરાવ્યું અને માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. એ મૂર્તિ વડના ઘેઘૂર ઝાડ નીચે હોવાથી માતાજીનું નામ ‘વડેચી’ પણ પડ્યું. માતાજી પ્રત્યેની મહાગુજરાતની ભક્તિમાં ઓર વધારો થયો.
જય માતા વરદાયિની! જય વડેચી!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.