માતૃભૂમિની રક્ષા કરનારા ભાવનગરના વીર જવાન થયા શહીદ, સમસ્ત ગુજરાતમાં છવાયો શોકનો માહોલ

ભાવનગરના નાના એવા ગામના વતની અને ક્લાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવતા વીર જવાન થયા શહીદ, સંપૂર્ણ સન્માન સાથે યોજાશે શહિદની અંતિમયાત્રા

માતૃભૂમિની રક્ષા કરવા માટે આપણા દેશના વીર જવાનો હંમેશા ખડાપગે રહે છે, અને માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાના જીવનનું બલિદાન પણ આપી દેતા હોય છે. દુશ્મનો સામે લડતા લડતા આપણા દેશના વીર જવાનો શહીદી વહોરી લેતા હોય છે, જેમના શહીદ થવાની ખબર આવતા જ આખો દેશ પણ ગમગીન બને છે.

ત્યારે હાલ ખબર ભાવનગરમાંથી સામે આવી છે. જ્યાંના પાલીતાણા તાલુકામાં આવેલા રોહિશાળા ગામના વતની અને ભારતીય એરફોર્સમાં ક્લાસવન ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા શહીદ થવાના સમાચાર આવતા જ સમગ્ર પંથકમાં ઊંડા શોકનો માહોલ ફરી વળ્યો છે.

શહીદ જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાનો પાર્થિવ દેહ આજે હવાઈમાર્ગે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જેના બાદ પુરા સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાના શહીદ થવાની ખબરને લઈને નાના એવા રોહિશાળા ગામની અંદર પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાના શહીદ થવા અંગેની જાણકારી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું કે “ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામના વતની અને ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી તરીકે ફરજ બજાવતા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા શહીદ થતા શોકની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આવી પડેલ આફત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.”

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ગત બુધવારના રોજ જયદત્તસિંહ સરવૈયા તેની હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમને ઘણીવાર પરિવારને નોકરીના ટેન્શનની વાત પણ કરતો હતો ત્યારે હવે 25 વર્ષીય દીકરાના આપઘાતના સમાચાર સાંભળીને પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. જયદ્ત્ત ચાર દિવસ બાદ જ રજા લઈને ઘરે આવવાનો હતો, ત્યારે આ બનાવ અંગે જાણ થતા જ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ દેહ લઈને ભાવનગર આવ્યા હતા.

Niraj Patel