વડોદરા: ઇવેન્ટના 2 મહિના પહેલાં અકસ્માત છતાં ન માની હાર, 45 દિવસમાં 8 કિલો વજન ઉતારી જીત્યા ચાર એવોર્ડ

“કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.” આ કહેવતને વડોદરાના પલક રવેશિયાએ સાર્થક સાબિત કરી છે. પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહેલી વડોદરાની પલક સાથે એક એવી ઘટના બની કે જેનાથી કોઇ સામાન્ય માણસ નાસીપાસ થઇ જાય, પણ પલકે પીછેહટ ન કરી અને તે લડી, ન માત્ર લડી જ, પણ ચાર-ચાર ટાઇટલ કબ્જે કરી ભારતનો ડંકો પણ વગાડ્યો.

આખી વાત જાણે એમ છે કે, વડોદરામાં રહેતી પલક રવેશિયા માર્ચ 2018માં બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા સિંગાપુર જવાની હતી. આ માટે તેણે ખુબ તૈયારી પણ કરી હતી, તે ગુજરાતની પહેલી એવી મહિલા હતી જે આંતરારાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લઇ રહી હોય. પણ કુદરત તેની પરીક્ષા લેવા માંગતું હતું.

સિંગાપુરની ઇવેન્ટ પહેલા 13 જાન્યુઆરીએ મુંબઇથી વડોદરા આવતી વખતે તેની કારને ભયંકર અકસ્માત નડ્યો હતો. શરીરના ઘણા ભાગમાં ઇજાઓ પહોંચતા પ્લાસ્ટર આવ્યું અને ડોક્ટરે સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી. પણ આરામ કે નિરાશ જેવા શબ્દો પલકની ડિક્શનરીમાં ન હતા.

ઇવેન્ટને માત્ર બે મહિનાનો સમય બાકી હોવા છતાં તે અડગ હતી, તેણે નિર્ધાર કર્યો હતો કે હું સિંગાપુર જઇશ અને જીતીને જ રહીશ અને કહેવાય છે ને “જ્યાં ચાહ હોય, ત્યાં રાહ હોય..”અને કંઇક આવું જ થયું. પલકે 45 દિવસની અંદર પોતાનું 8 કિલો વજન ઉતાર્યું અને પોતાને એ રીતે તૈયાર કરી કે, એક નહીં ચાર-ચાર ટાઇટલ જીતી શકે..

જ્યાર બાદ પલક હિંમતથી ઉભી થઇ સિંગાપુર પહોંચી જ્યાં તેણે મિસિસ એશિયા પેસેફિક 2018, મિસિસ ટેલેન્ટેડ 2018, મિસિસ ફ્રેન્ડશીપ 2018 અને મિસિસ ઇન્ટલએક્યૂઅલ 2018નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

પલકનું કહેવું છે કે, “હું એટલા માટે સંઘર્ષ કરી શકી કારણ કે, મારી આસપાસ લાગેલી આગ કરતા મારી અંદર લાગેલી આગે મને અનેક ગણી હિંમત આપી રહી હતી.” પડકારોને સ્વીકારવામાં અને તેનો સામનો કરવામાં માનતી પલક પરણિત છે. આ પહેલા તે રાષ્ટ્રીય કક્ષાએ આવા એક નહીં અનેક ટાઇટલ જીતી ચુકી છે.

પલક રવેશિયા સાથે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા ટેલિફોનિક કેટલાક સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને અમે પૂછ્યું હતું કે, 2018માં મેળવેલી આ સફળતા બાદ આપે આગળ શું વિચાર્યું ?, ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું હતું કે, “મેં આગળ વિચાર્યું નહોતું કે મારે મોડેલિંગ ફિલ્ડમાં જવું છે કે નહિ અને મારી જવાની ઈચ્છા પણ નથી, પરંતુ મારી દિલથી ઈચ્છા છે કે ગુજરાતની અંદર સામાજિક કાર્યો કરવામાં આગળ વધુ, મહિલા સશક્તિકરણ, ચાઈલ્ડ એજ્યુકેશનના કાર્યો કરું. જેના માટેના મારા પ્રયાસો પણ ચાલુ જ છે.

બીજા સવાલમાં અમે તેમને પૂછ્યું કે “આપનું  હાલનું જીવન કેવું છે ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા પલક રવેશીયાએ જણાવ્યું કે, “છેલ્લા બે વર્ષથી હું નોકરી નથી કરતી અને હાઉસ વાઈફ છું, પરંતુ ફ્રીલાન્સ પ્રોજેક્ટ કરું છું, જાહેરાતો કરું છું અને એન્કરિંગ કરું છું. વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છું.”  અમારા આગામી સવાલમાં અમે તેમને પૂછ્યું કે, “એક હાઉસવાઈફની જવાબદારી સાથે આ ફિલ્ડમાં આગળ વધવા માટેનો સંઘર્ષ કેવો રહ્યો ?” ત્યારે તેમને જણાવ્યું કે એ ફિલ્ડમાં હું ગઈ ત્યારે હું હાઉસ વાઈફ કરતા વધારે એક વર્કિંગ વુમન હતી, છતાં પણ મેં ઘણા સંઘર્ષો કર્યા છે.”

તેમને આગળ જણાવ્યું કે, “મેં પહેલો સંઘર્ષ મારી જાત સાથે કર્યો છે. એમાં એવું હતું કે મેં પોતાની જાતને તૈયાર કરી આ ફિલ્ડમાં જવા માટે પણ બધાને કેવી રીતે મનાવવા ? સપનું મારુ હતું પણ ઈચ્છાઓ બધાની હતી. મેં ક્યારેય હાર નથી માની, મેં ક્યારેય કોઈ ખોટી જીદ કે ઝઘડા કરીને મારા સપના પૂર્ણ નથી કર્યા.મેં બધાને મનાવ્યા છે અને પછી જ હું આગળ વધી છું. મારા પરિવારનો મને એટલો સાથ નથી મળ્યો પરંતુ એમને મને ક્યાંય રોકી પણ નથી, અને તેના કારણે જ હું આગળ વધી છું.”

Niraj Patel