યુક્રેનમાં ફસાયેલી આ પાકિસ્તાની યુવતીએ PM મોદીને કહ્યુ- થેંક્યુ, જાણો શું છે કારણ ?

રશિયા છેલ્લા 14 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તમામ દેશો પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતે તેના નાગરિકો તેમજ પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પણ મદદ કરી. આ દરમિયાન એક પાકિસ્તાની મહિલાએ યુક્રેનમાંથી સુરક્ષિત બહાર નીકળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. મહિલાએ કહ્યું, “અમને સુરક્ષિત રીતે બહાર કાઢવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”

અસ્મા શરીફ નામની મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે પોતાને પાકિસ્તાની ગણાવે છે. વીડિયોમાં તે કહે છે, ‘મારું નામ અસ્મા છે. અમને મદદ કરવા અને અમને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા માટે હું કિવમાં ભારતીય દૂતાવાસ સહિત પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ભારતીય અધિકારીઓએ મદદ કરી અને સુરક્ષિત રીતે અમે બહાર નીકળી ગયા, જેના માટે હું પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, અસ્માને ભારતીય અધિકારીઓએ બચાવી લીધી હતી અને તે બહાર નીકળવા માટે પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. મળતી માહિતી મુજબ, અસ્મા જલ્દી જ પોતાના ઘરે પહોંચશે. યુક્રેનમાં બગડતા વાતાવરણને જોતા ભારતે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોને તેમના વતન લાવવામાં આવ્યા છે. આગલા દિવસે રોમાનિયાથી 410 ભારતીયોને બે ફ્લાઈટ દ્વારા પરત લાવવામાં આવ્યા હતા.

માહિતી આપતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ઓપરેશન ગંગા હેઠળ 15521 ભારતીયોને 75 વિશેષ નાગરિક ફ્લાઈટ દ્વારા જ્યારે ભારતીય વાયુસેનાના 12 વિમાનો દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 2467 લોકોને પરત લાવવામાં આવ્યા હતા. એ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં 32 ટનથી વધુ રાહત સામગ્રી યુક્રેનના પડોશી દેશોમાં પણ મોકલવામાં આવી છે.

Shah Jina