પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં રહેવા માટે સૌથી સસ્તો દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ફારૂક હબીબે વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ ઇન્ડેક્સનો વાર્ષિક અહેવાલ શેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ‘2021 માં પાકિસ્તાનમાં કોસ્ટ ઓફ લિવિંદ સૌથી ઓછી છે.
કોઈપણ દેશની કોસ્ટ ઓફ લિવિંગ ત્યાં આરામથી રહેવા માટે જરૂરી ખર્ચ વિશે જણાવે છે. ઉદાહરણ તરીકે, ભાડું, રાશન, કર અને આરોગ્ય સંભાળ જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતના આધારે, તમે નક્કી કરી શકો છો કે તે દેશ તમારા માટે રહેવા માટે સસ્તો છે કે નહીં.
કેટલાક દેશોમાં, ખાસ કરીને યુએસ જેવા મોટા શહેરોની આસપાસના વિસ્તારોમાં રહેવાની કિંમત ખૂબ વધારે છે. ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં રહેવાની કિંમત પણ ઘણી વધારે છે. બીજી બાજુ, કેટલાક દેશોમાં રહેવાનો ખર્ચ ખૂબ ઓછો છે અને લોકો તેમના બજેટ મુજબ રહેવા માટે આ દેશોમાં જવાનું પસંદ કરે છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ ઈન્ડેક્સ અનુસાર, 18.58 ના ઈન્ડેક્સ સાથે પાકિસ્તાન સૌથી સસ્તો દેશ છે. આ પછી અફઘાનિસ્તાન અને ભારતનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 24.51 છે જ્યારે ભારતનો કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 25.14 છે. ભારત પછી સીરિયા ચોથો સૌથી સસ્તો દેશ છે.
ઉઝબેકિસ્તાનો ઈન્ડેક્સ- 30.25, નેપાળ- 30.69, નાઇજીરીયા- 31.75, વિયેતનામ- 38.72, મલેશિયા- 39.46 અને બ્રાઝીલનો કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 42.64 છે. રિપોર્ટમાં કેમેન આઇલેન્ડ અને બર્મુડાને રહેવા માટેના સૌથી મોંઘા દેશો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેમેન ટાપુઓનો કોસ્ટ ઓફ વિલિંગ ઈન્ડેક્સ 141.64 છે જ્યારે બર્મુડા 138.22 છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કોસ્ટ ઓફ લિવિંગના આ સ્કેલમાં આ દેશોમાં રહેવાનું ભાડુ, લોકોની ખરીદવાની આર્થિક ક્ષમતા, ગ્રાહક કિંમત અને કરિયાણાની સૂચિનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનમાં દૈનિક ચીજવસ્તુઓના ભાવ સ્થિર હોવાનું કહેવાય છે, જેના કારણે તે વિશ્વનો સૌથી સસ્તો દેશ સાબિત થયો છે.
તેનાથી વિપરીત, વિશ્વભરમાં, દૈનિક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો છે. કોરોના રોગચાળાને કારણે વિશ્વની સૌથી સાધન સંપન્ન અર્થવ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે દેશોની માથાદીઠ આવકમાં ઘટાડો થયો છે. યુએસ કૃષિ વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, 2021-22માં વૈશ્વિક ખાદ્ય પુરવઠો વધવાની ધારણા છે.
યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)ના અહેવાલમાં અનુમાન કરવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોના ભાવ માસિક ધોરણે વધી શકે છે. જેમાં અનાજ, તેલીબિયાં, ડેરી પ્રોડક્ટ, માંસ અને ખાંડ જેવી વસ્તુમાં માસિક ભાવમાં વધારો નોંધાયો હતો. રિપોર્ટ અનુસાર, કોરોનાનેકારણે ઘણા દેશોમાં જરૂરી ખાદ્ય ચીજોની કિંમતો વધી હોવાનું જાણવા મળ્યું છે.