દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

કોઈને અપશબ્દો કહ્યા બાદ આપણી સાથે પણ આવું જ બનતું હોય છે, તમારી સાથે પણ બન્યું જ હશે, વાંચીને જવાબ જરૂર આપજો

મિત્રો ઘણીવાર જીવનમાં આપણાથી એવી ભૂલો થઈ જતી હોય છે  જેના માટે આપણી પાસે પણ અફસોસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી રહેતો, આપણે કોઈ વ્યક્તિનું દિલ દુખાવ્યું હોય અથવા તો તેને એવા કડવા વેણ કહ્યા હોય અને સંબંધને પણ તોડી નાખ્યો હોય ત્યારપછી થોડા સમય બાદ આપણને અફસોસ થાય છે.એ વ્યક્તિ પાસે માફી મંગાવાનું પણ મન થાય છે, પરંતુ ઘણીવાર એટલું મોડું થઈ ગયું હોય છે કે આપણે અફસોસ કરવા સિવાય બીજું કઈ કરી પણ શકતા નથી.

Image Source

આપણી આ ભૂલ માટેની એક સુંદર વાર્તા છે જે આજે હું તમને જણાવીશ, જેને વાંચ્યા બાદ તમને પણ એ વાર્તા તમારા જીવનના એક અનુભવનો ભાગ લાગશે.

એક ગામડાની અંદર કરસન નામનો ખેડૂત રહેતો હતો. ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ કરસનને તેના પાડોશી સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ, કરસન ખેતરમાંથી જ આવીને બેઠો હતો અને આ બોલાચાલી થતા કરસન પણ ગુસ્સે થઇ ગયો, તેના પાડોશીને ઘણા જ અપશબ્દો કહ્યા, ઘણી જ ગાળો બોલી, ગામના બીજા લોકોએ ભેગા મળી અને આખા મામલાને શાંત કરાવ્યો.

થોડા દિવસ આમ જ વીતી ગયા, કરસન અને તેના પાડોશી વચ્ચે હવે વાત કરવાનો તો દૂર સામે જોવાનો પણ વહેવાર ના રહ્યો, બંને રસ્તામાં સામે મળે તો પણ નજર ફેરવી લેતા, ઘરની સ્ત્રીઓ અને બાળકોને પણ જાણે કે આ આભડછેટ લાગવા લાગ્યો હતો.

Image Source

એક દિવસ કરસન ખેતરમાં બેસી વિચારવા લાગ્યો કે તેને જે કર્યું એ ખુબ જ ખોટું કર્યું છે, જેની પાસે જ કાયમ રહેવાનું છે, જીવનમાં જરૂર પડશે ત્યારે એ જ વ્યક્તિ પાસે આવીને ઉભો રહેવાનો છે અને એને એની જ સાથે આવું  વર્તન કર્યું? કરસનને પણ લાગ્યું કે તેને ભૂલ કરી છે, પરંતુ હવે ભૂલને કેવી રીતે સુધારવી તેનો રસ્તો તે શોધવા લાગ્યો, એજ સમયે ગામની અંદર એક સાધુ આવ્યા હતા, જે લોકોની મૂંઝવણ દૂર કરતા હતા.

કરસન પણ એ સાધુ પાસે પોતાની મૂંઝવણ લઈને ગયો, સાધુને બનેલી બધી જ ઘટના જણાવી અને કોઈ ઉપાય આપવા માટે આજીજી કરી. સાધુએ તેને ઉપાય સુઝવતાં કહ્યું કે ગામની આસપાસ તને જેટલા પણ પીંછા મળે એ બધા જ પીંછાને ભેગા કરી લઈ આવી, ગામની પાસે રહેલા ચબુતરા આગળ મૂકી દેજે, પછી પાછો મારી પાસે આવજે હું તને ઉપાય સુઝવીશ.

કરસને સાધુના કહ્યા પ્રમાણે હરખાતો હરખાતો આસપાસના ખેતરમાંથી પીંછા ભેગા કરવાના શરૂ કર્યા, સાંજ સુધીમાં તેને ઘણા બધા પીંછાઓ ભેગા કરી લીધા અને તે લઈને ગામ તરફ પાછો ફર્યો, સાધુના જણાવ્યા અનુસાર તેને બધા જ પીંછાઓને ભેગા કરી ચબૂતરા પાસે રાખી દીધા. પોતાને હવે ઉપાય મળશે એ વિશ્વાસ સાથે તે સાધુ પાસે ગયો.

Image Source

સાધુ પાસે જઈને તેમના જણાવ્યા અનુસાર તેને પીંછા વીણી તેનો ઢગલો ચબૂતરા પાસે રાખી દીધો હોવાની વાત કરી. સાધુએ તેને થોડીવાર બેસાડી પાછો ચબુતરા પાસે જઈને એ પીંછા પાછા લઈ આવવાનું કહ્યું.

કરસન ઊભો થઈને તરત ચબૂતરા તરફ ચાલવા લાગ્યો, અંધારું થઈ ગયું હતું, પોતે જ્યાં પીંછાનો ઢગલા રાખ્યો હતો ત્યાં ગયો પરંતુ ત્યાં તેને એક પણ  પીંછું મળ્યું નહિ, પવનના કારણે બધા જ પીંછાઓ ઉડી ગયા હતા, અંધારું થઇ ગયું  પીંછાને પાછા વીણી શકે એમ પણ નહોતો આથી નિરાશ થઈને તે સાધુ તરફ પાછો ફર્યો.

સાધુ પાસે જઈને જોયું તો તેનો પાડોશી પણ સાધુ સામે જ બેઠો હતો, કરસનને જોઈને સાધુ મલકાયા અને કહ્યું “શું થયું કરસન? પીંછા કેમ ના લાવ્યો?” કરસનને નિરાશાભર્યા સ્વર સાથે કહ્યું:
“સાધુ મહારાજ, બધા જ પીંછાઓ પવનમાં ઉડી ગયા હતા.”

Image Source

સાધુએ જવાબ આપ્યો: “આપણા શબ્દો પણ એ પીંછા સમાન જ છે, જો તમે તેને સાચવીને નહિ રાખો તો તે ઉડી જ જવાના છે, માટે શબ્દોને મોઢામાંથી બહાર કાઢતા પહેલા વિચાર કરવો જોઈએ, તારા પાડોશીને પણ આ વાતનો અફસોસ હતો, તેને પણ મેં તારી જેમ જ પીંછા ભેગા કરવાનું કામ સોંપ્યું હતું, પરંતુ તે પણ તારી જેમ જ ખાલી હાથે પાછો ફર્યો, અફસોસ તેને પણ હતો અને તને પણ હતો, પરંતુ તમારા વચ્ચે બોલાયેલા એ અપશબ્દોનું વજન એટલું બધું હતું કે તમને બંનેને સામે જોવા પણ નહોતું દેતું.”

કરસન અને તેના પાડોશીને સાધુની વાત સમજાઈ અને તેમને બંનેએ એકબીજાના ભેટી પોત પોતાની ભૂલ સ્વીકાર કરી, સાધુ મહારાજનો આભાર વ્યક્ત કરી વિદાય લીધી.

Image Source

આવું જ કઈ આપણા જીવનમાં પણ બનતું હોય છે, ઘણીવાર આપણે પણ કોઈને કારણ વગર અપશબ્દો કહ્યાનો અફસોસ પણ કરતા હોઈએ છીએ, પરંતુ એકવાર બોલી દેવાયા બાદ શબ્દો પાછા ક્યારેય ફરતા નથી અને એ શબ્દોના કારણે સર્જાયેલી સમસ્યા, એ સંબંધો વચ્ચેની તિરાડ દિવસેને દિવસે મોટી થતી જ જાય છે. જે માફી દ્વારા જ ભરાય છે, પરંતુ ક્યારેક એવો સમય પણ આવે છે જયારે આપણે માફી પણ નથી માંગી શકતા કે માફ પણ નથી કરી શકતા..!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.