ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સ્વની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામેથી એક દુખદ સમાચાર સામે આવ્યા. વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવાનને કરંટ લાગ્યો અને પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ, જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ. એવું કહેવાઇ રહ્યુ છે કે લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઇટેન્શનલાઈનને અડી જતાં આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા પોલિસ તાત્કાલિક પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. વડુ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું કે મોડીરાત્રે પંડાલ બનાવતા સમયે આ ઘટના બની. અંદાજે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટનામાં પ્રકાશ ઉર્ફે સચિન જાદવનું મોત થયુ છે, તે ત્રણ ભાઇમાં બીજા નંબરનો હતો અને ગામમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો. ત્યારે પ્રકાશના મોત બાદ તેની 6 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રકાશના મોત બાદ પરિવાર આઘાતમાં છે. જણાવી દઇએ કે, મૃતક પ્રકાશ જાદવ સારો ક્રિકેટર હતો અને પાદરા તાલુકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો હતો, એટલે તેને લોકો તાલુકામાં સચિન તરીકે પણ ઓળખતા. લોકો તેના મૂળ નામ પ્રકાશ કરતાં વધારે તો તેને સચિન તરીકે ઓળખતા. છેલ્લાં 40 વર્ષથી ડબકા ગામમાં ગણેશોત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે 41મું વર્ષ હતુ અને યુવક મંડળના યુવાનો 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊચો પંડાલ બનાવી રહ્યા હતા.
ત્યારે અંધારું હોવાને કારણે પંડાલનો લોખંડનો પોલ 11 KV વીજલાઇનને અડી જતાં 15 યુવાનને કરંટ લાગ્યો. ગણેશમંડળના અગ્રણી મહેશભાઇ જાદવે જણાવ્યું કે યુવક મંડળ દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ બુક પણ કરાવી દીધી હતી. શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે આવવાના હતા, પણ મોડીરાત્રે બનેલ ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ થઇ ગયું અને મંડળ દ્વારા સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે.