હે ભગવાન… આ તે કેવું મોત ? દ્વારકાધીશના દર્શને પગપાળા સંઘમાં જઈ રહેલી 3 મહિલાઓને નડ્યો અકસ્માત, 2ના મોત અને 1 ગંભીર

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ ઠેર ઠેર સામે આવી રહી છે, ઘણીવાર બે વાહનો વચ્ચે અકસ્માત થાય છે તો ઘણીવાર ચાલીને જતા લોકો ઉપર વાહનો ફરી વળતા હોય છે, આવા જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાલ સામે આવી છે, જેમાં દ્વારકાધીશના દર્શને પગપાળા જઈ રહેલી 3 મહિલાઓને અકસ્માત નડ્યો હતો અને તેમાંથી 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાદરા ગામમાંથી કોઈ માનતા પૂર્ણ કરવા માટે 90 જેટલા પુરુષો અને સ્ત્રીઓ દ્વારકા પગપાળા જઈ રહ્યા હતા, આ દરમિયાન જ ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવી રહેલી એક કારે ત્રણ મહિલાઓ ઉપર ગાડી ચઢાવી દીધી હતી, જેમાંથી બે મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભરેલા મોત નિપજ્યા છે. જયારે એક મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ ઘટના અંગે જાણ થતા જ ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મહિલાઓને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.

પગપાળા નીકળેલો આ સંઘ સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે આગળ ચાલતો થયો હતો. ત્યારે સંઘ જયારે ઉપલેટા-પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે પહોંચ્યો ત્યારે જ આ અકસ્માત સર્જાયો. આ ઘટનાના કારણે સંઘના લોકોમાં પણ દુઃખ પ્રસરી ઉઠ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા બાદ અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

Niraj Patel