લંગર બાબાના નામથી પ્રખ્યાત પદ્મશ્રી જગદીશ લાલ આહુજાનું થયું નિધન, 40 વર્ષથી લંગર લગાવીને ભરી રહ્યા હતા ગરીબોનું પેટ

દુઃખદ: જેમને પદ્મશ્રી મળ્યું હતું એવા લંગર બાબા નથી રહ્યા, છેલ્લા શ્વાસ સુધી રોજ ભરી રહ્યા હતા 2500 ગરીબોનું પેટ, વેચી દીધી હતી 1.5 કરોડની સંપત્તિ

આપણો  દેશ સેવાભાવી દેશ છે, અહીંયા લોકો દાન, ધર્મમાં ખુબ જ માને છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનું આખું જીવન સેવાના નામ ઉપર સમર્પિત કરી દે છે, એવા જ એક PGI ચંદીગઢની બહાર લંગર કરનાર પદ્મશ્રી જગદીશ આહુજાનું સોમવારે નિધન થયું હતું. બપોરે 3 વાગ્યે ચંદીગઢના સેક્ટર 25 સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લંગર બાબા તરીકે જાણીતા આહુજાએ PGI તેમજ GMSH-16 અને GMCH-32 સામે લંગર કરીને લોકોનું પેટ ભર્યું હતું. લંગર બાબા 40 વર્ષથી સેવા આપતા હતા. તેથી જ તેમને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. લોકોને ખવડાવવા માટે કરોડો રૂપિયાની સંપત્તિ દાનમાં આપનાર લંગર બાબા સેક્ટર 23માં રહેતા હતા.

85 વર્ષની ઉંમર જોઈ ચૂકેલા જગદીશ આહુજાને લોકો પ્રેમથી ‘લંગર બાબા’ના નામથી બોલાવતા હતા. પટિયાલામાં તેમણે ગોળ અને ફળો વેચીને પોતાનું ગુજરાન શરૂ કર્યું. 21 વર્ષની ઉંમરે 1956માં ચંદીગઢ આવ્યા હતા. તે સમયે ચંદીગઢને દેશનું પ્રથમ આયોજિત શહેર બનાવવામાં આવી રહ્યું હતું. અહીં આવીને તેમણે ફ્રૂટ સ્ટોલ ભાડે રાખીને કેળા વેચવાનું શરૂ કર્યું.

તેમના નિધન ઉપર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ લખ્યું કે, “લંગરબાબા તરીકે જાણીતા મહાન સમાજસેવક અને પ્રસિદ્ધ પરોપકારી પદ્મશ્રી જગદીશ લાલ આહુજાના નિધન પર મારી ઊંડી સંવેદના. PGIMER ખાતે ગરીબ અને જરૂરિયાતમંદોને મફત ભોજન અને દવાઓ આપવાની તેમની નિઃસ્વાર્થ ભાવના હંમેશા અન્ય લોકોને આવી ઉમદા સેવા માટે પ્રેરણા આપશે.”

લંગર બાબા 1947માં બાળપણમાં પેશાવરથી સ્થળાંતર કરીને પંજાબના માનસા શહેરમાં આવ્યા હતા. તે સમયે તેની ઉંમર લગભગ 12 વર્ષની હતી. આટલી નાની ઉંમરથી જ તેમનો જીવન સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. વિસ્થાપન દરમિયાન તેમનો પરિવાર ગુજરી ગયો હતો. આવી સ્થિતિમાં, જીવવા માટે, તેમણે રેલ્વે સ્ટેશન પર મસાલા દાળ વેચવી પડી હતી જેથી કરીને તે પૈસાથી જમવાનું જમી શકે અને જીવી શકે. ઘણીવાર તેમની દાળનું વેચાણ ના થવા ઉપર તેમને ભૂખ્યા સૂવું પડતું હતું.

Niraj Patel