ગુજરાતમાં જ આવેલી છે પદમડુંગરી નામની આહ્લાદક જગ્યા, મોટા ભાગના લોકોને ખબર જ નથી
ગુજરાતની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો આવેલા છે. અને દરેક સ્થળનું આગવું વૈવિધ્ય છે. પરંતુ ગુજરાતના ઘણા સ્થળો એવા છે જેના વિશે હજુ ઘણા ઓછા લોકો જાણે છે, અને આવા સ્થળો પ્રકૃતિના સાનિધ્યથી ભરપૂર છે. આવું જ એક સ્થળ છે પદમડુંગરી. જેની સુંદરતા કાશ્મીરથી જરા પણ કમ નથી.

પદમડુંગરી ગુજરાતના દક્ષિણ ભાગમાં વ્યારાથી 30 કિલોમીટર દૂર તાપી જિલ્લામાં આવેલું છે. જેની ચારેય તરફ લીલી વનરાજી છે. અને વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી અને તેની સુંદરતામાં વધારો કરતી હોય તેમ લાગે છે.

આ જગ્યા જઈને શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર એક શાંત અને પ્રાકૃતિક આહલાદક વાતાવરણનો અનુભવ કરાવે છે. આ સ્થળ ઉપર જઈને એવો અનુભવ થાય જાણે કે આપણે સ્વર્ગમાં આવી પહોંચ્યા હોય. દૂર દૂર સુધી નજર કરતા માત્ર લીલીછમ વનરાજી અને ડુંગરો નજરે ચઢે, પદમ ડુંગરીના પ્રકૃતિમય વૈભવમાં તમે તમારી ચિંતાઓ પણ ભૂલી જશો અને ખુબ જ હળવો અનુભવ કરી શકશો.

પદમડુંગરી અને આસપાસનો વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા ઉપર આવેલો છે. આ જગ્યા ઉપર અંબિકા નદી આવેલી છે. આ સમગ્ર વિસ્તાર પર્વતો અને લીલાછમ જંગલોથી છવાયેલો છે. અહીં દીપડા, હરણ, વિવિધ પક્ષીઓ પણ જોવા મળી જાય છે. એડવેન્ચર માટે પણ આ એક શ્રેષ્ઠ જગ્યા છે.

આ જગ્યા શહેરના કોલાહલથી દૂર આવેલી હોવાના કારણે અને ઘણા ઓછા લોકો આ જગ્યા વિશે જાણતા હોવાના કારણે અહીંયા ભીડ પણ ઘણી ઓછી રહે છે. માટે આ સ્થળે આવીને તમને માનસિક શાંતિનો અનુભવ જરૂર થશે. અહીંયા આવીને તમને સંસ્કૃતિને માણવાનો અનુભવ પણ ચોક્કસ થશે.

પદમડુંગરીની આસપાસ તમને ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ઠંડા-ગરમ પાણીના કુંડ અને ઘુસામાઈ મંદિર જોવા મળશે. આ ઉપરાંત વઘાઈ બોટનિક ગાર્ડન, ટીમ્બર વર્કશોપ, વાંસદા નેશનલ પાર્ક અને શબરી ધામની પણ મુલાકાત લઈ શકો.

પદમડુંગરીમાં જ આવેલી અંબિકા નદીની અંદર વિવિધ એકિટવિટી પણ કરાવવામાં આવે છે. જેના દ્વારા પણ તમને આ સ્થળે આવીને વધારે આનંદ આવશે, સાથે તમારા બાળકો પણ આ જગ્યાએ મઝા કરી શકશે.

વાત કરીએ આ સ્થળ ઉપર મળતી સુવિધાઓની તો અહીંયા પ્રવાસીઓ માટે તંબુઓ, સિનેમાગૃહ, રસોઈ ઘર, વારિગૃહ જેવી સુવિધાઓ પણ બનાવવામાં આવી છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે “પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર” પણ ઉભું કરવામાં આવ્યું છે.