કૌશલ બારડ લેખકની કલમે

મારે પણ તરત જ મિલિયન ડોલરનું ચિત્ર બનાવીને કરોડોની કમાણી કરતા શીખવું છે!’ યુવતીની આ માગણી પર ચિત્રકારે શું કહ્યું?

પાબ્લો પિકાસોનું નામ તો ચિત્રકલામાં થોડોઘણો પણ રસ દાખવતા દરેક માણસને કાને પડ્યું હશે. સ્પેનમાં જન્મેલ પિકાસોની ગણના વિશ્વના સર્વોત્તમ ચિત્રકારોમાં થાય છે. તેમનું એક-એક ચિત્ર ખરીદવા માટે જગત ઢગલાબંધ રૂપિયા આપતું. તેમનાં ચિત્રની હરાજીઓમાં કરોડોની બોલી લાગતી.

આવા પિકાસો એક દિવસ એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એક સ્ત્રીની નજર અચાનક તેમના પર પડી અને તેને તરત પિકાસોને ઓળખી લીધા. તે દોડીને પિકાસો પાસે આવી અને કહેવા લાગી,

Image Source

“સર…સર! હું તમારી બહુ મોટી ફેન છું, સર! પ્લીઝ તમે મારા માટે એક પેઇન્ટિંગ બનાવી આપો ને?”

પિકાસોએ કહ્યું, “અરે! પણ તમે જુઓ તો ખરાં કે મારી પાસે અત્યારે ચિત્ર દોરી શકાય એવા સાધનોની વ્યવસ્થા નથી. અહીં હું ખાલી હાથે ફરું છું.”

પણ એ સ્ત્રી એમ શાની માને? એને ખબર હતી કે, આવો અજબ સંયોગ ફરી રચાવો મુશ્કેલ છે. આ માણસને મળવાનું ફરી તો ક્યાંથી શક્ય બને? એટલે એણે તો રીતસર હઠ જ પકડી લીધી,

Image Source

“ના, સર! તમે પ્લીઝ…પ્લીઝ એક પેઇન્ટિંગ તો બનાવી જ આપો. ફરી તમે ક્યારે ભેગા થાઓ એનું નક્કી નહી. મહેરબાની કરો, સર!”

પિકાસોને લાગ્યું કે આ બાઈ માનવાની છે નહી! એટલે એણે ખિસ્સામાંથી એક સામાન્ય કાગળ કાઢ્યો અને પેન લઈ માત્ર ૧૦ મિનિટમાં એક ચિત્ર બનાવ્યું અને તે મહિલાને આપ્યું. આપતી વખતે કહ્યું કે,

Image Source

“આ લ્યો. મિલિયન ડોલરની પેઇન્ટિંગ છે આ!”

બાઈને વિશ્વાસ ન આવ્યો. તેને થયું કે, પિકાસો એને રમાડે છે. ૧૦ મિનિટમાં મિલિયન ડોલરની પેઇન્ટિંગ બનાવવાની મૂર્ખતાપૂર્ણ વાત કરે છે! એ કંઈ બોલી નહી પણ પેઇન્ટિંગ લઈને સીધી બજારમાં ગઈ. બજારમાં તેણે આ પેઇન્ટિંગની કિંમત પૂછી તો ખરેખર મિલિયન ડોલર નીકળી! બાઈના આશ્વર્યનો પાર ન રહ્યો. ત્યાંથી તે ભાગી અને રસ્તા પર શાંતિથી જઈ રહેલા પિકાસોને આંબી લીધા.

“સર! તમે તો કમાલ કરી નાખી. આ પેઇન્ટિંગ ખરેખર મિલિયન ડોલરની છે.”

પિકાસો હસ્યા અને ચાલવા લાગ્યા. સ્ત્રી તેની પાછળ-પાછળ ચાલી. હાથ જોડીને તે કહેવા લાગી,

Image Source

“સર! તમે મને તમારી સ્ટુડન્ટ બનાવી લો. મને પણ થોડું ચિત્રકળાનું જ્ઞાન આપો. જેથી ભલે તમારી જેમ ૧૦ મિનિટમાં નહી પણ ૧૦ કલાકમાં તો આવું ચિત્ર બનાવી શકું!”

પિકાસોએ કહ્યું, “વાંધો નહી! પણ આ જે પેઇન્ટિંગ મેં ૧૦ મિનિટમાં બનાવ્યું છે, એ કળા શીખવા માટે મને ૩૦ વર્ષ લાગ્યાં છે. તું પણ જો તારી જિંદગીનાં ૩૦ વર્ષ આપવા તૈયાર હો તો કાલથી શીખવા આવી જજે.”

Image Source

પેલી બાઈ હતપ્રભ બની ગઈ!

સિદ્ધિનાં શિખરે પહોંચેલા કોઈ વ્યક્તિ વિશે આપણે ધારણા બાંધી લઈએ છીએ કે, તે કલાકના હજારો કે લાખો રૂપિયા કમાઈ છે. પણ એની પાછળ એણે અડધી જિંદગીનો નીચોડ કાઢી નાખ્યો હોય છે તે આપણને નથી દેખાતું! દુનિયામાં સફળતાનો બાયપાસ કદી બન્યો નથી કે બનવાનો નથી. એના માટે તો સંઘર્ષનો ટ્રાફિકજામ ક્લીયર કરીને જ આગળ વધવું પડે છે!
Author:  કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.