ખબર મનોરંજન

સોનાલી ફોગાટ હત્યા કેસમાં આવ્યો એક નવો વળાંક, PA સુધીરે જ રચ્યું હતું આ સમગ્ર હત્યાનું કાવતરું, ગોવામાં નહોતું કોઈ શૂટિંગ

સોનાલી ફોગાટ હત્યા કેસમાં એક પછી એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં ઘણા બધા વળાંકો આવી ગયા, શરૂઆતમાં હાર્ટ એટેકથી મોતનો લાગતો આ કેસ હત્યા સુધી પહોંચ્યો અને પરિવારના આરોપો અને ફોરેન્સિક રોપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે સોનાલીના PA સુધીરની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં બીજા પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલ આ હત્યાના મુખ્ય આરોપી સુધીરે પોતાનો ગુન્હો કબૂલી લીધો હોવાનું સામે આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગોવા પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટના મોતનું કાવતરું કબૂલ્યું છે. ગોવા પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે સુધીર સાંગવાને કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન સોનાલી ફોગાટને ગુડગાંવથી ગોવા લાવવાના કાવતરાની કબૂલાત કરી છે. પોલીસે જણાવ્યું કે ગોવામાં કોઈ શૂટિંગની કોઈ યોજના નહોતી, તે ગોવા લાવવાનું કાવતરું હતું.

ગોવા પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડવામાં આવ્યું હતું. દરમિયાન, સીએમ પ્રમોદ સાવંતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોવા પોલીસે પુષ્ટિ કરી છે કે તમામ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે અને આ હત્યા કેસમાં સુધીર સાંગવાનને દોષિત ઠેરવવા માટે પૂરતા છે. ગોવા પોલીસને વિશ્વાસ છે કે ટ્રાયલ દરમિયાન કોર્ટમાં સોનાલી ફોગાટની હત્યાના આરોપીઓને જવાબદાર ઠેરવી શકાશે.

અહેવાલ છે કે ગોવા પોલીસ આજે રોહતકમાં આરોપી સુધીર સાંગવાનના ઘરે પણ જઈ શકે છે. આ દરમિયાન સુધીર સાંગવાનના પરિવારની પૂછપરછ થઈ શકે છે. આ સિવાય સુધીરના ઘરની પણ તલાશી લેવામાં આવી શકે છે. સોનાલી ફોગટના ભાઈઓ વતન ઢાકા અને રિંકુ ઢાકાએ જણાવ્યું કે તેઓએ ગોવા પોલીસ સાથે વાત કરી છે અને તેઓએ માહિતી આપી છે કે તેઓ આજે રોહતકમાં સુધીર સાંગવાનના ઘરે પૂછપરછ માટે જશે. ગોવા પોલીસ માત્ર હિસારમાં જ હાજર છે. સુધીર સાંગવાનના ઘરે જવા ઉપરાંત ગોવા પોલીસ આજે કેટલાક વધુ લોકોના નિવેદન પણ નોંધી શકે છે. હાલમાં ગોવા પોલીસ રેડ ડાયરીની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગત 23 ઓગસ્ટે સોનાલી ફોગાટનું ગોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સોનાલી ફોગાટના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ કેસમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરવામાં આવી હતી. ગોવા પોલીસે પાછળથી કુર્લીસ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ અને બે ડગ પેડલરની પણ ધરપકડ કરી હતી.