પાંચથી સાત દિવસના વિરામ બાદ ગુજરાતમાં આજે વહેલી સવારથી ફરી એકવાર વરસાદી માહોલ જામેલો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય છે અને તેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે. ઓરિસા પાસે સર્જાયેલ ડિપ્રેશન હાલમાં પૂર્વ પર સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે તેને કારણે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફની અસર રહેશે. આ ઉપરાંત ગુજરાત નજીક 20 અલ્ટિટ્યૂડ ઉત્તરમાં સિયર ઝોન સક્રિય છે. ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતમાં આગામી એક અઠવાડિયા દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ તો બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 4.9 ઈંચ વરસાદ પડતો હોય છે, પણ હાલમાં સક્રિય લો-પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરના 10 દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે અને દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી એકથી બે ડિગ્રી ઓછી રહે એવી સંભાવના છે.