સૂર્યનગરી સુરત શહેરને દાનવીરની ભૂમિ કહેવામાં આવે છે. સુરતમાંથી જરૂરતમંદોને દાન અપાયાના ઘણા કિસ્સાઓ આપણે જાણીએ જ છીએ. ત્યારે આજે વાત કરીએ અંગદાન વિશે કે સુરત ના લોકો અંગદાનની બાબતમાં પણ પાછળ નથી.

સુરતના એક પરિવારે તેમના બ્રેઈન ડેડ થયેલા દીકરાના અંગોનું દાન કરીને ઘણા લોકોને નવું જીવન આપીને માનવતા મહેકાવી હતી. બ્રેઈન ડેડ યુવકના કીડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. યુવકના પરિવારજનોના નિર્ણયથી આ યુવક ત્રણ લોકોમાં જીવંત છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક સોસાયટીમાં મકાનમાલિકે ભંગારના વેપારી સાથે 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંક્યો હતો, તે સમયે ત્યાંથી બાઈક પર પસાર થતા યુવાન પર આ દાદરો પડ્યો હતો અને તેને ગંભીર ઈજા થઇ હતી. આ યુવકને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારજનોએ તેના અંગોનું દાન આપીને પાંચ લોકોને નવું જીવન આપ્યું હતું.

વિગત અનુસાર, જયારે ભંગારના વેપારી સાથે મકાનમાલિકે ટેરેસ પરથી લોંખડનો દાદર નીચે ફેંક્યો હતો, ત્યારે ઘરેથી નોકરીએ જવા માટે નીકળેલો 25 વર્ષીય જીતેન્દ્ર દેસાઈ ત્યાંથી પસાર થયો અને તેના માથે આ દાદરો પડતા તેને ગંભીર ઇજા થઇ અને તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો. આ પછી મકાન માલિક અને ભંગારના વેપારી સામે ગંભીર બેદરકારીનો કતારગામ પોલીસે આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જીતેન્દ્રની સારવાર કરનાર હોસ્પિટલના ડોક્ટરોએ તેનું સ્કેન કર્યું હતું જેમાં મગજમાં ડાબી બાજુના હાડકામાં ફ્રેકચર તેમજ મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. અને એ પછી તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. આ પછી તેના પરિવારજનોએ વિચાર્યું કે જીતેન્દ્ર બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર કરીને શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોનું દાન કરવું, જેથી કોઈનો જીવ બચી જાય.

અમદાવાદની કિડની હોસ્પિટલમાં બે કિડની અને લિવરનું દાન આપવામાં આવ્યુ હતું અને ત્રણ દર્દીઓને નવજીવન આપ્યું હતું. જ્યારે ચક્ષુઓના દાનથી બે લોકોને આંખો આપવામાં હતી. આમ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩343 કિડની, 137 લિવર, 7 પેન્ક્રીઆસ, 23 હૃદય, 4 ફેફસાં અને 248 ચક્ષુઓ મળી કુલ 762 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 698 વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.