નડિયાદના યુવકનું બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું નિધન, પરિવારે અંગદાનનો નિર્ણય લઈને 5 લોકોને આપ્યું નવું જીવન, મહેંકાવી માનવતા

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને ખુબ જ મોટી જાગૃતિ જોવા મળી રહી છે. આજે મોટાભાગના લોકો અંગદાનના મહત્વને સમજે છે અને મૃત્યુ બાદ થતા અંગદાનના કારણે કેટલાય લોકોને નવું જીવન પણ મળતું હોય છે. ત્યારે આવી જ ઘટના હાલ સાક્ષર નગરી નડિયાદમાંથી આવી છે, જ્યાં એક યુવકનું બ્રેઈન સ્ટોકના કારણે નિધન થયા બાદ તેમના અંગોથી 5 લોકોને નવજીવન મળ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમદાવાદ અને હાલ નડિયાદમાં આવેલા અનેરી હાઈટ્સમાં રહેતા 26 વર્ષીય નિગમ બિપીનભાઈ સિદ્ધપુરાને બે દિવસ પહેલા સાંજના સમએ બ્રેઈન સ્ટ્રોકનો હુમલો થયો હતો, જેના બાદ તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

જેના બાદ નિગમભાઈના માતા અને પિતાને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સામાજિક સંસ્થાઓ દ્વારા અંગદાન અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, અને તેમને પણ અંગદાનનું મહત્વ સમજી પોતાના વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપવાની તૈયારી બતાવી હતી.

નિગમભાઈની બે કિડની, લીવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન કરવામાં આવ્યું, જેમાં તેમનું હૃદય મુંબઈ સ્થિત વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ રીતે નિગમભાઈના અંગોથી 5 લોકોને નવું જીવન મળ્યું હતું, અને પરિવારના આ નિર્ણય દ્વારા માનવતા પણ મહેંકી ઉઠી હતી.

Niraj Patel