સુરતમાં ફક્ત 5 દિવસના માસુમ બાળકનું થયું અંગદાન, ભારતની પહેલી અને વિશ્વની બીજી ઘટના બની

સુરતના 111 કલાકની ઉંમરના બાળકના અંગોનું કરાયું દાન, દેશનો પહેલો અને વિશ્વનો બીજો કિસ્સો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Organ donation of 5 days old baby in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનનું મહત્વ ખુબ જ વધ્યું છે અને ઘણા વ્યક્તિઓના બ્રેઈન ડેડ થયા બાદ તેમના અંગોનું દાન કરીને અન્ય લોકોને નવ જીવન આપવામાં આવતું હોય છે. ત્યારે આવી ઘટનાઓ સુરતમાંથી સતત સામે આવતી રહે છે. હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને લઈને સૌ કોઈ હેરાન છે. ભારતમાં પ્રથમવાર અને વિશ્વમાં બીજી વખત કોઈ 5 દિવસના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે.

5 દિવસના બાળકનું અંગદાન :

સુરતમાં એક પાંચ દિવસના બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન આપવામાં આવ્યું હતું. પરિવારજનોએ ભારે હૃદયથી બાળકનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે દેશભરમાં આ અંગદાનની પ્રસંશા પણ થઇ રહી છે. પરિવારજનોએ પણ પોતાના પાંચ દિવસના માસુમ બાળકનું અંગદાન કરીને દુનિયાને પણ અંગદાનના મહત્વ વિશેનો એક ખાસ સંદેશ આપ્યો છે. બાળક જન્મ બાદ હલન ચલન કરી શકતો નહોતો અને જન્મના 4 દિવસ બાદ જ તેને ડોકટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે આ નિર્ણય લીધો.

13 ઓક્ટોબરે થયો હતો બાળકનો જન્મ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ગીતાંજલિ રો હાઉસમાં રહેતા સંઘાણી પરિવાર તેમના ઘરે સંતાનના આગમન થવાને લઈને ખુબ જ ખુશ હતો અને 13 ઓક્ટોબરના રોજ તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થતા જ પરિવાર ખુબ જ ઉત્સાહમાં આવી ગયો, પરંતુ તેમની ખુશી માત્ર પળવારની જ હતી. માસુમ બાળકમાં કોઈપણ પ્રકારનું હલનચલન જોવા ના મળ્યું અને તે રડ્યું પણ નહિ. જેનાથી બાળકના પિતા હર્ષ સંઘાણી અને તેમના પત્ની ચેતનાબેન સંઘાણી ચિંતામાં આવી ગયા.

સંઘાણી પરિવાર માથે તૂટ્યું આભ :

જે પળની રાહ આ દંપતી છેલ્લા 9 મહિનાથી જોઈ રહ્યું હતું, તે પળ આવી દર્દનાક બનશે તેમને સપનામાં પણ વિચાર્યું નહોતું. પરિવારે તાત્કાલિક બાળકને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું. બાળકની સ્થિતિ સુધરે તે માટે થઈને ડોક્ટરોએ પણ ભરપૂર પ્રયાસો કર્યા, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું. પરંતુ તેની સ્થિતિમાં સુધાર ના આવ્યો. આખરે ડોકટરોની ટીમ દ્વારા બાળકને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા જ સંઘાણી પરિવાર પર જાણે દુઃખોનું આભ તૂટી પડ્યું.

અંગદાનનું મહત્વ સમજાવ્યું :

આ દરમિયાન સંઘાણી પરિવારના એક નજીકના મિત્ર દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને અંગદાન માટે કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વિશે માહિતી આપી હતી. જેના બાદ ફાઉન્ડેશનના સભ્યએ બાળકના પિતા હર્ષભાઈ અને માતા ચેતનાબેનને પણ અંગદાનનું મહત્વ સમજાવીને તે માસુમ બાળકના અંગદાન માટે તૈયાર થયા અને તાત્કાલિક પરિવારની સંમતિ બાદ બાળકના ટેસ્ટ કરવામાં આવ્યા અને બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું. જેનાથી આ અંગોની રાહ જોઈ રહેલા બાળકોને નવજીવન મળશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel