Opposition To The Lustful Monks : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતા જ હોબાળો મચી જાય છે. સમાજ જેને પૂજનીય ગણે છે એવા જ સાધુઓ દ્વારા આવી કામલીલાઓ કરવાના કિસ્સા સામે આવતા જ લોકો પણ ગુસ્સે ભરાય છે અને સંપ્રદાય અને આવા સાધુઓ વિરુદ્ધ બળવો પણ પોકારતા હોય છે.
આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા વડોદરાના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક સાધુ દ્વારા એક યુવતીને ગિફ્ટ આપવાના બહાને મંદિરમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે યુવતીએ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી .યુવતીએ આ મામલે મીડિયાને જણાવ્યું કે “આ ઘટના વર્ષ 2016ની છે અને હું આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. હું જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છું, તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતા.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “2014થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવ્યું હતું. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા. જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મને તેઓએ ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ.”
ત્યારે આ મામલે હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગતરોજ ગઢડા મંદિર ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા લંપટ સંતો સામે બેનરો લગાવી સુત્રોચાર કર્યા હતા. બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિંયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માંગ કરવાની સાથે 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.