ખબર

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત : આ તારીખથી ખુલી શકે છે ધોરણ 10 અને 12ના કલાસ

કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી શાળા કોલેજો બંધ છે, સ્કૂલો ખોલવા અંગે વખતો વખત નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, પરંતુ વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે નિર્ણયો મોકૂફ પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે યોજાયેલી કેબિનેટ બેઠકની અંદર શાળા ખોલવાને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, “આજની કેબિનેટની બેઠકમાં શાળા -કોલેજ ખોલવા મુદે ચર્ચા થઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી, યુજી છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતનાં તમામ બોર્ડને લાગુ પડશે.”

આ સાથે જ તેમને જણાવ્યું હતું કે “કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે, તેથી શાળામાં સાવચેતી અને આરોગ્યની સાવચેતી રાખવી પડશે. આ ઉપરાંત સ્થાનિક પીએસસી સીએચસી સાથે સંકલન કરવું પડશે.” આ સાથે જ તેમને એમ પણ જણાવ્યું કે શાળામાં સોશિયલ ડિસ્ટેંસીન્ગ ઉપરાંત શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ માસ્ક પણ ફરજીયાત પહેરવા પડશે.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવાને લઇને જાહેરાત કરી છે. આ સાથે શિક્ષણમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં, જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાશે.