ખબર

ગુજરાત હાઇકોર્ટની સરકારને મોટી ફટકાર: સ્વામીનારાયણ સંપ્રદાયથી લઈને રેમડેસિવિર વિષે શું કહ્યું? જાણો

સમગ્ર વિશ્વ સાથે ગુજરાતમાં પણ કોરોના સતત વધી રહ્યો છે, આ દરમિયાન હોસ્પિટલો અને સ્મશાનોમાંથી ડરામણા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતે સરકારની નીતિઓ ઉપર હાઇકોર્ટ નારાજ થતી જોવા મળી છે.

આ અંગે હાઇકોર્ટ દ્વારા ઘણા મુદ્દાને લઈને સરકારની નીતિઓ સામે સવાલો ઉભા કર્યા હતા. હાઇકોર્ટ દ્વારા જણાવવાંમાં આવ્યું હતું કે ચૂંટણી માટે બૂથ વાઇઝ આંકડા અને સોસાયટી હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય?, શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.

તો આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી NGO છે તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવવો, દિવાળી ઉપર જે રીતે  પ્રતિબંધ મૂકીને લોકો ઉપર અંકુશ મુક્યો હતો ત્યારે લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવા પગલાં લો.

આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે લોકો અત્યારે ભગવાન ભરોસે છે, કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું. ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે.

આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને પણ હાઇકોર્ટે કહ્યું હતું કે રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ? એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. જનતાએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે? કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે? રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે ? બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે અન્ય રાજ્યમાં શું થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી,અમને ગુજરાતથી મતલબ છે. કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”, “ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

હાઇકોર્ટ દ્વારા સુચનકર્તાઓએ જણાવ્યું કે, લગ્ન અને સ્મશાન વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવો જોઇએ. લગ્ન પ્રસંગમાં 100 માણસોની મંજૂરી આપી છે તેમાં ઘટાડો કરો. કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છે. જેમાં રાજ્યમાં કોરોનાને કારણે થયેલી હાલતનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હાલ લોકડાઉનના પક્ષમાં નથી. લોકડાઉન કોઈ સમાધાન નથી. લોકડાઉનમાં રોજબરોજ કામ કરનારને સૌથી મોટી નુકસાન થઈ રહ્યું છે.

હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. આ હાલાકી સાથે આપણે જીવવું પડશે એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારો. સરકાર સારું કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે.