ખબર

વિશ્વની એકમાત્ર જગ્યા જ્યાં હજી સુધી નથી પહોંચ્યો કોરોના, જાણો તેનું કારણ

છેલ્લા બે વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે. જેના કારણે સમગ્ર દુનિયામાં લાખો લોકોના મોત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. કેટલાય લોકોના વેપાર ધંધા ભાંગી પડ્યા છે તો કેટલાય લોકોની નોકરી પણ જતી રહી છે.

હાલમાં કોરોનાને નાથવા સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ એવી બિમારી છે જે ઝડપથી ફેલાય છે. ખાસ કરીને કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટે લાખો લોકોને તેના ભરડામાં લઈ લીધા છે. દુનિયા મોટા ભાગના દેશોમાં આ વાયરસ પોતાના પગ ફેલાવી ચૂક્યો છો, આમ છતા એક જગ્યા એવી છે જ્યાં હજુ કોરોનાએ દસ્તક દીધી નથી.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ જગ્યા ભારતમાં જ આવેલી છે. કેમ કે અહીં પહોંચવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. આ જગ્યા અંદમાન-નિકોબારમાં આવેલી છે. આ જગ્યાનું નામ છે સેંટિનલ દ્વીપ. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જગ્યા પર સ્થાનીય જનજાતિ ઉપરાંત કોઈ બીજી પ્રજાતી રહેતી નથી. આ દ્વીપને દુનિયાની સૌથી એકાંત જગ્યા માનવામાં આવે છે.

આ દ્વિપ પર વિશ્વની સૌથી ખતરનાક જનજાતિ રહે છે. આ જનજાતિ આ દ્વિપ પર આશરે 60 હજાર વર્ષોથી રહે છે. સૌથી મહત્વની વાત છે કે અહીં રહેતા લોકો હજુ જૂની પદ્ધતિ પ્રમાણે જ પોતાનું જીવન વ્યતિત કરે છે. તેઓ મોર્ડન લાઈફ સ્ટાઈલથી બિલકુલ અછુતા છે. આ લોકોની ભારત સહિત દુનિયાના કોઈપણ દેશ સાથે કોઈ સંબંધ નથી. અહીં અન્ય લોકો ક્યારેય જતા આવતા નથી.

કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ સૌથી મોટુ હથિયાર છે પરંતુ આ લોકો હજારો વર્ષોથી સમગ્ર દુનિયા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું છે. કારણ કે આ દ્વિપમાં ન તો કોઈ પ્રવેશી શકે છે ન તો આ લોકો ક્યારેય બહારની દુનિયામાં જાય છે. એટલા માટે જ અહીં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

આ લોકો તીર કામઠા ચલાવવામાં માહિર છે. શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને ખેતી પણ કરતા આવડતી નથી. અહીં ગાઢ જંગલો આવેલા છે. માંસાહાર અને ફળો તેમનો ખોરાક છે. બહારના લોકોના સંપર્કમાં ન આવવાને કારણે અહીં વાયરસ પહોંચી શક્યો નથી.