Video: એક હાથ નથી છતાં પણ હિંમત નથી હાર્યો, એક હાથે પાવભાજીની લારી ધસેડી, એક જ હાથે બનાવી ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે

કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, જે લોકોને ખરેખર મહેનત કરવી હોય છે તેમની પાસે કોઈપણ જાતના બહાના નથી હોતા અને જેને મહેનત જ નથી કરવી તે બહાના જ બનાવતા હોય છે. આપણે ઘણા એવા લોકોને જોયા છે જે દિવ્યાંગ હોવા છતાં પણ હાર નથી માનતા અને પોતાનો રસ્તો પોતાની જાતે જ શોધી લે છે.

ત્યારે આજે અમે તમને એક એવા જ વ્યક્તિની કહાની જણાવવાના છીએ, જેમનો હાથ 25 વર્ષ પહેલા એક અકસ્માતની અંદર કપાઈ ગયો, પરંતુ તેમને હાર ના માની અને આજે મુંબઈની અંદર એકલા હાથે પાવભાજીની લારી ચાલવી રહ્યા છે. તેમના સાહસ અને હિંમતને જોઈને આપણને પણ તેમને સલામ કરવાનું મન થાય.

પાવભાજીની લારી ચલાવી રહેલા આ વ્યક્તિનું નામ છે મિતેષભાઈ, જે મુંબઈની અંદર પ્યારેલાલ નામથી પાવભાજીની લારી ચલાવે છે, રોજ સાંજે 7 વાગે તે એક જગ્યા ઉપરથી એકલા હાથે જ લારી ધકેલીને લઈને આવે છે અને પોતાના ધંધાની જગ્યા ઉપર ઉભી રાખે છે, અને પછી ત્યાં એકલા હાથે જ પાવભાજી બનાવે છે.

મિતેશભાઈના પપ્પા પ્યારેલાલ આ જગ્યા ઉપર 50 વર્ષથી પાવભાજીની લારી ચલાવતા હતા અને તેમના અવસાન બાદ મિતેશભાઈ છેલ્લા 20 વર્ષથી તેમના ધંધાને આગળ ધપાવી રહ્યા છે. કુલ મળીને આ વ્યવસાયને 70 વર્ષ જેટલો સમય થઇ ગયો હોવાનું મિતેશભાઈ જણાવે છે. સોશિયલ મીડિયામાં મિતેશભાઈના આ સાહસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે મિતેશભાઈ લારી લઈને આવે છે અને પાવભાજીની તૈયારી શરૂ કરું છે. એક હાથથી જ તે ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ કાપતા જોવા મળી રહ્યા છે, તેના બાદ તે એક હાથથી જ પાવભાજી બનાવે છે. ગ્રાહકોને પણ તે એક હાથે જ પાર્સલ કરીને આપતા પણ જોવા મળી રહ્યા છે.

મિતેશભાઈ લોકોને પણ સંદેશ આપતા જણાવે છે કે મહેનત કરશો તો બધું જ થશે, હાર ક્યારેય નહિ માનવાની. હું પણ વિચરતો હતો કે મારાથી પણ એક હાથે નહિ થાય, પરંતુ પપ્પાના ગયા બાદ થયું કે બધું જ થઇ શકે છે. મારો તો ફક્ત એક જ હાથ કપાયો છે, ઘણા લોકોના તો બે બે હાથ પણ કપાઈ જાય છે છતાં પણ તેમની પાસે ટેલેન્ટ છે. આ ઉપરાંત તે વીડિયોમાં એમ પણ કહી રહ્યા છે કે તે લગ્ન અને જન્મ દિવસની પાર્ટીઓના ઓર્ડર પણ લે છે.

Niraj Patel