ભારતના અદભુત આર્ટને એન્ટાર્ટિકાના બરફ ઉપર કોતરાયેલું જોઈને પ્રભાવિત થયા આનંદ મહિન્દ્રા, વીડિયો શેર કરીને કહી આ વાત

બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા સતત એવી ઘટનાઓ શેર કરતા રહે છે જેમાં ભારતની અને દુનિયાભરની કેટલીક અજાયબીઓ જોવા મળતી હોય છે. ઘણીવાર તે અજબ ગજબના જુગાડ પણ શેર કરતા જોવા મળે છે. ત્યારે હાલ આંનદ મહિન્દ્રાએ એક ખુબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં એન્ટાર્ટિકાના બરફ ઉપર ભારતીય આર્ટ જોવા મળી રહ્યું છે.

આનંદ મહિન્દ્રાએ એન્ટાર્ટિકામાં ઓનમની ઉજવણી કરતા લોકોના સમૂહનો વીડિયો શેર કર્યો છે. આ ક્લિપ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કરી હતી. ક્લિપની શરૂઆત બરફની નક્કર શીટ પર ઊભેલા માણસોના જૂથ સાથે થાય છે. થોડીક સેકન્ડો પછી તેઓ હેમરનો ઉપયોગ કરીને બરફ પર રંગોળી બનાવવાનું શરૂ કરે છે. ઘણા લોકો બરફ પર ધીમે ધીમે હથોડા મારવા લાગે છે અને અંતે આવી રંગોળી તૈયાર કરવામાં આવે છે, જેને જોઈને લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી.

જ્યારે આનંદ મહિન્દ્રાએ આ વીડિયો જોયો ત્યારે તે ખૂબ જ પ્રભાવિત થયા અને પછી ટ્વિટર પર આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘તમે ભારતીયોને ઓનમની ઉજવણી કરતા રોકી શકતા નથી. એન્ટાર્ટિકામાં પણ. ઉત્તમ.’ આ વીડિયોને સોશિયલ મીડિયા પર 426 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોના જવાબમાં એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘જે દિવસ આપણે ચંદ્ર પર ઓનમ ઉજવીશું તે દિવસ બહુ દૂર નથી.” અન્ય યુઝરે લખ્યું, ‘વાહ… ચોખા કોલ્લમની જગ્યાએ આઈસ કોલ્લમ.’

આનંદ મહિન્દ્રા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યા બાદ લોકોની કમેન્ટ્સનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે કોઈ વ્યક્તિને ભારતની બહાર લઈ જઈ શકો છો, પરંતુ તમે ક્યારેય ભારતને કોઈ વ્યક્તિમાંથી બહાર નહીં લઈ શકો!’ અન્ય એક વ્યક્તિએ કહ્યું, ‘વૈશ્વિક સ્તરે ભારતીયો તેમના સંબંધિત તહેવારોને યોગ્ય રીતે કેવી રીતે ઉજવવા તે જાણે છે, જે આપણને ભારતીય હોવાનો ગર્વ અનુભવે છે.’ તે જ સમયે, કેટલાક લોકો માટે, કલા ખૂબ જ અનન્ય હતી. લોકોએ આ કળાના જોરદાર વખાણ કર્યા.

Niraj Patel