અલવિદા ‘રાજા’: દુનિયાના સૌથી ઘરડા વાઘની મોત, ફૂલોની માળા પહેરાવી ભાવુક આંખે વન્ય વિભાગે આપી શ્રદ્ધાંજલિ, આવતા મહિને જ ઉજવવાનો હતો 27મોં જન્મદિવસ

છેલ્લા ઘણા સમયથી દેશના રાષ્ટ્રીય પ્રાણી એવા વાઘની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેના બાદ ‘સેવ ધ ટાઇગર’ના સ્લોગન રિલીઝ કરવામાં આવ્યા હતા અને તેને લગતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા હતા. એવામાં તાજેતરમાં જ દુનિયાના સૌધી ઘરડા ‘રાજા’ નામના વાઘની પશ્ચિમ બંગાળમાં મોત થઇ ગઈ છે, જેના બાદ વન્ય વિભાગ દ્વારા વાઘના શરીરને ફૂલોથી શણગારીને તેને અંતિમ વિદાય આપવામાં આવી છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે જે ખુબ જ ભાવુક કરી દેનારી છે.

(પ્રતીકાત્મક તસવીર)

મળેલી જાણકારીના આધારે આ સૌથી ઘરડા વાઘની ઉંમર 25 વર્ષ, 10 મહિના અને 18 દિવસની જણાવવામાં આવી છે. રાજાનો 23 ઓગસ્ટના રોજ જન્મદિવસ પણ ઉજવવામાં આવવાનો હતો, અને વન્ય વિભાગે જન્મદિવસની ખુબ ધમાધુમથી ઉજવણી કરવા માટે તૈયારીઓ પણ કરી લીધી હતી, પણ તે પહેલા જ સોમવારે સવારે 3 વાગે વાઘનું નિધન થઇ જતા વન્ય વિભાગના અધિકારીઓ દુઃખી થઇ ગયા હતા. એસકેબી રેસ્ક્યુ સેન્ટર દ્વારા અધિકારીઓએ વાઘના મોતની જાણકારી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે રાજા દેશના સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનારા વાઘમાંનો એક હતો. તેઓએ આગળ કહ્યું કે બુઢાપાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી રાજાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. રાજાની મોત બાદ એસકેબી રેસ્ક્યુ સેન્ટરમાં વન વિભાગના અધિકારીઓ સહિત અન્ય લોકોએ પણ રાજાને શ્રદ્ધાંજલિ આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ વર્ષ 2006માં રાજા પર સુંદરવનમાં નદીમાં તરતી વખતે એક મગરે હુમલો કર્યો હતો જેના બાદ તે ઘાયલ થઇ ગયો હતો.જેના પછી તેને પશ્ચિમ બંગાળ સ્થિત અલીપુરદ્વારના ટાઇગર પુનર્વાસન કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, જ્યા તેની સારવાર કરાવવામાં આવી હતી. આ ઘટના બાદ વનવિભાગે તેને ફરી જંગલમાં છોડ્યો ન હતો અને દક્ષિણ ખૈરબારી તાલોગર રિઝર્વ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. એવામાં હવે તેના નિધનથી અધિકારીઓમાં શોકનો માતમ છવાઈ ગયો છે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સુંદરવનમાં 96 વાઘ હતા પણ રાજાના નિધનથી હવે સુંદરવનમાં 95 વાઘ જ બચ્યા છે. આ સંખ્યા નવેમ્બર 2019 થી 2020ની વચ્ચે કરવામાં આવેલી વાઘની ગણતરી પર આધારિત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સુંદરવનમાં વાઘના સંરક્ષણ માટે ખાસ ધ્યાન આપી રહી છે.

Krishna Patel