કૌશલ બારડ લેખકની કલમે

દીકરાએ ઘરમાંથી કાઢી મૂકેલી ઘરડી માતાને પોલીસ જવાનોએ ‘મા’ કરી માની! વાંચો હ્રદયદ્રાવક ઘટના

દોઢેક વર્ષ પહેલાંની વાત છે. ચેન્નઈના એક પોલીસ સ્ટેશનની બહાર એક આધેડ ઉંમરની બાઈ બેઠી હતી. એનો ઉદાસ ચહેરો, આંખ પરથી વહીને ગાલ પર જામી ગયેલાં આંસુ, લઘરવઘર વાળ અને મેલો થઈ ગયેલો પહેરવેશ એ વાતની સાક્ષી પૂરતાં હતાં કે આ બાઈ તરછોડાયેલી છે. એ સૂનમૂન બેઠી હતી.

થોડીવાર થઈ અને થાણાનાં ઇન્ચાર્જ તરીકે સેવા આપનાર ઇન્સ્પેક્ટર જી.વેંકટેશન ત્યાંથી પસાર થયા. તેણે આ સ્ત્રીને જોઈ. જોતાવેંત આ સારાં હ્રદયના ઇન્સ્પેક્ટરને લાગ્યું કે બાઈ દુ:ખની મારી અહીં આવી છે. પાસે જઈને તેમણે પૂછ્યું,

“શું થયું છે માજી? ફરીયાદ લખાવવી છે? કેમ અહીઁ બેઠા છો?”

Image Source

વેંકટેશનના આ સવાલો સાંભળીને તે બાઈના ગળે ભરાયેલો ડૂમો નીકળી ગયો. ચોધાર આંસુએ બાઈ રડી પડી. માંડ-માંડ એનાં મોંમાંથી ત્રૂટક શબ્દો નીકળ્યા:

“મને…મને…મારા દીકરાએ બહુ મારી છે, સાહેબ! મને ઘરમાંથી કાઢી મૂકી…મારા દીકરાએ મને કાઢી મૂકી…”

ઇન્સ્પેક્ટરનું મગજ ચમચમી ગયું. નફ્ફટ દીકરાને સબક શીખવાડવો જ પડશે એમ ધારી તેણે એ સ્ત્રીને કહ્યું,

“માજી તમે એક કામ કરો. અબઘડી ફરીયાદ નોંધાવી દો. પછી અમે છીએ ને તમારો દીકરો છે.”

પણ એ વૃદ્ધાનું હ્રદય એમ તો કોમળ પણ હતું. દીકરો કદાચ દેહના કટકા કરીને ખાતરામાં નાખી દે તો પણ એ ભટકતી આત્મા બનીને દીકરાનાં રખોપાં કરે! માતા છે ને! એ બાઈની હિંમત ન ચાલી. પોલીસ એના દીકરાને મારે એ કલ્પના પણ એને મન ઉચિત નહોતી. એ તો ઉઠીને જવા લાગી.

“માજી, જાઓ છો ક્યાં?” ઇન્સ્પેક્ટર સાહેબે પૂછ્યું.

વાત પણ સાચી હતી! પેટે પાટા બાંધીને જેને મોટાં કર્યાં હોય એ જ ઉઠીને જાકારો દે પછી જવું પણ ક્યાં? બાઈને પણ ઘડીભર મૂંઝવણ થઈ આવી કે હું ક્યાં ચાલી નીકળી? મને કોણ આશરો દેશે?

દયાળુ ઇન્સ્પેક્ટર એ વૃદ્ધાની મૂંઝવણ પારખી ગયા. એમણે કહી પણ દીધું કે, “માજી! હવે ક્યાંય જવાની જરૂર નથી. આજથી આ પોલીસ સ્ટેશન જ તમારું ઘર છે!”

અને પછી એ વૃદ્ધા થાણામાં જ રહી ગઈ. પોલીસ ક્વાર્ટરમાં એના માટે સાહેબે જગ્યા પણ કરાવી આપી. રોજ સવારે વહેલી ઉઠીને આ બાઈ થાણામાં આવે; સાફ-સફાઈ કરે, વાસીદું કાઢે, વરંડામાં વાવેલાં ફૂલછોડને પાણી આપે. રંગોળી બનાવતા સારી આવડે એટલે અવનવી ડિઝાઇનથી થાણાને સુશોભિત રાખે.

૬૬ વર્ષની આ બાઈનું નામ અનુષ્યા. પતિનું અવસાન થયું પછી દીકરો આડો ફાટ્યો. દારૂની લતમાં તેણે અનુષ્યાને બહુ હેરાન કરી. હવે અહીઁ તે ખુશ હતી, ભીતરનું દર્દ જેમતેમ કરીને દબાવી રાખતી! સૌ કોઈ અનુષ્યાને પ્રેમથી જોવા લાગ્યું. દરેક પોલીસ કર્મીઓએ હવે તો અનુષ્યાને ‘અમ્મા’ કહેવાનું શરૂ કરી દીધું. અમ્મા આવે એટલે બધા રાજીરાજી!

Image Source

એક દિવસની વાત. ઇન્સ્પેક્ટર સહિતના સૌ પોલીસકર્મીઓ થાણામાં હતાં અને અમ્મા મીઠાઈનું નાનકડું પેકેટ લઈને આવી. એક પછી એક બધાને મીઠાઈનો ટુકડો આપવા લાગી. બધાએ પૂછ્યું કે, “અમ્મા! શું છે આજે?” અમ્મા થોડી શરમાઈને બોલી કે, “આજે મારો જન્મદિવસ છે!”

અરે હોય કાંઈ! અમ્માનો જન્મદિવસ હોય અને આપણે ઉજવીએ નહી એવું બને? લઈ આવો કેક! સરસ મજાની કેક આવી. મીણબત્તીઓ પ્રગટી. અમ્માએ બધાને કેક ખવડાવી અને બધાએ અમ્માને ખવડાવી. અમ્માની આંખમાં હર્ષનાં આંસુ હતાં. અહીં જે જવાનો હતા એ બધા એમના દીકરા જ હતા! થાણામાં ઘરડે ઘડપણ અમ્માને નવજીવન મળ્યું હતું.

માતાનું હૈયું છે ને! એની સરવાણી તો ગમે ત્યાં ફૂટે. કોઈ એક ગીતમાં બે-ત્રણ લીટીઓ સરસ છે કે :

એનાં ટાંકણે ઘાટ ઘડાય નહી,
એનાં ત્રાજવે તોલ તોલાય નહી;
દુનિયામાં બધું મૂલવાય છે પણ માનાં હૈયાને મૂલવાય નહી!

આશા છે કે, સત્યઘટનાનો આ આર્ટિકલ તમને પસંદ પડ્યો હશે. ફેસબુક કે વોટ્સએપનાં ગ્રુપમાં આર્ટિકલની લીંક પણ શેર કરી દેજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ:  GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.