નવા વર્ષની શરૂઆતમાં જ ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક માર લાગ્યો છે. સિંગતેલ, કપાસિયા તેલ તેમજ પામોલિન તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં ડબ્બે 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયા વધ્યા છે.જ્યારે પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
લાભ પાંચમ બાદ બજાર ખુલતાંની સાથે જ તેલના ભાવ વધ્યા છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં 10થી 85 રૂપિયાનો વધારો થયો છે. આજે સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
કેટલો વધ્યો તેલનો ભાવ?
કપાસીયા તેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો તો પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85નો વધારો થયો છે. કપાસીયા તેલ ડબ્બે રૂપિયા 2180થી વધીને 2230 એ પહોચ્યું છે.તો, પામોલિન તેલના ડબ્બાના ભાવ 2050થી વધીને 2155 રૂપિયા સુધી પહોંચ્યા છે. જ્યારે, સીંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થવાથી ડબ્બાનો ભવ 2655 રૂપિયા સુધી પહોંચ્યો છે.અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામાં આવે છે. ત્યાર બાદ તેમાં સતત વધારો થતો જોવા મળે છે. એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે.
મગફળીના પાક પર વરસાદે પાણી ફેરવ્યું
મગફળીનું વિક્રમી ઉત્પાદન છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે.કારણ કે, સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી ભડાકો થાય તેવી શક્યતા વધારે છે.