આ મહિલાએ એક રિક્ષાવાળાના નામે કરી અધધ કરોડની પ્રોપર્ટી, ઇમોશનલ કરી દેશે આ કહાની

દુનિયામાં એવા ઘણા લોકો છે જે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે અને ઘણી વખત આ લોકોને તેમની સેવાનું ફળ એવી રીતે મળે છે કે દુનિયા જોતી જ રહે છે. હાલના દિવસોમાં, ઓડિશામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ મહિલાએ એક ગરીબ પરિવારને પોતાના 25 વર્ષના વિશ્વાસ માટે એવું ઈનામ આપ્યું, જે દુનિયાની સામે એક ઉદાહરણ બની ગયું. ઓડિશાના કટકમાં એક 63 વર્ષીય મિનાતી પટનાયક મહિલાએ જે રીતે પોતાની અને તેના પતિની જીવનભરની કમાણી એક રિક્ષાચાલકને આપી દીધી છે, સંબંધીઓ હોવા છતાં, તેની વર્તમાન સમાજમાં કલ્પના પણ કરી શકાતી નથી.

વૃદ્ધ મહિલાએ આવું એટલા માટે કર્યું કારણ કે રિક્ષાચાલકે અને તેના પરિવારે એકલી મહિલાને જીવનની દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો છે, તેને એક ક્ષણ માટે પણ એકલતા અનુભવવા દીધી નથી. જેના કારણે મિનાતી પટનાયકે પોતાનું ત્રણ માળનું મકાન બુઘા સામલ નામના રિક્ષા ચાલકના નામે લખાવ્યું છે, જેમાં તે હજુ પણ રહે છે, આ ઉપરાંત તેની તમામ કિંમતી ચીજવસ્તુઓ પણ તેને સોંપી દીધી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રીપોર્ટ મુજબ, વિધવા પાસે કટકના સુતાહટ વિસ્તારમાં ત્રણ માળનું ઘર છે અને કેટલાક ઘરેણાં છે જે તેણે 50 વર્ષીય રિક્ષા ડ્રાઈવર બુઘા સામલને દાનમાં આપ્યા છે. આ તમામની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી થવાનો અંદાજ છે. મહિલાના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે અને રિક્ષા ચાલકની સાદગી અને ઈમાનદારીના વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં બુધા 1994થી મિનાતી પટનાયકના મકાનમાં ભાડા પર રહે છે. તે શરૂઆતથી જ મિનાતીને ‘મા’ કહીને બોલાવે છે. આ એ જ બુઘા હતો જે મિનાતીની દીકરીને પોતાની રિક્ષામાં સ્કૂલથી કૉલેજ લઈ જતો હતો.

મિનાતીના પતિ બિઝનેસ કરતા હતા અને બુઘા તેના પરિવારની દરેક જરૂરિયાતમાં ઊભો રહેતો હતો. મિનાતીએ જણાવ્યું કે આટલા લાંબા સમયમાં બુઘા તેમના પરિવારનો હિસ્સો બની ગયો છે. મિનાતી અને તેના પતિએ બુધાની પુત્રીને તેના લગ્નમાં આર્થિક મદદ કરી હતી. હવે મિનાતી માને છે કે બુઘા તેમની મિલકતના કાનૂની વારસદાર બનવા માટે શ્રેષ્ઠ છે. મિનાતીની મહાનતા અને ઉદારતાની હવે આસપાસના લોકો સિવાય સોશિયલ મીડિયા પર પણ વખાણ થઈ રહ્યા છે.

Shah Jina