અબોલા જીવ પ્રત્યેનો પ્રેમ તો જુઓ, પરિવારના પાલતુ શ્વાનનું થયું નિધન તો વાજતે ગાજતે કાઢી અંતિમ યાત્રા, નજારો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

આજના સમયમાં ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ શ્વાન રાખે છે અને તેમાં પણ લોકડાઉનના સમયમાં ઘણા બધા લોકોએ પાલતુ પ્રાણીઓને પોતાની એકલતા દૂર કરવા માટે ખરીદ્યા અને આજે તે તેમના પરિવારનો એક ભાગ બની ગયા છે. ઘણા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને એટલો બધો પ્રેમ કરતા હોય છે કે તેમને કઈ થાય તો પણ તેમના સંતાનને જેટલી તકલીફ થાય એટલી તકલીફ થતી હોય છે. એમાં પણ જો તેમના પાલતુ પ્રાણીનું નિધન થાય તો તેમના માથે પણ દુઃખોનો પહાડ તૂટી પડતો હોય છે.

આવો જ એક કિસ્સો ઓડિશાના પરાલાખેમુંડીમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા એક પરિવારે પોતાના પાલતુ શ્વાનના મોત પર અંતિમ યાત્રા કાઢી ત્યારે દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મળતી માહિતી મુજબ, પરલાખેમુંડીમાં રહેતા પરિવારે 17 વર્ષ પહેલા ‘અંજલિ’ નામની ફિમેલ શ્વાન પાળી હતી. આ પરિવાર અને અંજિલ વચ્ચે એવી મિત્રતા વિકસી કે તે પરિવારની સભ્ય બની ગઈ. અંજલિ પણ દરેક નાના-નાના નિર્ણયમાં સામેલ થઈ જતી. દરેક નાની-નાની વાતમાં તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.

17 વર્ષ પછી જ્યારે અંજલિનું અવસાન થયું ત્યારે પરિવાર ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેને અંતિમ વિદાય આપવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા અને અંજલિની અનોખી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. શ્વાનના માલિક તુન્નુ ગૌડાએ તેના મૃતદેહને પોતાના હાથમાં લઈને સ્મશાનભૂમિમાં લઈ જઈને હિંદુ રીતિ-રિવાજ મુજબ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.


કોઈપણ માનવીની જેમ શ્વાનનો અંતિમ સંસ્કાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોતાની વફાદારી અને સચેતતાને કારણે અંજલિ પરિવારના સભ્યોની પ્રિય બની ગઈ હતી. પાડોશીઓ પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. લોકો કહે છે કે જે રીતે તેઓ મનુષ્યો પ્રત્યે વફાદાર છે, તો આપણે પણ તેમના પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ.

Niraj Patel