સંસ્કાર વિદ્યા સંકુલની નર્સિંગની વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિવારે કોલેજના શિક્ષકો વિશે મોટો ધડાકો કર્યો, જાણો સમગ્ર મામલો
Nursing student suicide case surat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરી લેતા હોય છે, તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ક્યારેક પરીક્ષાના ભાર નીચે દબાઈને કે પછી શિક્ષકોના ત્રાસના કારણે આપઘાત કરી લેવાની ઘટનાઓ પણ સામે આવે છે.
હાલ સુરતમાંથી એવી જ એક ચકચારી ભરેલી ઘટના સામે આવી છે, જેમાં પલસાણા તાલુકામાં આવેલા બિલેશ્વર ગામના સંસ્કાર વિદ્યા સંકુલના નર્સીંગ વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ મામલે પરિવારના આક્ષેપો બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને વિદ્યાર્થીનીને ટોર્ચર કરી રહેલા સંકુલના આચાર્ય અને એક શિક્ષિકાની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલુકાના કિકવાડ ગામની રહેવાસી સોનલ જીતેશભાઈ ચૌધરી નામની યુવતી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુવતીનું હોસ્ટેલના પાંચમા માળેથી પડી જવાના કારણે રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. સંકુલ દ્વારા તેના વાલીઓને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે તેને આંચકી આવતા તે પડી ગઈ હતી અને ત્યારબાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
આ મામલે યુવતીના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવી હતી. આ મામલે પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી અને યુવતીના પરિવારજનોની ફરિયાદ લઈને ગુન્હો દાખલ કર્યો હતો. પરિવારનો આક્ષેપ હતો કે સોનલને કોઈપણ જાતની બીમારી નહોતી. સંકુલના આચાર્ય અને શિક્ષિકા દ્વારા સોનલ પર ચોરીના ખોટા આરોપો મૂકીને તેને હેરાન કરવામાં આવતી હતી, જેના આધારે પોલીસે આચાર્ય અને શિક્ષિકાની ધરપકડ કરી છે.