...
   

કોલકાતા બાદ હવે રત્નાગિરિમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે દરિંદગી, રિક્ષાવાળાએ કર્યુ દુષ્કર્મ-ફાડ્યાં કપડાં- જાણો મામલો

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં એક નર્સિંગ વિદ્યાર્થીની સાથે યૌન ઉત્પીડનની ઘટના સામે આવી, યુવતિ બેભાન અવસ્થામાં મળી આવી હતી. હાલ તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવતિના શરીર પર ઘાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ નર્સિંગ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્સો આનો વિરોધ કરી રહી છે અને આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નર્સિંગ વિદ્યાર્થી રત્નાગિરીના ચંપક મેદાનમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે યુવતિને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. આ ઘટના બાદ રત્નાગીરીમાં વાતાવરણ તંગ બની ગયું છે. આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ સરકારી મેડિકલ કોલેજ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ સામે ધરણા પણ કર્યા હતા.

પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરીને બંને બાજુથી જયસ્તંભ અને મારુતિ મંદિર તરફ જતા વાહનવ્યવહારને અટકાવ્યો હતો. યુવતીના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને કેટલાક CCTV ફૂટેજ પણ મળ્યા છે. પીડિતાની ઉંમર 19-20 વર્ષની હોવાનું સામે આવ્યુ છે. નર્સિંગ સ્ટુડન્ટ કોલેજથી ઓટો રિક્ષામાં પરત ફરી રહી હતી.

આ દરમિયાન ડ્રાઈવરે તેને પાણી આપ્યું, જેમાં કંઈક ભેળવેલ હતું. પીડિતા પાણી પીને બેભાન થઈ ગઈ, ત્યારબાદ આરોપી તેને એકાંત જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યુ. હોશમાં આવ્યા પછી પીડિતાએ તેના પરિવારને આ ઘટના અંગે જાણ કરી, હાલમાં પોલીસે કેસ નોંધી લીધો છે અને આરોપી ડ્રાઇવરની શોધ કરવામાં આવી રહી છે.

Shah Jina