ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા અવાર નવાર સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ કે પછી માનસિક કે શારીરિક હેરાનગતિ હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાં ગત શનિવારે એક વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ મામલે પોલીસે કોલેજના શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી અને બંને આરોપીની ધરપકડ કરી છે.
ગત શનિવારે પલસાણાના બલેશ્વરમાં આવેલ સંસ્કાર વિદ્યા સંકુલમાં શ્રીમતી આર.એન ભાદરકા નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સોનલ ચૌધરીનું રહસ્યમય હાલતમાં મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતા જ સોનલના પરિવારે અને ચૌધરી સમાજે પલસાણા પોલીસ મથકે હોબાળો કર્યો હતો અને તે બાદ આખરે પોલીસે આ મામલે યોગ્ય તપાસ આદરી કોલેજના આચાર્ય આકાશ અને શિક્ષિકા હીના વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને બંનેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
વિદ્યાર્થિનીના મોત મામલે પરિવારજનો દ્વારા આચાર્ય અને શિક્ષિકા વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. સોનલ પર ચોરીનો આરોપ મૂકીને વારંવાર આરોપીઓ દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી એટલે માનસિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. ત્યારે આપઘાત માટે મજબૂર કરનાર કોલેજના આચાર્ય અને શિક્ષિકાની ધરપકડ કરી હતી.