નીરવ પટેલ લેખકની કલમે

શું તમે પણ તમારો મોટાભાગનો સમય ઓનલાઈન જ વિતાવતા હોય તો વાંચો આ આર્ટિકલ. ઘણી સમસ્યાનું સમાધાન મળી જશે.

લિસા અને રાકેશ કોઈ સોશિયલ સાઇટ ઉપર મળ્યા. બંને મિત્રતાથી જોડાયા. ધીમે ધીમેં સંબંધો ગાઢ બનતા ગયા અને એમની વચ્ચે પ્રેમ થઇ ગયો. બંને અલગ અલગ દેશના હોવાથી મળવું શક્ય નહોતુ, પણ ધીમે ધીમે પ્રેમ વધતો ગયો અને બંને એ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. અમેરિકાની લિસા અમદાવાદની કોઈ પોળમાં રહેતા રાકેશ સાથે લગ્ન કરવા ભારત આવી.

આ પ્રકારના ઘણાં ખરા કિસ્સાઓ હવે રોજ બરોજના અખબાર માટે સામાન્ય થઈ ગયા છે.હવે આવી વાતો સાંભળી આશ્ચર્ય નથી થતું.એક સમયે સ્વપ્ન જેવી લાગતી વાત આજે હકીકત બની ગઈ છે. ટેકનોલોજીએ માણસને પાંખો આપી દીધી છે. પોતાના ઘરમાં બેઠા બેઠા એ દુનિયાની સફર માણી શકે છે. માઈલો દૂર રહેલા પોતાના સ્નેહી સ્વજન કે પોતાના પ્રિયતમ સુધી પહોંચવા હવે માણસને ઘણો લાંબો પ્રવાસ કે મોટી રકમ ટિકિટ પાછળ નથી ખર્ચવી પડતી. પોતાના મોબાઈલમાં રહેલા એક વિડિઓ કોલિંગના બટન દ્વારા સામે છેડે થતી પ્રવૃત્તિ, એના હાવ ભાવ, એના દુઃખ સુખ વિશે કોઈપણ ખૂણે બેસી જાણી શકાય છે. કોઈ અંગતના લગ્નપ્રસંગમાં કે કોઈ અંગત પ્રસંગમાં ના આવી શકવાનો હવે હર્ષશોક પણ રહેતો નથી. બધું જ પોતાના મોબાઈલ કે લેપટોપ દ્વારા જાણી શકાય છે, જોઈ શકાય છે.

હવે જમાનો ઓનલાઈન થવા લાગ્યો છે એવું કહેવામાં આવે તો નવાઈ નથી. મીઠાથી લઈને લક્ઝુરિયસ કાર સુધી તમામ વસ્તુઓ ઓનલાઈન મળતી થઈ ગઈ છે. વધુમાં કહીએ તો માણસ પણ અત્યારે ઓનલાઈન જ મળે છે. ઓનલાઈન મિત્રો બનાવે છે, ઓનલાઈન ગાઢ સંબંધો બાંધે છે, ઓનલાઈન પ્રેમ પણ થઈ જાય છે અને ઓનલાઈન મળેલી કોઈ વ્યક્તિ સાથે એ લગ્ન કરી પોતાનું જીવન પણ વિતાવવા લાગે છે. પણ મોટાભાગે જોવા જઈએ તો આ પ્રકારના કિસ્સાઓમાં સફળતા મળવાના ચાન્સ ખૂબ જ ઓછા રહેલા હોય છે. તેમ છતાં ઓનલાઈન સમય વિતાવવો સૌને ગમે છે, પોતાની લાગણી અભિવ્યક્ત કરવા માટેનું આ એક ઉત્તમ સ્થળ બની રહે છે. જ્યાં કોઈ પરિચિત નથી, અને તેની સામે પોતાની લાગણી ઠાલાવવાથી નુકશાન પણ થતું નથી. ઘણીવાર આવા સંબંધો બંધાતા વાર પણ નથી લાગતી. કોઈ વ્યક્તિની પ્રોફાઈલ જોઈ રિકવેસ્ટ મોકલી, થોડી હળવી લાગણીશીલ વાતો કરીએ અને સંબંધ જોડાઈ જતો હોય છે તો આ સંબંધો તુટતાં પણ બહુ ઓછી વાર લાગે છે. એક બ્લોકના ઓપશન દ્વારા જ સંબંધ પુરા થઈ જતાં હોય છે.
પણ આ બધા સાથે જોવા જઈએ તો ઓનલાઈન સંબંધોમાં વિશ્વાસનું સ્તર ખૂબ જ નીચે આવી ગયું છે. જે ઓનલાઈન દેખાય છે તે જ સૌ જુએ છે, અને આ એવી જગ્યા છે જ્યાં કોઈ પોતાનું ખરાબ બતાવી શકે નહીં. દરેક વ્યક્તિ પ્રોફાઈલ પીચ્ચરથી લઈને પોતાના સ્વભાવ વિશે પણ સારું જ બતાવતો હોય છે. બધા આગળ મોટી મોટી વાતો જ કરતો હોય છે, રોજ સવારે ઉઠી અને સુવિચાર વહેંચતો હોય છે ભલે એના દ્વારા મોકલેલો વિચાર એના જીવનમાં એને અનુસર્યો નહીં હોય પણ બીજા વ્યક્તિની આગળ તે એ સારા વિચાર દ્વારા સારી છાપ પાડવા જરૂર માંગશે. અને તેનાથી માઈલો દૂર રહેલી એ વ્યક્તિ જેને એ વ્યક્તિના ઓનલાઈન વ્યક્તિત્વની જ ખબર છે તે તેના સ્વભાવ , તેના વર્તન, તેની રહેણી કરણી વિશે ખોટી રીતે જ પ્રભાવિત થતી હોય છે.પણ જ્યારે હકીકત જાણવા મળે ત્યારે કદાચ મોડું પણ થઈ ગયું હોય છે. સંબંધ એ હદ સુધી આગળ વધી ગયો હોય છે કે પોતે મોકલેલ સેલ્ફી, વિડીઓ દ્વારા એ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવો પણ શક્ય બનતો નથી. સંબંધ પછી મનનો નહિ ફક્ત તનનો રહી જાય છે. પછી શરૂ થાય છે તારા સમ – મારા સમ વાળી લાઈફ, રોજના ઝગડા, શંકા. અને ખૂબ જ યાતનાઓ ભોગવી આ સંબંધ માંથી છુટકારો મળે છે. કેટલીકવાર લાગણીશીલ માણસો આત્મહત્યા સુધી પણ પહોંચી જતાં જોવા મળે છે.

ઓનલાઇન આવતી દરેક વ્યક્તિ ખરાબ પણ નથી હોતી, ઘણાં કિસ્સાઓમાં જોયું હશે તો ઓનલાઈન મિત્રતા કે પ્રેમ થયા બાદના કેટલાય સંબંધો વર્ષો સુધી એકબીજા સાથે ખુશીથી રહી શકે છે . કેટલીક વ્યક્તિઓ તો ઓનલાઇન મળે છે, અને સુખી લગ્ન જીવન પણ જીવતાં હોય છે. કેટલીક વ્યક્તિઓ ઓનલાઈન જ આપણા આકર્ષણનું કેન્દ્ર બને છે. ભલે એ વ્યક્તિ સાથે પ્રેમ ના થાય, મિત્રતા ના થાય પણ એ વ્યક્તિના વિચારો, એ વ્યક્તિની વાતોથી આપણે પ્રભાવિત થતાં હોઈએ છીએ. આપણે તેને આદર્શ પણ માની લેતા હોઈએ છીએ. તો ક્યારેક ઓનલાઈન જ આપણને કોઈ વ્યક્તિ સાથે એક તરફી પ્રેમ પણ થઈ જતો હોય છે. અને એ એક તરફી પ્રેમમાં જ વર્ષો વીતવા છતાં પોતાના દિલની વાત સામેના પાત્રને જણાવી નથી શકતા.

કેટલાક પરિણીત વ્યક્તિઓ પણ સમય પસાર કરવા અને પોતાના પતિ અથવા પત્ની દ્વારા થતાં મનદુઃખ અને પોતાના દિલમાં રહેલી વાતોને બહાર લાવવા માટે ઓનલાઈન મિત્રો બનાવે છે. ઘણી વ્યક્તિઓ આ સંબંધને ઘણે આગળ સુધી લઈ જતી હોય છે. કેટલાક માટે આવા સંબંધો પાછળ જતાં મુસીબતનું કારણ પણ બનતા હોય છે.

બધી જ રીતે જોવા જઈએ તો આ એકવીસમી સદીનો માણસ મોટાભાગે ઓનલાઈન જ જીવતો હોય છે. પોતાના સુખ દુઃખ, મનની વાતો, કેટલાક પ્રશ્નો ઓનલાઈન જ વહેંચતો હોય છે. તે જાણે છે કે પોતાની તકલીફોનું સમાધાન તેને ઓનલાઈન નથી મળવાનું તે છતાં તેને ઓનલાઈન રહેવું, ઓનલાઈન સંબંધો બનાવવા ગમે છે. કોઈ એક પક્ષ તરફથી લાગણી દુભાતાં તે થોડો સમય ઓફલાઇન થઈ જાય પણ સતત ઓનલાઈન જીવનારી વ્યક્તિ બહુ લાંબો સમય ઓફલાઇન જીવી જ નથી શકતી. અત્યારે ફેક આઇડીનું પણ ચલણ વધ્યું છે. માટે દુનિયાને બતાવવા માટે પોતાનું મુખ્ય આઈડી બંધ રાખશે પણ છાના ખૂણે તે બીજી આઈડી દ્વારા બીજા લોકો શું કરે છે તેના ઉપર નજર રાખતા જ હોય છે.

મોટાભાગે સતત ઓનલાઈન રહેનાર વ્યક્તિ પોતાના પરિવારને સમય નથી આપી શકતી, કેટલીક વ્યક્તિઓમાં આળસ પણ ઘર કરી જાય છે. કેટલીક વ્યક્તિઓ નેગેટિવ વિચારોનો શિકાર પણ બની જતી હોય છે. પોતાના માતા પિતા, પતિ પત્ની અને બાળકો સાથે પણ સમય નથી વિતાવી શકતી. આજના જમાનામાં ઘરમાં જમવાનું ના બન્યું હોય તો કદાચ ચાલી જશે પણ જો નેટ બંધ હશે તો કોઈને નહિ ચાલે. આજે ૧૦૦ માંથી 98 ઘર તમને ઈન્ટરનેટ સાથે જોડાયેલા મળશે. સવારે ઉઠીને પહેલું કામ હવે મોબાઈલ હાથમાં લેવાનું થઈ ગયું છે.

ઈન્ટરનેટના ફાયદા ઘણાં છે, અને કેટલીય વ્યક્તિઓ આ ફાયદાનો સારો ઉપયોગ પણ કરતી હોય છે. પણ મોટાભાગનું યુવાધન તેના ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. ABCD શીખવાની ઉંમરમાં બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. મા – બાપને ખુદ મોબાઈલ વિના અને ઈન્ટરનેટ વિના ચાલતું નથી અને પોતાના બાળકો પાસે ઘણી મોટી અપેક્ષાઓ રાખીને બેઠા હોય છે.

અભી તો બસ શુરુઆત હૈ, આગે આગે દેખીયે હોતા હૈ ક્યાં ?

ના હું જાણું છું કે ના તમે જાણો છો કે આ બધાનું પરિણામ કેવું આવશે ? આપણું ભવિષ્ય તો આપણે અને આપણા માતા-પિતા નક્કી કરી શક્યા પણ આપણા બાળકોનું ભવિષ્ય આ ઈન્ટરનેટ જ નક્કી કરશે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે…!!!!!

લે. નીરવ પટેલ “શ્યામ” 

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.