ગુજરામાં લોકડાઉનને લઈને CM નો મોટો ખુલાસો
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં દિવસેને દિવસે વધારે ઉછાળો આવી રહ્યો છે, જે સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે. ત્યારે લોકોમાં હવે એવી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.

અમદાવાદ અને સુરત જેવા મહાનગરોની અંદર સીટી બસ સેવા, બગીચાઓ, જિમ અને ગેમિંગ ઝોન જેવી જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે લોકોમાં હવે કોરોના કરતા પણ વધારે ભયનો માહોલ ફરી પાછું લોકડાઉન લાગશે તેને લઈને થઇ રહ્યો છે.

આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સીએમ રૂપાણીએ આજે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે “કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે.”

તો લોકડાઉન અંગે વાત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, “રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. રાજ્યમાં ફરી લોકડાઉન નહીં થાય.” સીએમ રૂપાણીના નિવેદન બાદ લોકોમાં લોકડાઉન નહિ લાગે તે વાતને લઈને ટાઢક વળી હતી.