લેખકની કલમે

ફિલ્મની ચમક-દમક પાછળ પાગલ બનીને ઘર છોડીને ભાગતી એક યુવતીની દાસ્તાન….

પપ્પા હું આવું છું..!

“ટેરવા માંગે છે તમને આટલું પૂછવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા?” (મુકુલ ચોકસી)

એકવીસમી સપ્ટેમ્બરની એ રાત્રી. એ રાત્રીના અંધકાર સાથે હું પણ તેમાં ઓગળવા માંડી. અને છેક પહોંચી આપણા ગામના રેલ્વે સ્ટેશને. અત્યારે અહીં કોઈની અવર જવર તો નહોતી, છતાં કોઈ મને ઓળખી ન જાય એ માટે મેં ઓઢણી મો પર વીંટીને ઝડપથી ટીકીટ મેળવીને ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસી ગઈ. બારીમાંથી જોઉં છું તો આપણું ગામ પણ થાકીને પોઢી ગયેલું. તો ભસતા કૂતરાઓ પણ ભસીને થાકી ગયા હતા. પ્લેટફોર્મની સાથે સાથે આગળના સ્ટેશનેથી આવેલાં પેસેંજરો પણ ઘસઘસાટ નિંદ્રામાં હતા.

આ સમયે જાગતા હતા મારા સ્વપ્નાઓ, અને હું. મારા સ્વપ્નોને નિંદની ગોળીઓ ઘણી વખત આપી. પરંતુ આ ખુલ્લી આંખોનું સ્વપ્ન મટકુંય મારતું નથી. અને મને સતાવ્યા કરે છે. મારી હિરોઈન થવાની તીવ્ર જંખનાઓ મને રોજ સતાવ્યા કરતી. રોજ અંદર થી અવાજ આવતો કે તારા પપ્પા-મમ્મી ભલે ના કહે માયા નગરી મુંબઈ જવાની. પણ તું નીકળી પડ. શા માટે તારા સ્વપ્નોને સાંકળથી બાંધીને રાખે છે? તોડી દે આ બંધનો..! તોડી નાખ સમાજ, પરિવારના રસમોને…! અને મુક્ત પંખી બનીને તારા જ સ્વપ્નાઓના આસમાનમાં ઉડાન ભર.. ઉડાન ભરી લે પપ્પાની પરી.. ભાગી જા સોનું… ભાગી જા સોનાક્ષી.. અને આજે મેં એ પગલું કોઈને પણ પૂછ્યા વગર મુંબઈ આવવા માટે ભરી લીધું.

હું જયારે અરીસાની સામે ઉભી રહીને તૈયાર થાઉં ત્યારે ફિલ્મની હિરોઈન બનવાની મારા પર તીવ્ર જંખનાઓ સવાર થવા માંડતી. કોઈપણ ફિલ્મી ધૂન પર મારા અંગો થીરકવા માંડતા. ફિલ્મોની ચમક-દમક મને આકર્ષવા રોજ આવતી. હિરોઈનને મળતું સ્ટારડમ મારામાં સળવળ્યા કરતુ. મને કૉલેજમાં લેક્ચર સમયે પણ કાનમાં સરની વાતને બદલે ફિલ્મના ગીતો ગુંજવા લાગતા.મારી બધી સહેલીઓ પણ મને રોજ કહેતી કે: “પાંચ વર્ષમાં અમે તને હિન્દી ફિલ્મમાં હિરોઈન તરીકે જોવા ઇરછીએ છીએ. તારી દરેક અદાઓ હિરોઈન જેવી છે. યાદ છે ગયા વર્ષનો એન્યુઅલ ડે વખતે તે કરેલો ડાન્સ? આપણી આખી કૉલેજ તારા ડાન્સ પર હિલોળે ચડેલું..! પ્રો.દવેસર પણ સાનભાન ભૂલીને નાચવા માંડ્યા હતા. અત્યારે તું કૉલેજ કરીને તારો સમય અને જુવાની બધું બગાડે છે, માટે નીકળી પડ મુંબઈની વાટે. અને સાકાર કરી લે તારા મનપસંદ તમામ તારા સ્વપ્નાઓ. તારી અભીલાષાઓની ઉડાન ભર.” સહેલીઓને આ વાતો મને તડફડાવતી. માયા નગરીની વાતો લલચાવતી. બહેકાવતી હિરોઈનની પેજ થ્રીની ગોસિપ. અને મેં મારા સ્વપ્નની નગરી મુંબઈ તરફ દોટ મૂકી.
આજે આખી રાત જાગી. આ ડબ્બામાં કોઈ નહોતું. આથી અહી મારા એકાંતની બારીમાં બીક પણ ડોકિયું કરતી હતી. હજુ ટ્રેનમાં જ બેઠી છું. મુંબઈ આવવાને વાર છે. જેમ જેમ આપણા ગામથી દૂર જાઉં છું, તેમ તેમ મને મારું ગામ ખેચ્યા કરે છે, મારું ગામ સાદ કરતુ લાગે છે. પપ્પા તમારી હુંફ, અને અભેદ કવચના કવરેજ બહાર નીકળી ગઈ છું. પપ્પા તમારી આ પરીને કલ્પનાઓની પાંખો આવી ગઈ છે. એટલે આજે રાત્રે..

બાવીસમી સપ્ટેમ્બર. મારો વીસમો જન્મ દિવસ. આજે સવારે મમ્મી-પપ્પા સાથે મળીને મને જગાડવા માટે આવશો. તમારી આ પરી ને. આજે મારા માટે તમે કોઈ સરપ્રાઈજ પ્લાન બનાવ્યો હશે. મારા માટે મમ્મી એ કેક તો છેલ્લા દસ દિવસથી પડોશના લત્તાઆંટી પાસેથી શીખતા હતા. મારી બધી બહેનપણીઓને ચૂપકે ચૂપકે જન્મ દિવસમાં આવવાનું આમંત્રણ આપીને રાખ્યું હશે. પપ્પા એ પાંચ દિવસ અગાઉ ઓફીસમાંથી રજા મંજુર કરાવી હશે. મમ્મી અને પપ્પાના હૈયામાં આજે ધામધૂમ હશે. થોડી બંનેની ઉમર થઇ છે, છતાં આ દિવસોમાં થાકતા જ નથી. મોડી રાત સુધી બેસીને મારા માટે શું શું નવીન કરી શકાય એ વિચારતા હશો. પરંતુ આજે તમને મારા રૂમમાં હું નહી મળું. મારો વીસમો જન્મ દિવસ પપ્પા તમને વસમો લાગશે. પરંતુ મારા સ્વપ્નોને સજાવવા માટે મેં આ પગલું ભર્યું છે.

“બાપની સામે સંતાન જીતે, ત્યારે બંને હસે છે.
પણ સંતાનની સામે બાપ જીતે ત્યારે બંને રડે છે…!” (શેક્સપિઅર)

હજુ સવાર થવાને થોડી વાર છે. સૂરજના કિરણો સવારની ઠંડીમાં મોહક લાગે છે. ત્યાં બોમ્બે સેન્ટ્રલ આવી ગયું. હું અહી મારા સામાન સાથે સ્વપ્નાઓને પણ સંકોરીને ઉતરી. ઘરેથી નીકળી ત્યારે સામાનનો ભાર લાગતો, અને મારા સ્વપ્નાઓ હળવાફૂલ જેવા લગતા. અને અહી સામાન હળવો લાગ્યો, હિરોઈન બનવાના સ્વપ્નાઓ ભારેખમ જેવા લાગવા માંડ્યા. અહી કોને મળું? કોને વાત કરું? ક્યા જવાનું? હિરોઈન બની જવાનું સ્વપ્ન અલગ છે, અહીની વાસ્તવિકતા અલગ છે. આવા વિચારો કરતી હતી ત્યાં સામાન લઈને ભાગતો એક કુલી અથડાયો. “મેડમ જરા બાજુ પર હટો” અને મારા આકાશમાં ઉડતા સ્વપ્નોને ઢેસ વાગી. તમ્મર ચડી ગઈ મારા સ્વપ્નોને. મને ભુખ પણ લાગી હતી. એટલે એક જગ્યાએ બેસીને ચાનો ઓર્ડર આપ્યો. એક વૃદ્ધ કાકા મને ચા આપીને બોલ્યા “ચાય કી પ્યાલી સીધી રખ્ખો બેટા.”

મને તે ભલા લાગ્યા. મેં તેમને પૂછ્યું કે “અંકલ હું આજે ઘરેથી ભાગીને આવી છું. મારે ફિલ્મમાં હિરોઈન બનવું છે. મને કોઈ રસ્તો બતાવશો? અહીં મારે શું કરવું? કોને મળવું? મને કોઈ ફિલ્મમાં લેશે કે નહી?” મેં આંસુઓનો ચેકડેમ બાંધીને રડમસ ચહેરે સવાલો પૂછી લીધાં.

ઉતાવળમાં હોવા છતાં કાકાના પગ થંભી ગયા. અંકલના કપાળ પર કરચલીઓ અંકિત થવા લાગી. આ કરચલીઓ એમના જિંદગાનીના અનુભવની ચાડી ખાતી હતી. મારી બાજુમાં બેસીને મારા પર પ્રેમાળ હાથ ફેરવીને બોલ્યા “હું પણ ગુજરાતી છું. વીસ વર્ષ પહેલાં મારી દીકરી આ રીતે જ ઘરેથી ભાગીને અહીં આવેલી. હિરોઈન બનવા માટે. એ પણ તારી જેવી રૂપકડી લાગતી હતી. પરી જેવી જ. એના ભાગી જવાના કારણે હું અને એની માં ગામમાં પાગલ જેવા બહાવરાં બની ગયા હતા. વારંવાર રેલ્વે સ્ટેશને જઈને બધાને પૂછ્યાં કરતા.. મારી દીકરીને કોઈએ ટ્રેનમાંથી ઉતરતા જોઈ છે. કોઈ તો કહો..! મારી દીકરી ક્યારે આવશે? હેં ભગવાન..! આટલું બધું ચૂપ રહેવું સારું નહી. તમે તો કંઈક બોલો…! કેટલાક વર્ષો પછી અમારું પાગલપન ઓછું થયું એટલે કોઈએ કહ્યું કે તમારી દીકરી મુંબઈ હશે. વારંવાર હીરોઈન બનવાની વાતો કરતી હતી. ત્યારથી અમે બંને અહી આવી ગયા. હું પંદર વર્ષથી ચા આપું છું. અને મારી લાડલીની રાહ દેખું છું. અને એની માં વાસણો માંજે છે. ક્યારે આવે અમારી પરી? ક્યારેક તો આવશેને? તું મને અહીં એકલી હોય એવું લાગ્યું. મારી દીકરી અદ્દલ આવી જ હતી. સરસ મજાનું મુખડું. ગુલાબની પાંખડી જેવી માસુમ. અને હસમુખી ચહેરો. મારું માનો તો આ જ ટ્રેનમાં ઘરે પાછા જતા રહો. વિચારો તમારા માતા-પિતાની હાલત અત્યારે કેવી થતી હશે? કયાંક તમારા માતા પિતાની હાલત અમારી જેવી તો..!”

મેં ઘડિયાળમાં જોયું. સવારના સાત થવા આવ્યા હતા. ઘરે બેબાકળા બનીને મારી શોધખોળ શરૂ થઇ હશે. મેં કાકા પાસેથી ફોન માંગ્યો.

“હે….લો.. પપ્પા..! સોનું બોલું છું. પપ્પા હું આવું છું.”

ચાયવાળા અંકલ મારા આંસુઓના તૂટેલા ચેકડેમને નીરખીને મારા માથા પર પ્રેમાળ હાથ ફેરવે છે.

લેખન : નરેન્દ્ર જોષી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.