ખબર

કોરોનાનો રાફડો ફાટતા નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો ફટાફટ

રાજ્યમાં એકબાજુ કોરોનાએ ફરીથી આતંક મચાવ્યો છે. જેને કારણે જનતા સાથે સાથે સરકાર પણ સતત ચિંતામાં છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યૂ યથાવત રહેશે.

કોરોના કેસ વધતા આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત પ્રયાસ કરાઇ રહ્યા છે. રાજકીય કે સામાન્ય વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત છે. સરકારી કચેરીમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તમામ સરકારી કર્મીને માસ્ક ફરજીયાત પહેરવાની સૂચના છે. કામ સિવાય સચિવાલયમાં લોકો ન પ્રવેશે તેવી વિનંતી.મહત્વનું છે કે, ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, જે કરફ્યૂની મુદત પૂર્ણ થતી હતી તેને આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે. ચાર મહાનગરોમાં કરફ્યૂ યથાવત રહેશે. દિવસે ધંધા રોજગાર અને વેપાર ચાલુ રહે તેનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ.

નાગરિકો એક જગ્યાએ ભેગાં ન થાય તે માટે દરેક મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો પોતપોતાની રીતે જે યોગ્ય લાગે એ પ્રમાણે રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવી શહેર પૂરતું સ્થાનિક નિર્ણયો કરી રહ્યા છે. આમ બધી રીતે આપણે કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ જે રીતે આનો વ્યાપ વધી રહ્યો છે એ જોતાં હું બધા જ નાગરિકોને વિનંતી કરૂ છું કે બધા નિયમોનું પાલન કરે.

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,220 કેસ નોંધાયા છે અને 1,988 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,88,565 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 10 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4510 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.