ખજુરભાઈને જોઈને છલકાઈ ઉઠ્યા વિધવા મહિલાના આંસુઓ, કહ્યું, “મારો ભાઈ આવી ગયો !!”, બેનનો સંઘર્ષ જાણીને તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જશે

લોકડાઉનમાં અભિનેતા સોનુ સુદ ગરીબ લોકો માટે ભગવાન બનીને સામે આવ્યા, તો ગુજરાતની અંદર તૌકતે વાવાઝોડા બાદ ખજુરભાઈ એટલે કે નીતિન જાની પણ ગુજરાતના લોકો માટે મસીહા બનીને આવ્યા અને આજે પણ તેમના સેવાકીય કાર્યો ચાલુ જ છે અને તે ઘણા લોકોની મદદે જતા હોય છે. જેના વીડિયો પણ તેઓ પોતાના વ્લોગમાં પોસ્ટ કરતા રહે છે.

હાલ તેમને એક એવા બહેનની મદદ કરી છે જે પોતાના પતિના નિધન બાદ ખુબ જ સંઘર્ષ કરી રહ્યા હતા. ખજુરભાઈ તેમના ઘરે ગયા અને તેમને મળ્યા. જયારે ખજુરભાઈ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોઈને વિધવા મહિલાના આંસુઓ પણ રોકાઈ રહ્યા નહોતા અને તેઓ નીતિન જાનીને ભેટી અને ડૂસકે ડૂસકે રડવા લાગ્યા અને બોલ્યા “મારો ભાઈ આવી ગયો ! ભોળાનાથે મારી પ્રાર્થના સાંભળી લીધી.”

નીતિન જાની આ મહિલા સાથે વાત કરે છે અને તેમને પૂછે છે કે તેમના ઘરમાં કોણ કોણ છે ? ત્યારે તે મહિલા જવાબ આપે છે કે તેમના ઘરમાં બે દીકરા અને એક દીકરી છે. હું એક જ કમાનાર છું, સદીઓ ભરું છું અને સિલાઇનું પણ કામ કરું છું. જેના દ્વારા 50-100 રૂપિયા કમાઈ શકું છું.

આ વિધવા મહિલા પોતાનું દુઃખ જણાવતા કહે છે કે મારા પતિ 8 વર્ષ પહેલા ગુજરી ગયા, તે ખુબ જ બીમાર હતા, તેમને ટીબી હતો. બે વર્ષ સુધી ખાટલામાં રહ્યા, બહુ સેવા કરી પરંતુ કોઈ રિકવરી આવી જ નહીં તેમના શરીરમાં. ત્યારબાદ રડતા રડતા તે કહે છે કે “ભગવાન મારા જેવું દુઃખ કોઈને ના આપે.”

આગળ મહિલા જણાવી રહ્યા છે કે “મેં મારા છોકરાઓને મોટા તો કરી દીધા પરંતુ હવે તેમને ભણાવવા માટે મારી પાસે કઈ નથી. હું તેમને ભણાવી નથી શકતી, ના ક્યાંય પહોંચી શકું છું.” આ  ઉપરાંત તે મહિલા એમ પણ જણાવી રહ્યા છે કે હું કોઈપણ કામ કરું બધા મારી ખોટી ખોટી વાત કરે છે, હું એમને એમ જ કહેવા માંગુ છું કે હું વિધવા છું, ભલે અમારી મદદ ના કરો પરંતુ ખોટી ખોટી વાતો તો ના ફેલાવો. મારા સગા છે એમને જ મારા ઘરવાળાને મારા સગાએ જ દારૂ પીવડાવી પીવડાવીને મારી નાખ્યા.”

રડતા રડતા એ મહિલા એમ પણ જણાવી રહ્યા છે કે “મારા ઘરવાળા જયારે બીમાર હતા ત્યારે હું કામ ઉપર ગઈ હોય ત્યારે મારા સગાવ્હાલા ખાવાનું ના આપે પરંતુ દારૂની કોથળી આપવા આવતા હતા. મને મારા સગા વહાલાઓએ જ બહુ હેરાન કરી છે.” રડતા રડતા બહેને ભાઈ નીતિન જાની સામે પોતાનું દુઃખ ઠાલવ્યું હતું.

વીડિયોની અંદર મહિલા એમ પણ કહી રહ્યા છે કે છોકરાઓને તેમને અનાથ આશ્રમમાં મૂકી દીધા હતા, કારણ કે ત્યાંથી તેમને દર મહિને બે બે હજાર રૂપિયા આવતા હતા અને વિધવા સહાયના 1250 રૂપિયા આવતા હતા, તેમજ એક રૂમ ભાડે આપી દીધો હતો, જેનાથી હું મારુ ગુજરાન ચલાવી શકું. પરંતુ ત્યારે હું ઘરમાં સાવ એકલી પડી ગઈ. મને ત્યારે એમ થતું કે હું મરી જાઉં.પરંતુ એમ પણ થતું કે હું મરી જાઈશ તો મારા છોકરાઓને કોણ સાચવશે ? એટલા માટે જ હું જીવું છું.”

આ બેનનું નામ હંસાબેન વાઢેર છે અને તેઓ કેશોદમાં રહે છે, નીતિન જાનીએ આ મહિલાની મદદ કરવાની પણ ખાતરી આપી સાથે સાથે તેમને લોકોને પણ અપીલ કરી કે તમારી આસપાસમાં પણ કોઈ આવું હોય તો તેમને મદદ કરો. નીતિન જાનીએ આ વિધવા મહિલાની દીકરી સાથે પણ વાત કરી હતી.

Niraj Patel