આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો આમિર ખાન, દીકરીના રડી રડીને હાલ બેહાલ
Nitin Desai Last Rites : બોલીવુડના ખ્યાતનામ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ 2 ઓગસ્ટના રોજ પોતાના જ સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. તેમના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તેમના પરિવારજનો પણ તૂટી પડ્યા હતા. નીતિન એક જાણીતા આર્ટ ડિરેક્ટર હતા. તેમની કારકિર્દીમાં, તેમણે જોધા અકબર, હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ અને પ્રેમ રતન ધન પાયો જેવી સુપરહિટ અને ભવ્ય ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા.
ગતરોજ થયા અંતિમ સંસ્કાર :
58 વર્ષીય નીતિન દેસાઈની છેલ્લી ઈચ્છા હતી કે તેમના કાર્યસ્થળ એનડી સ્ટુડિયોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. જેના બાદ ગત 4 ઓગસ્ટના રોજ એનડી સ્ટુડિયોમાં નીતિનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પરિવારની સાથે તમામ બોલિવૂડ સેલેબ્સ પણ શોકમાં ડૂબેલા જોવા મળ્યા હતા. અભિનેતા આમિર ખાન નીતિન દેસાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા એનડી સ્ટુડિયો પહોંચ્યા હતા. આ દરમિયાન આમિરે નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
પરિવારના રડી રડીને હાલ બેહાલ :
નીતિન પોતાની પાછળ પત્ની નૈના અને પુત્રી માનસીને છોડી ગયા છે. આ સાથે તેમને એક પુત્ર પણ છે જેનું નામ સિદ્ધાર્થ છે. નીતિનના અંતિમ દર્શને સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આમિર ખાન નીતિનની પત્ની અને પુત્રીને મળ્યો હતો. અભિનેતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે આમિર ખાને પણ નીતિન દેસાઈના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ કરી રહી છે તપાસ :
અભિનેતા મનોજ જોષી પણ નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતા ઉદાસ દેખાતા હતા. નીતિન દેસાઈ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતા અને તેમની ઓળખ પણ જાણીતી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ નીતિન દેસાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નીતિનનું મોત થયું ત્યારથી પોલીસ સતત તપાસમાં લાગેલી છે. નીતિનનો જે ઓડિયો સામે આવ્યો છે તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને આ આત્મહત્યાનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
View this post on Instagram