મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ નિતીકાની માનતા” – એક લવ સ્ટોરી” – અત્યાર સુધી તમે લવ સ્ટોરી તો ઘણી વાંચી હશે, પરંતુ આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ એવી લવ સ્ટોરી કે વાંચતાં વાંચતાં જ તમારી આંખ ભીંજાય જશે !!

“ કાલે મારે ચાલીને લાલ ટેકરીએ કંદર્પની માનતા પૂરી કરવા જવાનું છે.. હું સવારે સાડા પાંચે તારા ઘરે આવીશ.. તૈયાર રહેજે…. શુભ રાત્રી સ્વીટ ડ્રીમ્સ!! ટેઈક કેર!!” નેહલના મોબાઈલ પર નિતીકાનો મેસેજ આવ્યો!! અને નેહલ ગમ ખાઈ ગઈ!! ખરી છે આ છોકરી!! મગજ જ નથી કે આને શું?? અથવા છટકી ગયું લાગે છે!!
એણે તરત જ રીપ્લાય કર્યો કે “એપ્રિલ ફૂલ કાલે જતી રહી છે!! આજે ત્રણ તારીખ થઇ ગઈ છે!! ડાર્લિંગ નીતુ આવી મજાક મારી સાથે નહિ કરવાની” દસ મિનીટ થઈ પણ વોટ્સએપમાં મેસેજ વંચાયો નહોતો!! તરત જ નેહલે કોલ કર્યો!! પણ મોબાઈલ સ્વિચડ ઓફ આવતો હતો. નેહલે ઘણી વાર પ્રયત્ન કર્યો. પણ નિતીકાનો કોઈ સંપર્ક જ ના થઇ શક્યો!! નેહલને લાગ્યું કે આ મોબાઈલમાં ફક્ત ઓનનું ઓપ્શન જ આવતું હોત તો કેવું સારું હોત!! બસ પછી એ નિતીકાના વિચારે ચડી ગઈ. પોતાની પ્રાણથીય પ્યારી સખી નિતીકા સાથે બે દિવસમાં એવી ઘટના બની ગઈ કે નેહલની આંખોમાં આંસુ આવી ગયાં!! પણ નિતીકાના ચહેરા પર ખાસ ફેર નહોતો પડ્યો. ગજબની કઠણ નીકળી આ છોકરી!!

image source : googleusercontent.com

પોતાની બેડ પર આડી પડીને નેહલને આખી ફિલ્મ દેખાઈ રહી હતી!!
નિતીકાના પાપાને સિમેન્ટ પ્રોડકટસ અને ટાઈલ્સની એક મોટી એજન્સી હતી અને ખુબ જ પૈસાદાર હતા. કંદર્પના પાપા ને એક નાનકડી એવી દુકાન હતી. નિતીકાના પાપા રવજીભાઈ અને કંદર્પના પાપા મનહરભાઈ ખાસ ભાઈ બંધ હતા. બને ના ઘર પણ પાસે પાસે હતા કંદર્પ અને નિતીકા બાળપણમાં સાથે સાથે રમેલા અને સાથો સાથ મોટા થયેલા!! નાનપણમાં કંદર્પ બહુ જ તોફાની હતો. ઘરમાં એનાથી કશી તોડફોડ થાય તો એ નાસીને બાજુમાં આવેલ નિતીકાના ઘરમાં જતો રહે!! કંદર્પની માતા આશાબેન સાવરણી લઈને એની પાછળ પડે અને કંદર્પ નિતીકા ની પાછળ સંતાઈ જાય. નિતીકાની માતા સાવિત્રીબેન આ જોઇને ખુબ જ ખુશ થાય! અને આશાબેનને સમજાવે કે

“ છોકરું છે તો તોફાન કરે!! એમાં કાઈ સાવરણી લઈને પાછળ ના દોડાય”

image source : googleusercontent.com

“તમે જ ચડાવ્યો છે એને !! તમે એક દિવસ રાખો તો ખબર પડે કે આ ભાઈ કેટલા વડવાંગળા છે??? ચાલોને અદલ બદલી કરીએ!! હું નીતીકાને લઇ જાઉં અને તમે આ વનાનીના જાળાને રાખો” આશાબેન સોફા પર બેસીને પોતાનો પ્રેમમય ગુસ્સો બતાવે અને પછી બેય બહેનપણીઓ સોફા પર બેસીને ચા પીવે!! નિતીકા અને કંદર્પ ફળિયામાં રમતા હોય!!
નેહલ આ બને ને ધોરણ આઠથી ઓળખતી થઇ હતી. આઠમાં ધોરણમાં આ ત્રણેય ક્લાસ આઠ એ માં એકજ પાટલી પર બેસતા!! નેહલ નિતીકાની કંદર્પ પ્રત્યેની લાગણીઓ ઓળખી ગઈ હતી!! એ કયારેક મજાકમાં પણ કહેતી!! જયારે બને બહેનપણીઓ રીશેષમાં એકલી એક બેંચ પર બેઠી હોય!!
“ આજે તે જોયું કંદર્પ જે મોજા પહેરીને આવ્યો એના પર N K લખેલું છે!! N K એટલે નિતીકા અને કંદર્પ જ ને!!” નીતિકાનો ચહેરો એકદમ લાલ થઇ જતો!! આમેય ભરાવદાર ચહેરા જયારે લાલ કે ગુલાબી થાય ત્યારે ખુબ જ ખીલી ઉઠતા હોય છે!! નિતીકા હતી એકદમ ગોળ મટોળ!! કેરીની સીઝન આવે ને ત્યારે તાલાળા બાજુથી એક નાનકડો ટેમ્પો કેસર કેરીની નિતીકા ના ઘરમાં ઠલવાઈ જતો. વાર્ષિક પરિક્ષાઓ વખતે નીતીકા લંચ બોક્સમાં કાપેલી કેરીઓ લાવતી!! અને એ પણ બે બોક્સ ભરીને!! એ એક બોક્સ કંદર્પ ને આપી દેતી!! અને એક બોક્સમાંથી એ અને નેહલ કેરીની ચીરો ખાતી.. એક વખત તો એવું બનેલું કે નીતીકા ઘરે કેરીનું એક બોક્સ ભૂલી ગયેલ!! એક જ બોક્સ બપોરે થેલીમાં થી નીકળ્યું એ બોક્સ એણે કંદર્પને આપી દીધેલું. એ રીશેષમાં એણે ફક્ત પાણી જ પીધું અને એની સાથે નેહલ પણ ભૂખી રહી!! સમય વીતતો ચાલ્યો.. પ્રેમ પણ વધતો ચાલ્યો.. ત્રણેય બારમું ધોરણ પૂરું કરવાની તૈયારીમાં જ હતા ત્યારે નેહલે એક વાર નીતિકાને કહ્યું!!

image source : googleusercontent.com

“ તને નથી લાગતું કે કંદર્પ બબુચક છે!! આટલા વરસથી તારી સાથે છે.. એ કોડા એ એકેય વખત પ્રેમનો એકરાર પણ ના કર્યો.. એક નંબરનો પુસ્તકિયો કીડો લાગે છે!! જયારે જુઓ ત્યારે એસાઈનમેન્ટ અને બુક્સ લઈને બેઠો જ હોય છે!! લાગે છે ગયા અવતારમાં પુસ્તકની અબળખા પૂરી નહીં થઇ હોય એટલે આ ભવમાં સાટું વાળી રહ્યો છે!! હવે એક કામ કર તું જ એને પ્રપોઝ કરી દે કે આઈ લવ યુ!! એટલે એક કામ પતે” આ સંભાળીને નિતીકા બોલી.
“ એ આપણી સાથે જ કોલેજ કરવાનો છે.. અને એ મને જ ચાહે છે.. તે કદી એને કોઈ બીજી છોકરી સાથે વાતચીત કરતા જોયો??? નહીને?? તને NK પર તો ભરોસો જ હોવો જોઇને ને??!! વી આર મેઈડ ફોર ઈચ અધર!!”

“ વાત તો સાચી પણ કોલેજનું કાઈ નક્કી નહિ!! કોલેજની હવામાં ઈશ્કના જીવાણુઓ હોય છે. કોણ જાણે કયારે કોને વળગી જાય!! અને ઈશ્કેરીયા થઇ જાય.. મલેરિયા સારો પણ આ ઈશ્કેરીયા નહિ સારો!! “ નેહલ નિતીકાને સમજાવતી પણ એની જ ભાષામાં નિતીકા નેહલને જવાબ આપતી.
“ જેને ટાઈફોઈડ થઇ ગયો હોય એને મેલેરિયા ના થાય.. હું અને કંદર્પ પ્રેમમાં છીએ.. એટલે હવે અમને કશું ન થાય.. તું તારું ધ્યાન રાખજે.. તું કયાંક અમારું અનુકરણ ના કરતી..”

image source : googleusercontent.com

“ મને તો આ બધું ના ફાવે.. જયારે લગ્ન થશે પછી જ હું મારા પતિને પ્રેમ કરીશ!! એ એક સિકયુર પ્રેમ કહેવાય.. બાકી લગ્ન પહેલા પ્રેમ કરવો એ જોખમનો ધંધો છે!! મેં તો અત્યારથી મારા માતા પિતાને કહી દીધું.. તમે મારી માટે મુરતિયો પસંદ કરી લેજો.. અને પછી બધી જવાબદારી પણ તમારી!! મને કોઈ જ વાંધો નથી.. જવાબદારી તો હું લેવા માંગતી નથી. હું તો બસ ખાઈ પીને જલસા કરવા જ જન્મી છું. મારા મમ્મી પાપા પણ સહમત અને રાજીના રેડ થઇ ગયા છે.. આવા દિવસોમાં એને આવી આજ્ઞાકિંત દીકરી ક્યાંથી મળે!!??
આમને આમ કોલેજ પણ પૂરી થઇ. કંદર્પને યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ પણ મળ્યો. કંદર્પ આગળ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરવા માટે વલ્લભ વિદ્યાનગર જતો રહ્યો. નિતીકા અને નેહલે કોલેજ પૂર્ણ કર્યા પછી આગળ ભણવાનું માંડી વાળ્યું. બને બહેનપણીઓના મકાન એકબીજાથી ઘણા દૂર હતા તેમ છતાં દિવસમાં બને એક વખત મળતા જ!! નેહલ હવે નિતીકાને ગંભીર થઈને કહેતી.

“નિતીકા મને હવે લાગે છે કે કંદર્પ સાથે તારે તારી બાજુથી ચોખવટ કરી લેવાની જરૂર છે.!! હવે બહુ મોડું ન કરતી!!”

image source : googleusercontent.com

“બસ હવે થોડો સમય જ છે. આ વખતે એ હોળીની રજા પર આવ્યો ત્યારે એ મારા માટે ટેડી બેર લાવ્યો હતો ગીફ્ટમાં.. આમ તો એ હવે પરિક્ષાઓની તૈયારી કરે છે તો પણ રાતે અર્ધો કલાક મારી સાથે વાતો કરે જ છે.. એ કદાચ એના મમ્મી પાપા સાથે ઘરે વાતો કરવાની ભૂલી જાય પણ મને નિયમિત ફોન કરે છે.. ભલે થોડો સમય પણ એ વાત તો કરેજ.. આસીસ્ટન્ટ સ્ટેશન માસ્તરની પરિક્ષાની તૈયારી કરે છે.. એ પાસ થઇ જાય એની માનતા પણ મેં માની છે.. એક વખત એને નોકરી મળી જાય પછી હું સીધી મારા પિતાજીને વાત કરવાની છું.. મારા પિતાજી પણ હવે મારા માટે યોગ્ય મુરતિયો શોધવા લાગ્યા છે.. બસ મારું મન કહે છે કે મારું તપ હવે પાકી ગયું છે.. બસ વધુમાં વધુ હવે છ માસમાં જ સારા સમાચાર મળી રહેશે તને!!”

“તો સારું આપણે બને સાથેજ લગ્ન કરીશું.. મને પણ કાલે એક છોકરો જોવા આવવાનો છે. રિલાયન્સમાં જામનગર જોબ કરે છે. લાખ રૂપિયા જેટલો પગાર છે. કેમિકલમાં એમ ઈ કરેલું છે. એકનો એક દીકરો છે. એના મમ્મી અને પાપા બને સચિવાલયમાં જોબ કરે છે સેક્શન ઓફિસર તરીકે!! ગાંધીનગરમાં ઘરના મકાન છે.. જામનગરમાં પણ ઘરનું મકાન છે એ ભાડે આપેલું છે. રિલાયન્સ તરફથી આપેલા એ મકાનમાં એ એકલો રહે છે!! મારા માતા પિતાને એ ગમી ગયો છે!! મને પણ ગમી જ જશે ચોક્કસ” નેહલ બોલતી હતી ને નિતીકા સાંભળતી હતી.

નેહલને છોકરો જોવા આવ્યો. એનું નામ પાર્થ હતું. પાર્થ અને નેહલે વાત પણ કરી લીધી. એક કલાકમાં બધું જ પાકે પાયે ગોઠવાઈ ગયું. છોકરો પોતાની સાથે નવો નક્કોર મોબાઈલ લાવ્યો હતો. સીમ કાર્ડ સાથે..!! રૂપિયા અને નાળીયેરની સાથે સાથે છોકરાએ મોબાઈલ પણ આપી દીધો નેહલને અને કહ્યું.

“તને જોવા આવવાનો હતો એટલે મોબાઈલ લઈને જ આવ્યો. તારો ફોટો જોયો ત્યારે જ નક્કી કર્યું હતું કે કાલથી જ તારી સાથે વોટ્સએપમાં વાત શરુ કરવી છે!! એટલે મોબાઈલ લઇ જ લીધો.. આને કહેવાય કોન્ફિડેન્સ સ્વીટી!!”

“એકાદ મહિનામાં ચાંદલા વિધિ પણ પતી ગઈ. ચાંદલામાં આવવા માટે નિતિકા એ કંદર્પને કહ્યું પણ એની પરિક્ષાઓ એ તારીખોમાં હતી એટલે મેળ ના પડ્યો. ઉનાળામાં લગ્ન ની તારીખો નક્કી થઇ ગઈ હતી. મેં મહિનામાં લગ્ન હતા.

image source : googleusercontent.com

અને અચાનક ધડાકો થયો. કંદર્પ પરિક્ષામા પાસ થઇ ગયો. પંદર દિવસ પછી એ આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર ની તાલીમ લેવા ગોરખપુર પણ જવાનો હતો. તાલીમ પછી એ મધ્ય રેલવેના કોઈ પણ એક રેલવે સ્ટેશન પર નોકરીએ લાગી જવાનો હતો. મોબાઈલ પર જયારે નિકીતાએ સમાચાર સાંભળ્યાં ત્યારે એ લગભગ હરખથી ગાંડા જેવી થઇ ગઈ. એક રાત તો એ માંડ માંડ કાઢી શકી. બીજે દિવસે સવારે આઠ વાગ્યે કંદર્પ આવવાનો હતો!! અને કંદર્પ આવ્યો પણ ખરો પણ એકલો ના આવ્યો!! એની સાથે એક રૂપાળી છોકરી પણ હતી!!!

કંદર્પ પોતાના ઘરે ના ગયો અને પડખે જ નીતિકાને ઘરે ગયો!! જઈને નિતીકાના માતા સાવીત્રીબેનને કહ્યું. નિતીકા તો કશું જ સમજી શક્તિ નહોતી.

“ સાવિત્રી કાકી તમે મારા ઘરના સભ્યોને સમજાવશો પ્લીઝ!! આ દિવ્યા છે. વલ્લભ વિદ્યાનગરમાં જ પહેલેથી જ ભણેલી છે. નાનપણથી જ એ એકલી છે. એના માતા પિતા કોણ છે એ એને પણ ખબર નથી. બસ એક અનાથાશ્રમમાં એ મોટી થઇ છે. હું જે કોચિંગ ક્લાસમાં જતો ત્યાં એ પણ આવતી. હું એને વરસ દિવસથી ઓળખું છું. અમે બને એક બીજાના પ્રેમમાં પડ્યા અને બે મહિના પહેલા અમે લગ્ન પણ કરી લીધા!! યાદ કરો સાવિત્રી કાકી હું નાનો હતો અને તોફાન કરતો ત્યારે તમે મને બચાવી લેતા હતા અને નિતીકા તું પણ મારા મમ્મીને સમજાવજે પ્લીઝ!! ઘરે પૂછ્યા વગર મેં દિવ્યા સાથે લગ્ન કરી લીધા છે!! દિવ્યાને પણ મારી જેમ જ રેલ્વેમાં નોકરી મળી ગઈ છે!! આમ તો સાચું કહું નિતીકા દિવ્યાનું રીઝનીંગ કે મેથ્સ એટલું પાવરફુલ છે ન પૂછો વાત!! મને એણે ઘણી જ હેલ્પ કરી છે!! એના કારણે જ હું આ પરીક્ષા પાસ થયો છુ. આખા ભારતમાંથી ૨૫૦ લેવાના હતા એમાં મારો ૩૮ મો નંબર છે અને આ દિવ્યાનો ૨૫મો નંબર!! બસ હવે એક જ વિનતી છે નિતીકા તને કે આ મારૂ છેલ્લું તોફાન છે એમાંથી તમે મા દીકરી મને બચાવી લો!! યાદ છે નાનપણમાં મારી મમ્મી સાવરણી લઈને મારી પાછળ પડતી ત્યારે તમે જ મને બચાવી લેતા હતા!! બસ ગમે તેમ કરીને મારા પાપા અને માતાને સમજાવી દ્યો આ વાસ્તવિકતા!!!” કંદર્પ સાવિત્રીબેન આગળ હાથ જોડીને ઉભો હતો!! નિતીકા આખી હચમચી ગઈ હતી. પણ તોય આ તો નિતીકા!! ચહેરા પર ખુશીના ભાવ લાવીને એ બોલી!!

image source : googleusercontent.com

“બહુ જ સારી પસંદગી છે તારી કંદર્પ!! આવો બને અંદર આવો!! બેસો અને દિવ્યા તું જરા પણ ગભરાતી નહિ!! બધું જ થઇ રહેશે!!!” મનમાં અનેક વમળો સર્જાયા છતાં નિતીકા એ સ્વસ્થતા ધારણ કરીને આખી બાજી સંભાળી લીધી.
“જુઓ જે થયું તે કંદર્પે જ નિર્ણય લીધો તે.. આમેય મા બાપ સંતાનના સુખમાં રાજી જ હોય ને.. અને કંદર્પે જે પાત્ર પસંદ કર્યું એમાં શી ખામી છે.. મા બાપ વગરની દીકરી પસંદ કરીને એણે એક રસ્તો બતાવ્યો છે સમાજને.. તમને તો ગૌરવ થવું જોઈએ મનહર અંકલ!! બને ને નોકરી છે. એકી સાથે રહેશે અને સહુથી મોટી વાત મન મળી ગયા પછી કુંડળી મેળવવાની જરૂર જ શી છે?? લગ્નનો ખર્ચો પણ બચી ગયોને!! ચાલો અંતે સ્વીકાર તો કરવો જ રહ્યો ને!! બને ને આશીર્વાદ આપી દો અને સ્વીકાર કરી લો!! કંદર્પ તો આમેય નાનપણથી તોફાની જ છે ને મને પણ એના તોફાન ખુબ જ ગમતાં પણ એનું આ તોફાન જરા હટકે છે. જીવનભર મને પણ યાદ રહેશે..” કહીને હસતા હસતા જ નિતીકા રોઈ પડી!! કલાક સુધી તણખા જર્યા.પણ નિતીકાના પ્રયત્નોથી કન્દ્ર્પને તેના માતા પિતા વચ્ચે એક મજબુત રેણ થઇ ગયું હતું. ગામ આખામાં ખબર પડી ગઈ હતી.નેહલને જાણ થઇ એ સાવ અવાચક જ બની ગઈ હતી. એ નિતીકાના ઘરે પહોંચી અને એને વળગી પડી!! નિતીકા એટલું જ બોલી.

“નેહલ અમુક સંબંધો અધૂરા રહેવા જ સર્જાયેલા હોય છે.. જેમ જીવનમાં સુખને માણીએ એમ દુઃખને પણ માણી લેવાનું હોય છે.. અફસોસ અને ખુશી જીવનમાં ડગલેને પગલે વણાયેલી છે. બસ બનેને માણી લઈએ. તું દુઃખી ના થા ડીયર સહેજ પણ દુઃખી ના થા!! જે ડેટા જીવનમાં હતો જ નહિ એનો શા માટે અફસોસ કરવો.” પોતાના રૂમમાં નિતીકા નેહલને આશ્વાસન આપતી હતી. જયારે આશ્વાસનની જરૂર એને હતી!!
ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું!! સહુ ખુશ હતાં.. પાંચ દિવસ રોકાઈને કંદર્પ અને દિવ્યા કંદર્પના મામાને ત્યાં જવા રવાના થયા. ત્યાંથી એ બને
ગોરખપુર તાલીમમાં જવાના હતા.. દિવ્યાને ભેટીને નિકીતાએ એને પેલું ગીફ્ટમાં મળેલું ટેડી બેર ભેટમાં આપ્યું અને કહ્યું.

image source : googleusercontent.com

“કંદર્પ તને સદા ખુશ રાખશે એની ખાતરી હું આપું છું!! એને હું નાનપણથી ઓળખું છું.. બસ નવી જિંદગી તમારી રાહ જોઈ રહી છે!!” કંદર્પ અને દિવ્યા ગયા અને એજ રાત્રે નિતિકા એ મેસેજ કર્યો નેહલને કે
“ કાલે મારે ચાલીને લાલ ટેકરીએ કંદર્પની માનતા પૂરી કરવા જવાનું છે.. હું સવારે સાડા પાંચે તારા ઘરે આવીશ.. તૈયાર રહેજે…. શુભ રાત્રી સ્વીટ ડ્રીમ્સ!! ટેઈક કેર!!”
અને સવારે નેહલને એની માતા એ જગાડી અને કહ્યું.

“ ઉઠ એય ઊંઘણશી!! નિતીકા આવી છે તને લેવા માટે!! તને એણે કાલે જ કીધું હતું ને કે લાલ ટેકરી એ ચાલતા ચાલતા જવાનું છે ને તોય ભૂલી ગઈ ને ?? હવે તું નાની નથી!! વહેલા ઉઠવાની ટેવ પાડો હવે સાસરીયે જવામાં લાંબો સમય બાકી નથી રહ્યો. ત્યાં કોઈ તને આવી રીતે સુવા નહિ દે!!” ફટાફટ ઉઠીને નેહલ તૈયાર થઈને નિતીકા સાથે ચાલી નીકળી!!

ગામની બહાર નીકળતા જ નેહલ એકદમ વરસી પડી.

“આ શું ગાંડપણ આદર્યું છે?? મગજ ઠેકાણે છે કે નહિ તારું??? હજુ અ માનતાનું ભૂત તારા મગજમાંથી ન ઉતર્યું તે ન જ ઉતર્યું!! શું મળ્યું તને આવી માનતા માનવાથી?? આજીવન અફસોસ કે બીજું કંઇક??”
“મેં માનતા કંદર્પને નોકરી મળી જાય એની માની હતી એ તો તને ખબર જ છે ને અને મારી માનતા મુજબ એને નોકરી તો મળી ગઈને??!! મેં બીજા

image source : googleusercontent.com

કશાની માનતા માની જ નહોતી” મારો વિશ્વાસ હું જ કેમ તોડી શકું?? મારા સ્વાર્થ ખાતર હું મારો જ વિશ્વાસ ક્યારેય ન તોડી શકું?? જીવનમાં ક્યારેય ગમે તેવા સંજોગો આવે જે શ્રદ્ધા મારામાં નાનપણથી જ રોપાઈ ગઈ છે એને તો હું વળગી જ રહેવાની છું. તને ખબર છે કે કોઈ પણ મોબાઈલ તમે નવો લો એટલે એમાં અમુક એપ પહેલેથી બાય ડીફોલ્ટ સેટ કરેલી હોય છે!! એને તમે ડિસેબલ કરી શકો પણ રીમુવ ના કરી શકો!! લાલ ટેકરી પર મને અપાર શ્રદ્ધા છે, હતી અને કાયમ રહેશે!! અને રહી વાત મારા અને કંદર્પના સંબંધની તો મેં એને પ્રેમ કર્યો છે. એ જરૂરી નથી કે એ પણ મને એ પ્રેમ કરે!! એનું બીજે ઠેકાણે લખાયેલું હોય તો એમાં એ બિચારો કરે પણ શું?? તારી વાત સાચી કે મારે પહેલા ચોખવટ કરી લેવી જોઈએ પણ અમુક જ્ઞાન છેક છેલ્લે આવતું હોય છે અને ત્યાં સુધીમાં તો બનવાકાળ બધું જ બની ગયું હોય છે!! જે વસ્તુ તમે સુધારી નથી શકતા એનો અફસોસ કે દુઃખને જીવનમાં સ્થાન જ શા માટે આપવું”” ” નેહલ કશું બોલી નહિ બસ એ નિતીકા ના ચહેરા તરફ જોઈ રહી.. અને મનોમન વિચારતી રહી કે એક શ્રદ્ધાનો તાંતણો નાજુક અને કુમળા શરીરને પણ કેવો વજ્ર સમાન બનાવી દે છે!!

ઉનાળામાં નેહલના લગ્ન લેવાયા!! નિતીકા લગ્નના દસ દિવસ સુધી નેહલના ઘરે રોકાણી. નિતીકા એ નેહલને વળાવી. રડતા રડતા નેહલ બોલી.

“નિતીકા તારી પાસેથી હું એટલું શીખીને જઈ રહી છું કે જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે તો પણ મગજને શાંત કેમ રાખવું!! મને તારી દોસ્તી પર ગર્વ છે નિતુ !! બસ આવીને આવી જ રહેજે!! બધું જ થઇ રહેશે”

લગ્નના એકાદ માસ પછી નેહલના પિતાજી નેહલના લગ્નનું આલ્બમ લઈને આવ્યા અને એમાંથી એક ફોટો બતાવ્યો અને કહ્યું!!

“રવજીભાઈ આ છોકરા સાથે નિતીકાનું સગપણ ગોઠવવું છે. આ છોકરો અમેરિકામાં જન્મ્યો છે. ત્યાનો નાગરિક છે કેલીફોર્નીયામાં ચાર મોટેલ ધરાવે છે. ત્રણ માસ માટે ઇન્ડિયા આવ્યો છે. હવે એકાદ મહિનો રોકાય એમ છે!! અમારા જમાઈ પાર્થકુમારના મામાનો દીકરો છે!! અહી લગ્નમાં આવ્યો ત્યારે એને નિતીકાને જોઈ હતી.એને પસંદ છે. મને કાલે જ નેહલનો ફોન આવ્યો અને એણે કીધું કે તમે નિતીકાને ઘરે જઈને વાત કરી જુઓ!! છોકરો સરસ હતો. બધાને ગમી ગયો. નિતીકા એ એક બે વખત ફોન પર વાત કરી નેહલ સાથે!!

image source : googleusercontent.com

ઘડિયા લગ્ન ગોઠવાઈ ગયા!! છોકરાનું નામ મલ્હાર હતું. કંદર્પને આમંત્રણ મોકલ્યું પણ ટ્રેઈનીંગના કારણે એ કે દિવ્યા કોઈ આવી શક્યા નહિ!! પાર્થ અને નેહલ લગ્નના એક અઠવાડિયા પહેલા જ નિતીકાને ઘરે આવી પહોંચ્યા. ધામધુમથી રવજીભાઈએ પોતાની દીકરી વળાવી. મલ્હાર પરણીને અમેરિકા જતો રહ્યો. છ મહિના પછી નિતીકાના વિઝા તૈયાર થઇ ગયા અને એ પણ જતી રહી!! સમય વીતતો ચાલ્યો!! છ માસ પછી મલ્હારનો ફોન આવ્યો નેહલ પર!!
“નેહલ ભાભી તમારો ખુબ ખુબ આભાર!! તમે જે પ્રમાણે કહ્યું હતું એના કરતા પણ મારી નિતીકા સવાઈ સાબિત થઇ રહી છે. મારા મમ્મી પાપા પણ ખુબ ખુશ છે. તમામને એ સારી રીતે સાચવે છે. અહીના વાતવરણમાં એ સેટ થઇ ગઈ છે. આજુબાજુ ઘણા ગુજરાતી લોકો રહે છે એમાં પણ એ દુધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે.. આવી સરસ જીવનસાથી શોધી આપવા બદલ ભાભી હું તમારો આજીવન ઋણી રહીશ!! જોકે તમે જ એની ભલામણ મને કરી હતી એ વાત મેં તમારા કહેવાથી જ છુપાવી રાખી છે!! મેં એને એમજ કીધું છે કે પાર્થના લગ્નમાં હું આવ્યો અને મેં તેને તમારી સાથે માંડવામાં જોઈ ત્યારથી જ તે મને પસંદ પડી ગઈ હતી!! હવે તમે અને પાર્થ બને અમેરિકા ફરવા આવો” મલ્હાર ખુબ ખુશ હતો.
ત્રણ દિવસ પછી નેહલે કોલ લગાવ્યો નિતીકાને!! મલ્હાર એ વખતે પોતાની મોટેલ પર હતો. નિતીકા સાથે થોડી આડા અવળી વાતો કરીને પછી નેહલે પૂછ્યું કેવું લાગે છે ડાર્લિંગ અમેરિકામાં અને નિતીકા એ જવાબ આપ્યો.

image source : googleusercontent.com

“ખુબ જ સરસ!! વાતો સાંભળી હતી મનમાં ઉછાટ પણ થોડો ઘણો હતો. પણ મલ્હારના સ્વભાવ આગળ એ ઉચાટ સાવ વરાળની જેમ ઉડી ગયો!! મલ્હાર મને ખુબ જ પ્રેમ કરે છે.. એક એવો પ્રેમ કે જેની મેં કલ્પના પણ નહોતી કરી!! અને નેહલ એક વાત હું સ્વીકારું છું. કંદર્પ સાથે મને જે લગાવ હતો. ભલે એકતરફી જ હતો એને કશી લાગણી નહોતી!! પણ તોય મારા મનમાં એક અભિમાન આવી ગયું હતું કે મારા જેવું તો કોઈ થઇ જ ના શકે!! પણ મલ્હારે એ ભ્રમનો પણ ભાંગીને ભુક્કો કરી નાંખ્યો!! કંદર્પ ને તો હું નાનપણથી ઓળખતી હતી. એના સ્વભાવ થી પરિચિત હતી. પણ જયારે મલ્હાર સાવ અજાણ્યો માણસ હતો. મને મારા પૂર્વ જીવન વિષે સહેજ પણ પૂછ્યું નથી કે કોઈ બાબતે મને જરા પણ દુખી નથી કરી!! એકદમ શાંત અને સરળ અને સુખમય રીતે મારી જિંદગી પસાર થઇ રહી છે!! મલ્હાર મને બે ત્રણ વખત કહી ચુક્યો કે તારે મમ્મી પાપાને મળવું હોય તો આપણે બે ય જઈ આવીએ ઇન્ડિયા!! પણ હું ના પાડું છું અને હા એક ખુશ ખબર છે!! આજે તને હું સાંજે જ ફોન કરવાની હતી. હું મા બનવાની છું!! મા બન્યા પછી હું મલ્હાર સાથે ત્યાં આવીશ!! તારે મારી સાથે લાલ ટેકરીએ ચાલતા ચાલતા આવવાનું છે!! તને કદાચ નહિ ખબર નહિ હોય!! મારા જન્મ વખતે પણ મારી માતા મને તેડીને ચાલતા ચાલતા લાલ ટેકરીએ ગઈ હતી!! બસ અત્યારે જીવ ધરાઈ જાવ એવું સુખ ભોગવું છું!! આવજે નેહુ ” નિકિતા બોલતી હતી અને હરખના આંસુડા નેહલને પડતા હતા!!
આ જીવન છે. બચપણથી જાણીતી વ્યક્તિને તમે પ્રેમ કરો અને કદાચ એ સફળ ના પણ થાય. પ્રેમ હમેશા અવળચંડો સોફ્ટવેર છે. એ લગભગ અજાણી વ્યક્તિઓ સાથે જ થાય છે. ક્યારેક સાવ અજાણ્યા માણસો તમને આખી જિંદગી એવો પ્રેમ આપતા હોય છે કે જે તમારી ભવોભવની ભૂખ ભાંગી નાંખતા હોય છે!!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” , શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.મુ.પો. ઢસા ગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks