દીકરા અને વહુ સાથે મેચ જોવા આવેલા નીતા અંબાણીને ફરી મળી નિરાશા, સતત 8મી મેચ હારતા અંબાણી પરિવારના ચહેરા જોવા જેવા થયા

IPLનો રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે, દરેક ટીમ પ્લેઓફમાં જવા માટે તનતોડ મહેનત કરી રહી છે, ત્યારે 5 વાર IPlનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું પ્રદર્શન આ વખતે સાવ ખરાબ જોવા મળી રહ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની આ સીઝનમાં એક પણ જીત નથી મળેવી શક્યું. ગઈકાલે લખનઉ સામેની 8મી મેચમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો.

આ હાર સાથે મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હોય એવું લાગી ગયું છે. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની શકે છે. સચિન તેંડુલકરના જન્મદિવસના અવસર પર તેની ટીમને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સચિન તેંડુલકરના ચાહકો આ મેચ જોવા પહોંચ્યા હતા. તેમના હાથમાં એક પોસ્ટર હતું, જેમાં તે વિજય સાથે સચિનના જન્મદિવસને ખાસ બનાવવાની માંગ કરી રહ્યા હતા. જો કે મુંબઈની ટીમ આવું કરી શકી ન હતી.

ટીમની માલકીન નીતા અંબાણી પોતાના પુત્ર આકાશ અને પુત્રવધૂ શ્લોકા સાથે આ મેચ જોવા પહોંચી હતી. રોહિતની ઇનિંગ દરમિયાન ત્રણેયે ખૂબ જ ઉજવણી કરી, પરંતુ અંતે તેમની ટીમને હારનો સામનો કરવો પડ્યો.

તેની ટીમે પહેલા લખનઉને 168 રન પર રોકી દીધું અને પછી રોહિતે આક્રમક રીતે બેટિંગ શરૂ કરી, ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે મુંબઈ આ મેચ જીતશે. નીતાએ પણ રોહિતની ઈનિંગને ખૂબ એન્જોય કરી, પરંતુ તેના આઉટ થયા બાદ મુંબઈ વિખેરાઈ ગયું અને મેચ હારી ગઈ.

નીતા અંબાણીનો દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. બંનેની હાલત પણ નીતા જેવી જ રહી. મેચમાં મોટાભાગે એવું લાગતું હતું કે મુંબઈ ટાર્ગેટનો પીછો કરીને મેચ જીતી જશે, પરંતુ એવું થયું નહીં. રોહિત શર્મા અને તિલક વર્મા સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો ન હતો અને મુંબઈને સતત આઠમી હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ સામે લખનઉની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. ક્વિન્ટન ડી કોક અને રાહુલ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. બંને વચ્ચે સારી ભાગીદારી હતી, પરંતુ ડેકોક બુમરાહના બોલ પર રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. લખનઉને પહેલો ફટકો 27ના સ્કોર પર લાગ્યો હતો. ક્વિન્ટન ડી કોક 10 રન બનાવીને આઉટ થયો હતો.

મુંબઈના ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે ઈશાનનો સ્ટ્રાઈક રેટ ઘણો ધીમો હતો, પરંતુ જો બંને બેટ્સમેન લાંબી ઈનિંગ્સ રમ્યા હોત તો મુંબઈને જીત અપાવી શક્યા હોત. પરંતુ આવું ન થયું, પહેલા કિશન પછી રોહિત પણ આઉટ થયો અને મુંબઈ મેચ હારી ગયું.

Niraj Patel