Ahmedabad Accident case : અમદાવાદમાં 19 તારીખે મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં જેગુઆર કારે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત જોઇ રહેલા ટોળા પર કાર ચઢાવી દીધી અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાની ખબર છે. ત્યારે આ દુર્ઘટનામાં ઘણા એવા પરિવાર છે જેમાંથી કોઇએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો તો કોઇએ પોતાનો ભાઇ તો કોઇએ પોતાના પિતા ગુમાવ્યા. મૃતકોના પરિવારમાં તો આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે મૃતકોમાંથી એક 22 વર્ષનો નિરવ રામાનુજ પણ હતો કે જે તેના પિતાનો એકનો એક દીકરો હતો અને તેણે વર્ષો પહેલા તેની માતા પણ ગુમાવી હતી.

22 વર્ષિય દીકરાને પિતાએ આપી કાંધ
ત્યારે પત્નીના ગયા બાદ દીકરાએ પણ દુનિયા છોડી દેતા 60 વર્ષના પિતા પર તો આભ ફાટી પડયું હતુ. આ ઉંમરે એક પિતાએ દીકરાને કાંધ આપવી પડી હતી. બસ પરિવાર વાંરવાર એક જ વાત કરે છે કે 19 જુલાઈની રાત ના આવી હોત તો પરિવારનો કુળદીપક બચી જાત. અમદાવાદના ચાંદલોડિયામાં રહેતો નિરવ રામાનુજ ઈસ્કોન ફ્લાયઓવર પર થયેલ અકસ્માત જોવા ઊભો હતો. આ દરમિયાન જ જેગુઆર કારે તેને પણ અન્યની જેમ અડફેટે લીધો અને તે મોતને ભેટ્યો. નિરવ મિકેનિકલ જાણતો હતો એટલે અક્સ્માત ગ્રસ્ત વ્યક્તિને કોઈ રીતે મદદ થાય તે માટે તે ઉભો હતો, પણ તેને થોડી ના ખબર હતી કે સેવાને બદલે તેને સજા મળશે.
પત્નીના ગયા બાદ દીકરો પણ ચાલ્યો ગયો
નિરવના પિતા આત્મરામ રામાનુજે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે બપોરના 2 વાગ્યે તેમને નિરવનો ફોન આવ્યો હતો અને તેણે પૂછ્યુ કે જમ્યાં કે નહીં. નિરવ હંમેશાં તેનાં પિતાની પડખે ઉભો રહેતો, તેઓ 19 જુલાઈએ પોતાના કામથી ધોળકા ગયા હતા એટલે નિરવે તેનાં પિતાને ફોન કરીને કહ્યું હતું કે મારે મોડું થશે તમે હજુ નીકળ્યા ના હોય તો રોકાઈ જજો. જે બાદ તો દીકરાનો ફરી ક્યારેય ફોન જ ના આવ્યો અને આવશે પણ નહિ. દીકરા સાથે થયેલ છેલ્લા વાતચીત યાદ કરી નિરવના પિતા રડી ઉઠે છે. તેમનો એકનો એક દીકરો કે જેના ભણતર-ગણતર માટે ક્યારેય તેમણે પત્નીના મોત બાદ બીજા લગ્ન કરવાનું વિચાર્યું પણ નહોતું, તે જ તેમનો સહારો હતો.
મિકેનિકલ કામમાં રસ હોવાથી ગાડીઓ રિપેરિંગનું કામ કરતો
નિરવ ઘરકામ પણ કરતો, અને નાની નાની આર્થિક રીતે મદદ થાય એ માટે છુટક કામ પણ કરતો. ગ્રેજયુએટ હોવા છતાં તેને મિકેનિકલ કામમાં વધારે રસ હોવાથી તે ગાડીઓ રિપેરિંગનું કામ કરતો. 19 જુલાઈએ નિરવ કોઈ ગાડી રિપેરિંગ માટે બાવળા ગયો હતો અને આનાથી તેને કદાચ આખો મહિનો ચાલે એટલા રુપિયા પણ મળવાના હતા પણ એ દિવસનું કામ તેની જિંદગીની તમામ સવાર છીનવી ગયું. જણાવી દઇએ કે, નિરવની માતાનું 12 વર્ષ પહેલાં બિમારીને કારણે નિધન થયુ હતુ. તે બાદ પિતાએ જ દીકરા અને દીકરીની ઉછેર માટે બીજા લગ્ન ન કર્યા અને બંને બાળકોને ભણાવ્યા. દીકરીને સાસરે મોકલી જ્યારે દીકરા સાથે રહીને દીકરા માટે સારી છોકરી શોધવાનું શરુ કર્યુ પણ કોને ખબર હતી કે નિરવના લગ્નનો માંડવો નહીં બંધાય પણ તેનાં બેસણાંનો માંડવો બંધાશે.