જો કોઈ તમને પૂછે કે ગુજરાતમાં ફરવા જવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કયું છે? તો તમારા મનમાં સૌથી પહેલા સાપુતારાનું નામ જ આવશે. પણ ના, ગુજરાતમાં બીજી પણ કેટ્લીક શ્રેષ્ઠ જગ્યાઓ છે ફરવા લાયક, રજાઓ માણવા લાયક, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય. આવી જ એક જગ્યા છે, નર્મદા જિલ્લામાં આવેલો નિનાઈ ધોધ.

નિનાઈ ધોધ ગુજરાતના નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામથી ચાર કિલોમીટર દૂર કાચા રસ્તે આવ્યો છે. સાતપૂળા પર્વતમાળાના પર્વતો અને જંગલો વચ્ચે વહેતી નદી અને ઝરણાઓ જોઈને મન પ્રફુલ્લિત થઇ જાય છે. અહીંનું કુદરતી સૌંદર્ય જોતા જ અહીં થોડા દિવસ રહી જવાનું મન થઇ આવે. અહીં નજીકમાં જ એક બીજો ધોધ પણ આવેલો છે, ઝરવાણી ધોધ.

ચોમાસામાં તો અહીંની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે અને રજાઓમાં તો અહીંનો કુદરતી નજારો જોવા માટે ખાસ જવું જોઈએ. નર્મદા ડેમની બાજુમાં આવેલો ઝરવાણી ધોધ અને ડેડીયાપાડામાં ઘનઘોર વનરાજી વચ્ચે નિનાઈ ધોધ અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે. આ સ્થળ ડેડીયાપાડાના રમણીય જંગલોમાં શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યના સુરક્ષિત વિસ્તારમાં આવે છે.

જો 2-3 દિવસની રજાઓ હોય તો અહીંની મુલાકાત લેવી જોઈએ. નિનાઈ ધોધ 150 ફુટની ઊંચાઈ પરથી પડે છે, અને તેની આસપાસ અત્યંત સુંદર દૃશ્ય જોવા મળે છે. પ્રવાસીઓ અહીં ધોધમાં સ્નાન કરવાનો લહાવો પણ લે છે. જોકે ઘણીવાર અણબનાવો બન્યા હોવાથી પ્રસાશન અહીં ધોધમાં નહાવા ન પડવાનો આગ્રહ કરે છે.

રજાઓના દિવસોમાં અહીં પ્રવાસીઓ ફરવા આવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો અહીંનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે. આ ધોધ જોવા ગુજરાતના જ નહિ પરંતુ દેશ-વિદેશથી હજારો લોકો આવે છે. પરંતુ નિનાઈ ધોધ હોય કે ઝરવાણી ધોધ, ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ચોમાસામાં અહીં સુધી પહોંચવું થોડું કઠીન બની જાય છે. જો અમે એડવેન્ચર પ્રેમી હોવ તો તમને આ જગ્યાઓની મુલાકાત લેવાનું અવશ્ય ગમશે.

નિનાઈ ધોધ ખાતે રાજ્ય ધોરી માર્ગ નં. 163 પર ડેડિયાપાડા-માલસામોટ વચ્ચે આવેલ કોકટી ગામથી ચાર કિલોમીટર જેટલા કાચા માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ સ્થળ ડેડિયાપાડાથી આશરે ૩૫ કિલોમીટર જેટલા અંતરે તેમ જ સુરતથી આશરે ૧૪૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ ૧૨૫ કિલોમીટર જેટલું દૂર છે.
અહીં પહોંચવાનો રસ્તો કાચો રસ્તો હોવા છતાં પણ દર વર્ષે અહીં 2-3 લાખ સહેલાણીઓ મુલાકાતે આવે છે. નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય (કલેક્ટર ઓફિસ) તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થળો તરીકે પ્રસિદ્ધ કરવાની યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં નિનાઈ ધોધનો પણ સમાવેશ થાય છે.

સ્થાનિકો સાથે મળીને વનવિભાગ પણ રોજગારીની પ્રવાસીઓ વધુને વધુ આકર્ષાય અને રોજગારીની વધુ તક ઉભી થાય તેવા પણ પ્રયાસ કરી રહ્યું છે. જેથી પ્રવાસીઓને દરેક જાતની પ્રાથમિક સગવડ મળી રહે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks