અમદાવાદમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

હાલ તો ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક સાંબેલાધાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોમાં વરસાદ વરસતા ખુશીની લહેર છવાઇ ગઇ છે. ત્યારે આજની વાત કરીએ તો, અમદાવાદમાં બપોરથી ભારે વરસાદ શરૂ થયો છે. લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ તો વરસી ચૂક્યો છે. બે કલાકમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો છે. ઓઢવ, રખિયાલ, વિરાટનગર, રામોલ, ગોમતીપુર, વસ્ત્રાલ, વિસ્તારમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, આશ્રમરોડ, રાણીપ, પાલડી, વાસણા, ઉસ્માનપુરા, વાડજ, ઇન્કટેક્સ, ચાંદખેડા, જેવા વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ઝોનના વાત કરીએ તો, મેઘાણીનગર, મેમકો, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાયન્સ સિટી થલતેજ અને ગોતા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ મણિનગર, વટવા સહિતના વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હાલમાં તો આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 182 મિમી વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે અને સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 31 ટકા વરસ્યો છે. જો કે હજી આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ- વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વધારે રહેશે. જ્યારે દ્વારકા, કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે.

આગાહી દરમિયાનના પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. સારા વરસાદને પગલે ડેમો અને નદી તેમજ તળાવોમાં પણ નવા નીરની આવક થઇ છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. 8 જુલાઈના રોજ રાજકોટ, જામનગર, નવસારી, પોરબંદર, દ્વારકા, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, કચ્છ, મોરબીમાં

તેમજ 9 જુલાઈના રોજ સુરત, કચ્છ, તાપી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢી, વલસાડ, ડાંગ, અને તાપીમાં તેમજ 10 જુલાઇના રોજ જૂનાગઢ, વલસાડ, સુરત, રાજકોટ અને ડાંગ સહિત દ્વારકા, પોરબંદર, મોરબી, અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમા તેમજ 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

Shah Jina