મુકેશ સોજીત્રા લેખકની કલમે

નેહાનું સગપણ – પોતાની વ્હાલસોયી દીકરીનું સગપણ ગોતતા પહેલાં આ સ્ટોરી જરૂર વાંચો, ક્યાંક એવું ના બને કે રૂપાળો ચહેરો અને પૈસા જોઈને તમે તમારી જ દીકરીને કુવામાં ધકેલો !!

વાર્તા :- “ નેહાનું સગપણ”

બચુભાઈ જીવણભાઈ પટેલ. ચલાળા બાજુના એક નાનકડા ગામમાં રહે. સાઈંઠ વીઘા જમીન બે દીકરા અને એક દીકરી. બે ય દીકરા પરણી ગયેલા. સુરતમાં રહે મોટો વિશાલ હીરાનું કરતો અને નાનો ધીરજ કાપડનું કરતો. બેય ભાઈઓને સ્વતંત્ર મકાન હતું. ખાધે પીધે સુખી. બચુભાઈ અને એની પત્ની રંજન ખેતીવાડી કરે ગામડામાં. એક દીકરી નામે નેહા. ગયા વરસે જ નેહાએ કોલેજ પૂરી કરી પછી બચુભાઈએ એના માટે સગપણ જોવાનું શરુ કરેલું!!
સગા સંબંધી અને વેવાઈ વેલામાં બચુભાઈએ જેવી વાત કરી કે હવે નેહા માટે સગપણ શોધવું છે કે તરત જ ઘણા માંગા આવવા લાગ્યા. રંજનબેન અને બચુભાઈ એક પછી એક બાયોડેટા તપાસતા જાય. ક્યાંક ઘર ખોરડું સારું હોય તો છોકરો દેખાવમાં નબળો લાગે. ક્યાંક છોકરો સારો હોય તો ઘર ખોરડા અને કુટુંબનો ઈતિહાસ નબળો નીકળે. બચુભાઈ એક જ વાત કરતાં.

“ નેહાને યોગ્ય મુરતિયો હોય તો જ વાત આગળ ચલાવવી છે. કુટુંબમાં કદાચ કાર ન હોય તો પણ ચાલશે પણ સંસ્કાર હોવા જોઈએ. મારી એકની એક દીકરીને નાંખી નથી દેવી. આપણે કઈ નાનું કુટુંબ નથી શોધવું. મોટું કુટુંબ હોય તો પણ ચાલે. સુરતમાં જ સંબંધ કરવો એવું પણ નથી. ગામડામાં પણ સારું ઘર મળતું હોય તો નેહાને પરણાવી દેવી છે. મુરતિયો ૧૨ ધોરણ સુધી તો ભણેલો હોવો જ જોઈએ. ભલે કોલેજ ન કરી હોય. પણ બાર સુધી તો ભણેલ હોવો જોઈએ”
ગામડામાંથી માંગા આવવા લાગ્યા. બે મુરતિયા ઉપર બચુભાઈની નજર ઠરી. એમાંથી એક મુરતિયાને ફાઈનલ કર્યો. સુરત બે ય દીકરાને બાયોડેટા મોકલી આપ્યો. મુરતિયો સહકારી મંડળીમાં મંત્રીનું કામ કરતો હતો. કૂલ ત્રણ ભાઈઓ હતા. બે ભાઈઓ પરણી ગયા હતા. એક બાકી હતો. સીતેર વીઘાનું વાડી પડું હતું. ગામમાં સરસ મકાન પણ હતા. ગામમાં શાખ સારી હતી.આમેય સહકારી મંડળીના મંત્રી હોય એટલે ગામ આખું એની સાથે સારો સંબંધ રાખતું જ હોય!!

બચુભાઈ અને રંજનબેન ઘર ખોરડા જોઈ આવ્યાં. મોટો દીકરો સુરતથી આવ્યો. એ પણ જોઈ આવ્યો. એને ઘર પસંદ ન આવ્યું. રાતે વાળું પાણી કરીને વાત શરુ થઇ.

“બાપુજી તમે હજુ સુરત જોયું નથી. સગપણ તો સુરતમાં જ કરાય. ગામડામાં ગમે તેટલું સારું હોય.. પણ શું કામનું?? ગામડામાં હવે કોઈનું ફયુચર રહ્યું જ નથી. અમે બે ય ભાઈઓ સુરત ગયા પછી જ સુખી થયા ને??”
“અને અમે ગામડામાં રહીને દુઃખી થઇ ગયા એમ?? શું નાંખી દીધા જેવી વાત કર્ય છો તું?? આ તો તમારે બે ય ભાઈઓને ડોડ હતો શહેરમાં જવાનો એટલે જાવા દીધા બાકી ગામડામાં ખેતી કરો તો પણ ન ચાલે?? ત્યાં ભાળ્યું તમારું સુખ!! અહી આપણું જે રસોડું છે એટલામાં તો તમારો આખો ગાળો આવી જાય!! કોથળિયુંના છાસ દૂધ ખાવામાં તમે જો સુખ માનતા હો તો ભલે બાકી. ગામડા હજુ કાઈ પડી નથી ભાંગ્યા” બચુભાઈ પોતાની આગવી શૈલીમાં બોલ્યા.

“પણ નેહાને તમે પૂછ્યું..?? એને પૂછીને નક્કી કરજો.. અત્યારે જમાનો દીકરીને પૂછવાનો છે.. અમે તો બે ય ભાઈઓ દસ દસ ધોરણ ભણ્યા છીએ પણ નેહા એ તો કોલેજ કરેલી છે.. તમે અત્યારે જે ઠેકાણે વાત ચલાવો છો એ ગામડામાં એને ગમશે?? નેહા એ મુરતિયો જોયો છે?? આ તો પછી તકલીફ ના થાય એ માટે કહું છું” વિશાલે મુદ્દાની વાત કરી.

“નેહાને મેં પૂછી જોયું છે. જ્યાં વાત ચાલે છે એ ગૌતમ મહિના પહેલા જ આપણા ગામની મંડળીમાં કૈંક કારોબારી હતી એમાં આવ્યો હતો. મીટીંગ જેવું હતું સેવા સહકારી મંડળીમાં. બધાને આપણા ઘરે જ જમવાનું હતું. ત્યારે જ નેહાએ ગૌતમને જોઈ લીધો છે. અને તેમ છતાં તારી વહુને કેજે ને એ નેહાને પૂછી લે.. આજકાલની દીકરીઓ એની માને કદાચ ખુલીને વાત ન કરે પણ ભાભીને તો કરેજ ને અને હજી આપણે ક્યાં પાકે પાયે ગોઠવી દીધું છે?? પણ તું આજ ગૌતમને ત્યાં જઈને આવ્યો તને કેમ લાગ્યું ખોરડું?? મુરતિયામાં તને કાઈ ખામી લાગી?? રંજનબેને કહ્યું.
“ ગામડાની દ્રષ્ટીએ સારું ઘર છે. બધા હજુ ભેગા જ રહે છે. છોકરો પણ દેખાવમાં સરસ છે. ગામની મંડળીનો મંત્રી તો છે પણ બીજા બે ગામની મંડળીનો પણ મંત્રી છે. પગાર પણ સારો છે. સ્વભાવ પણ સારો છે.પણ ભવિષ્યનું શું?? કાલ સવારે ભાણીયા મોટા થાય પછી એને સિટીમાં આવવું જ પડે ને?? મેં એને પૂછ્યું કે ભવિષ્યમાં સુરત કે અમદાવાદ સ્થાયી થવાનો વિચાર છે તો એણે ના જ પાડી કે શહેરમાં જવાની કોઈ ગણતરી નથી. બસ
એ એક બાબત માં જરા મારું મન ન પાડે છે” વિશાલ બોલ્યો.
“તમે બધા ગામડામાં જ મોટા થયા છોને?? શું તકલીફ થઇ ગઈ તમને?? અને એવું કોણે કીધું કે છોકરા ભણાવવા હોય તો સુરત જ જવું પડે કે કોઈ બીજા શહેરમાં જવું પડે.. હવે તો આજુબાજુના ગામડામાં પણ સારી એવી શાળાઓ થઇ ગઈ છે. આ બધો ખોટો વહેમ છે.. મૂળ તો તમને તાપીનો પુલ ઢોસા ને ખમણ એવા ભાવી ગયા છે કે વાત ન પૂછો.. બાકી હું તો ત્યાં બે દિવસ આવું ત્યાંજ મારું માથું ચડે છે..રાતે બે વાગ્યે તો મને ઊંઘ આવે.. સવારમાં તો મને માથું ચડી જાય..આપણે સુરત પાસ ના કર્યું” બચુભાઈનો સ્વભાવ ધૂની છે એવું ગામલોકો કહેતા. બને દીકરાને પણ એવું લાગતું..પણ બાપા ખેતીમાં એના કરતા વધારે કમાતા એટલે કાઈ બોલતા નહિ .કારણ કે જ્યારથી બને ભાઈઓ સુરતમાં પોત પોતાના ધંધે ચડ્યા ત્યારથી એક રૂપિયો પણ બચુભાઈએ દીકરા પાસેથી માંગ્યો નથી. ઉલટાના બે ય દીકરા બાપા પાસેથી પૈસા લઇ જતા ઘટે તો!!

વિશાલની પત્ની કુસુમે નેહાને પૂછી લીધું. પાથીએ પાથીએ તેલ નાંખે એમ વળી વળીને પૂછ્યું કે નેહાએ કોલેજમાં કોઈ છોકરો પસંદ કરી નથી લીધો ને.. નેહાએ ચોખ્ખી ના પાડી કે કોલેજમાં એણે ભણવા સિવાય બીજો કોઈ પ્રોજેકટ હાથ પર લીધો જ નથી. પછી કુસુમે નેહાને ગામડા અને સુરત વચ્ચેની ભેદ રેખા સમજાવી.. સુરતના ફાયદા પણ ગણાવ્યા.
“ગામડામાં ખેતી કરવી પડે.. અત્યારે સારું લાગે પણ પછી બહાર ન નીકળાય.. જ્યારે સુરતના અનેક ફાયદા છે.. સુરતમાં બાલભવનથી ધોરણ નવ સુધી બધા જ છોકરાને નેવું ટકા ઉપર આવે..સુરતનું ભણતર બહુ સારું.. મોટા મોટા મોલ હોય..આપણા છોકરા સ્કેટિંગ શીખે..સમાજમાં રહેતા શીખે.. ઉભરાટ હજીરા.. તાપીને કિનારે ફરવાની કેવી મજા આવે.. નવું નવું ખાવાની મજા આવે.. દોઢસો પ્રકારના ઢોસા મળે.. સવારમાં કયારેય ભાખરી બનાવવાનો કંટાળો આવે તો ગરમાગરમ ગાંઠીયા અને જલેબી પણ મળે.. મેમાન આવે તો તૈયાર પંજાબી શાક લઇ અવાય..પછી આપણા બધા સગા સંબંધી તો સુરતમાં જ છે ને.. આપણા સારું નહીં પણ આપણા છોકરાના ભવિષ્ય માટે મારી તો સલાહ છે કે તમે સુરતનો મુરતિયો જ ગોતાય!! બાપા તો કહે એનું બહુ નો મનાય!! એક સિક્રેટ કહું આ તમારા ભાઈ છે ને એ પણ તમારી જેવા જ હતા.. મને જોવા આવ્યાને ત્યારે.. મને એણે ચોખ્ખું કીધેલું કે હું ગામડામાં જ રહીશ.. ત્યારે મેં મનમાં દાંત કાઢેલા અને નક્કી કરેલું કે હું પરણીને આવું પછી એક જ વરસમાં હું તમને સુરત ભેગીના નો કરી દઉં તો મારું નામ કુસુમ નહિ..બોલો.. કારણ કે અમને બાયુંને જ ખબર પડે કે ક્યાં રેવાય ને ક્યાં નો રેવાય.. અહિયાં તો સારું બકલ પણ ન મળે અને સુરતમાં તમે બરોડામાં જાવ તો ખબર પડે કે દુનિયા કેવું કેવું પેરે છે?? એટલે જિંદગી જીવવી હોયને નણંદ બા તો સુરત જ આવતા રહેજો..પછી પાછળથી પસ્તાવાનો પાર નહિ રહે” કુસુમે પોતાની વાત રજુ કરી પણ નેહા જેનું નામ એ એટલું જ બોલી.
“ભાગ્યમાં હોય એમ થશે..મારો કોઈ હઠાગ્રહ શહેર કે ગામડાનો નહિ હોય. પણ મને એટલી ખબર છે કે જ્યાં હું જઈશ ત્યાં એ કુટુંબ સાથે ભળવાની સંપૂર્ણ તૈયારી છે જ. મને અત્યારથી ઊંચા સપના જોવાની આદત નથી. તમને દુઃખ ત્યારે જ થાય જયારે તમારી અપેક્ષાઓ વધુ હોય. પણ ભાભી તમે જે ફાયદા ગણાવ્યા બરાબર પણ સામે કેટલીક ખામીઓ પણ છે જ ને!! ખોટું બોલવાવાળાની સંખ્યા ગામડા કરતા શહેરમાં વધુ છે.. મારી સાથે ભણતી એક છોકરીતો પરણીને ગઈ પછી ખબર પડી કે એનો ઘરવાળો હીરામાં મેનેજર નથી તળીયાનો કારીગર છે.. જે મકાન એ એના ઘરનું માનતી હતી એ ભાડાનું નીકળ્યું. બોલો આવી ખોટા ખોટા ગપ્પા ગામડાવાળા મારતા નથી. જે હોય એ જ દેખાડે..!! અને શહેરમાં અત્યારે તમે કોઈને પગાર પૂછોને તો પણ ખોટું બોલે.. કરોડોની વાતો કરે.. પણ દિવાળી વખતે અહીંથી જાયને ત્યારે ટિકિટ પણ બાપા જ લખાવી દેતા હોય છે એવા ઘણા કિસ્સા મેં જોયા છે.. જોઈએ હવે મારું ક્યાં ગોઠવાય છે.. મને એક વાતનો આનંદ છે કે મારા બા બાપુજી અને ભાઈઓ ચિંતા કરવાવાળા બેઠા છે એટલે મને સારું સાસરિયું જ મળશે” નેહા એ પોતાની વાત રજુ કરી. કુસુમ માંડ માંડ આઠ ભણેલી અને નેહા એ કોલેજ કરેલી એટલે નેહાની અમુક વાતો કુસુમ ક્યારેય સમજી શક્તિ નહિ.

બીજે દિવસે સવારે સુરતથી ધીરજનો ફોન આવ્યો વિશાલ પર.
“ભાઈ બાપુજીને કહેજે કે નેહાના સગપણમાં ઉતાવળ ન કરે. એક સારું એવું ઠેકાણુ હાથ લાગ્યું છે. મારો ભાઈબંધ છે ને દામજી કે જેની યોગીચોકમાં દુકાન છે એનો એક ભાઈબંધ છે આર્યન!! ખુબ જ પૈસાદાર પાર્ટી છે.. સરથાણા જકાતનાકા પાસે નવો મોલ બને છે ને ત્યાં ચાર દુકાનો છે… મોટા વરાછામાં ઘરનું રો હાઉસ છે. વેલંજા બાજુ એક સોસાયટીમાં ભાગ છે. દામજીએ નેહાનો બાયોડેટા એને બતાવેલો તો એ લોકો સંબંધ કરવાની ઈચ્છા છે.. ભાઈ બાપા મારું તો નહિ માને પણ તું કાલે આવે ને ત્યારે નેહાને અને બાને સાથે લેતો આવજે… બીજે નક્કી કરતા પહેલા આ સંબંધ જોઈ લઈએ.. ભાઈ તું બાપુજીને સમજાવી દેજે કે પેલા મંડળીના મંત્રી સાથે ગોઠવાતા પહેલા થોડીક રાહ જુએ..” ધીરજ બોલતો હતો અને વિશાલ સાંભળતો હતો.

વિશાલે વળી સાંજે આ નવા સંબંધની વાત કરી.પોતાના પિતાજી બચુભાઈ અને માતા રંજનબેનને મનાવી લીધા અને કહ્યું કે અહી ગૌતમ સાથે સગપણ ફાઈનલ કરતા પહેલા સુરત વાળી પાર્ટીને એક વાર મળી તો લઈએ.

“કાલે હું અને કુસુમ જઈએ છીએ તો સાથે મારી બા અને નેહા ભલે આવે. અમે લોકો ધીરજે કહ્યું એ ઠેકાણું જોઈ લઈએ. નેહા અને બા ને ગમી જાય પછી તમને તેડાવીશું. નહિ ગમે તો બે દિવસ પછી નેહા અને બા ને હું મોકલી દઈશ. પછી તમતમારે મંત્રી વાળી વાત આગળ વધારજો” વિશાલ બોલ્યો કે તરત જ બચુભાઈ બોલ્યા.

“ઠેકાણું સારું હોય તો પછી વધારે વિચાર ન કરાય.. ધીરજ આટલો બધો માણસ પારખું થઇ ગયો એની તો મને ખબર પણ ન પડી. ચાલો કાલે હું પણ ભેગો આવું છુ.. બધાને ગમી જાય તો રૂપિયો નાળીયેર આપી જ દેવાય.. કા સાચી વાતને નેહાની બા” બચુભાઈ બોલ્યા અને બીજે દિવસે સાંજે સુરતની બસમાં બધા ગોઠવાયા.
સુરત આવીને બપોર પછી બચુભાઈ સપરિવાર આર્યનને જોવા ગયા. મોટા વરાછામાં મકાન હતું એટલે કોઈ જ જાતની ખામી નહોતી.મુરતિયો પણ એકદમ આકર્ષક. લીનનના શર્ટ લેવીના જીન્સમાં આર્યનની એક અલગ જ છાપ હતી. ચા પાણી નાસ્તો આવ્યો.આર્યન બધાને પીરસતો હતો. બચુભાઈએ નજીકથી જોઈ લીધો. આર્યનના એક મોટાભાઈ પણ મળ્યા. કાંડે સોનાની ઘડિયાળ. પેન્ટના બે ય ખિસ્સામાં મોંઘા માયલા ફોન. વાતચીત શરુ થઇ. વરસો પહેલા સુરત આવેલા.. જમીન જાયદાદ સારા પ્રમાણમાં હતી. બચુભાઈ દરેક વાતનો તાગ મેળવતા હતા. આર્યનમાં કોઈ ખામી દેખાણી નહિ. નેહાએ પણ આર્યન સાથે વાત કરી સાથે એની કુસુમ ભાભી પણ હતી. બે કલાક આ બધો કાર્યક્રમ ચાલ્યો. છેલ્લે બચુભાઈ બોલ્યા.
“ હવે તમે અમારે ત્યાં આવો કાલે.. પછી વિચારીએ.. એક બીજા સગા સબંધી બધાને જોઈ લે.. આમ તો દીકરી વાળા પહેલા જોવા ન આવે પણ મારો આ ધીરજ કહે કે પાપા આ સીટી કહેવાય એવું બધું ગામડામાં હોય શહેરમાં નહિ.. એટલે વળી અમે પહેલા દીકરાને જોવા આવ્યા.. અમે રહ્યા નાના માણસો એટલે બહુ જોઈ વિચારીને આમાં પગલા ભરવા પડે. શહેરની બાબતમાં હું સાવ અભણ માણસ કહેવાવ. આર્યનના મોટાભાઈ વિનોદભાઈ જે વધુ વેવારિક હતા એ બોલ્યા.

“અમે તમારા વિષે બધી જ માહિતી મેળવી લીધી છે. ધીરજભાઈ નો ભાઈબંધ આર્યનનો ખાસ ભાઈ બંધ છે..અને આર્યનને નેહા પસંદ આવી ગઈ છે. એણે ફોટો જોયો હશે પહેલા પણ અત્યારે વાતચીત કરી એટલે એણે ફાઈનલ કરી દીધું છે..તેમ છતાં આપણે કાઠીયાવાડી કહેવાઈએ એટલે આ બધું જોવાનું અને મળવાનું ગોઠવવું તો પડે જ.. તમે બચુભાઈ કોઈ વાતે મૂંઝાતા નહિ.. અમે લોકો ડુંગળી અને લસણ પણ નથી ખાતા એ તમારી જાણ ખાતર!! બસ વડીલોના આશીર્વાદથી દોમ દોમ સાહ્યબી છે. નેહા આ ઘરે આવે ત્યારે તમારે એનું વજન કરીને મોકલવાની છૂટ..પછી એનું વજન વધશે એની ગેરંટી..દીકરીને કોઈ વાતનું દુઃખ નહિ પડે.. એક કામ કરો મારા બીજા ભાઈઓ અને માતા પિતા વેસુ બાજુ રહે છે એને હું કાલે બોલાવી લઉં અને પછી અમે લોકો ત્યાં આવી જઈશું.. ઓકે ફાઈનલ??” ધીરજ ને વિનોદભાઈએ કહ્યું અને બંગલા બહાર વળાવવા આવ્યા.
સાંજે વળી વાતો શરુ થઇ. રંજનબેનને તો આર્યન ધ્યાનમાં આવી ગયો હતો. નેહા ને પણ!! બચુભાઈ મગનું નામ મરી પાડતા નહોતા.
“કેમ પાપા કેવું લાગ્યું ઠેકાણું.. અત્યારે જે એ બંગલો તમે જોયોને એવા બંગલા હવે સુરતમાં બનતા જ બંધ થઇ ગયા છે આ તમને કહી દઉં.. હવે હાઈ રાઈઝ બિલ્ડીંગમાં તમને ફલેટ મળી જાય બાકી આવા પોશ વિસ્તારમાં આવા બંગલા જે જુના વખતમાં બંધાઈ ગયા ઈ બંધાઈ ગયા. આર્યન પણ જમીન લે વેચનું અને સાથોસાથ સોસાયટીના બાંધકામનું કરે છે. નેહાને કોઈ તકલીફ નહિ પડે એની જવાબદારી મારી.. આવું ઠેકાણું આપણ ને તો મળે જ નહિ પણ આતો ભાઈબંધ નો ભાઈ બંધ એટલે વાત આગળ હાલી” ધીરજે જમાઈના ગુણગાન શરુ કરી દીધા. બચુભાઈ ખાલી એટલું જ બોલ્યા કે હા ઘર તો સારું જ છે.બીજું કાઈ ન બોલ્યા.

રાતના બારેક વાગ્યે બચું ભાઈ ખાટલામાં જાગતા પડ્યા હતા. વિશાલ બહાર સોસાયટીના ગેઇટ પર ભાઈબંધો સાથે બેઠો હતો એ બાર વાગ્યે આવ્યો. બચુભાઈ બોલ્યા.

“હાલ્યને રોડ પર આંટો મારી લઈએ.. ગામડામાં મેં સાંભળ્યું છે કે સુરતવાળા હમણા મટકા ચા ના રવાડે ચડ્યા છે.. એ ચા પીવી છે..આમેય મને ઊંઘ નથી આવતી. આંટો મારી આવીએ તું બાઈક લઈને ગેઇટ પર આવી જા હું સોસાયટીના ગેટ પાસે ઉભો છું” કહીને બચુભાઈ જવાબની અપેક્ષા રાખ્યા વગર બુટ પહેરીને ચાલતા થયા. વિશાલને નવાઈ લાગી કે બાપુજી કોઈ દિવસ રાતે બહાર ન નીકળે અને આને આજે જ ચા પીવાનું કેમ સુજ્યું?? વિશાલ બાઈક લઈને આવ્યો બચુભાઈ એની પર બેસી ગયા. થોડેક દૂર આગળ એક જગ્યાએ મટકા ચા બનતી હતી. બાપ દીકરાએ ચા પીધી. પછી એક ખાટલા પર બેઠા. બચુભાઈ થોડી વાર રહીને બોલ્યા.

“સાડા બાર થયા છે ને અત્યારે આપણે આર્યનને ત્યાં જવાનું છે. ત્યાં જઈને કેશુ કે અમે એક સંબંધીને ત્યાં ગયા વેલંજા બાજુ અહીંથી નીકળ્યા ત્યાં મોટરસાયકલ બંધ થઇ ગયું છે. અને તમારું ઘર નજીકમાં જ છે એટલે તમારું મોટર સાયકલ લઈને અત્યારે જતા રહીએ આ મોટર સાયકલ અહી મૂકી દઈએ” વિશાલ તો નવાઈ પામી ગયો. પોતાના પિતાજી આ શું કરવા માંગે છે એ એને ન સમજાયું.
“પણ ત્યાં જઈને આપણે કહેશું કે બાઈક ખોટવાઈ ગયું છે. પણ આપણું બાઈક તો સાજુ જ છે ને.. વિનોદભાઈ અને આર્યનને કેવું થશે??” અત્યારે ત્યાં શું કામ જાવું છે??
“અરે મોટા તું ભણ્યો પણ ગણ્યો નહિ.. એના ઘર પાસે જઈને આ લીવરનો વાયર તોડી નાંખવાનો એટલે મોટરસાયક્લ બંધ.. તારે ખાલી હું કહું એટલું જ કરવાનું છે કશું જ બોલવાનું નથી. હાલ્ય કિક માર્ય એટલે એક કામ પતે” વિશાલે કિક મારી અને થોડી જ વારમાં બાઈક મોટા વરાછા આર્યન અને વિનોદભાઈના બંગલા પાસે જ ઉભી રહી. બાઈક ઉભી રહી એટલે એક જ ઝાટકે બચુભાઈએ લીવરનો વાયર તોડી નાખ્યો અને બંગલાની ડોરબેલ વગાડી.. પાંચેક વખત ડોરબેલ વાગી એટલે અંદરથી એક ઘેઘુર અવાજ આવ્યો.
“અત્યારે કોણ ગુડાણું છે અધરાત થઇ” અને બારણું ખોલ્યું તો બચુભાઈએ જોયું તો લુંગી પહેરેલ વિનોદભાઈ હતા. લાલ લાલ આંખો..!! બચુભાઈ બોલ્યા.

“આ વેલંજા બાજુ ગયા હતા બાઈક લઈને તમારા બંગલા પાસે નીકળ્યા ત્યાંજ લીવરનો વાયર તૂટી ગયો. હવે અધરાતે વાયર ક્યાં લેવા જાવો એટલે તરત જ મારા મનમાં આવ્યું કે આ બંગલો તો આપણા થનાર વેવાઈનો છે એટલે આ બાઈક મુકીને વેવાઈનું બાઈક લઇ જઈએ.. એટલે તમને ઊંઘમાંથી જગાડવા પડ્યા. ત્યાં સુધીમાં વિનોદભાઈના પત્ની પણ આવી ગયા હતા. વિનોદભાઈ બોલ્યા સહેજ લથડીયા લથડીયા ખાતા ખાતા!!

“ઓહો વેવાઈ…. ટેહુક.. મને એમ થયું કે અત્યારે વળી કોણ ગુડાણું.. પણ આ તો આર્યનના સસરા આવ્યા છે..આવો આવો.. હવે રોકાઈ જ જાવ..હવે.. નો જવાય મારા હામ.. હવે જાવ તો આ તાપીનું પાણી લાજે પાણી… એઈ ચા બનાવ્ય એઈ જો વેવાઈ આવ્યા છે.. મને એમ કે આ અધરાતે વળી કોણ ગુડાણું છે.. અરે તમે બેશો વિશાલભાઈ… તમારું નામ વિશાલ કે નહિ.. નાનાનું નામ ધીરીયો બરાબર બરાબર હવે નામ યાદ રાખવા પડશે ને.. હવે કાલે તો આપણે વેવાઈ થાશું!! વેવાઈ!! આવો વેવાઈ બેસો વેવાઈ નવાઈ કરોરે અમારે આર્યનભાઈની સેવા કરોરે!!! બેસો બેસો!! એય આરિયા પાણી આપ્ય પાણી.. તારા સાસરા છે સાસરા…!! ટેહુંક મને એમ કે અડધી રાતે વળી કોણ ગુડાણું હશે.” ફૂલ પીધેલો વિનોદ ફૂલ તાણ કરતો હતો. વચ્ચે વચ્ચે એ વળી ગીત પણ ગાઈ લેતો હતો. આર્યન પાણી લાવ્યો એ પણ ગંધાતો હતો.. બે ય ભાઈ ફૂલ ડમર હતા..!!! દેવના દીધેલ બેય ફૂલ પીધેલ!! બે ય ભાઈની વાતો શરુ થઇ ગઈ.!!! બચુભાઈ અને વિશાલ સાંભળતાં રહ્યા.
“ આ તાપીના કાંઠે આપણું નામ બોલાય..નામ!!! ગમે ઈ ગેરેજવાળો હોય!! આપણી પાસેથી પૈસા નો લે નો લે!!! સહુ પહેલા અમે અહી રેવા આવેલાને..!!! વેવાઈ તમ તમારે મોજ કરો મોજ!! બાઈક ગઈ તંબુરામાં તમે આપણી કાર લઇ જાવ..!!! કાર લઇ જાવ કાર..!!! મને વળી એમ થયું કે આ અર્ધી રાતે કોણ ગુડાણું હશે!!! ટેહુંક…!!!! બાકી અત્યારે ઘરે નો જવાય હો..!!! આ તાપીનું પાણી લાજે આ જ તો રોકાઈ જાવ મેમાન!!!! આજ તો રોકાઈ જ જાવ..!!! બાકી મને એમ કે આ અરધી રાતે!!!!!” વાક્ય પણ પૂરું ના થયું ને વિનોદ સોફા પર ઢળી પડ્યો એનો લવારો શરુ હતો. વિનોદના પત્ની ચા લાવ્યા. એની આંખોમાં એક લાચારી અને દુઃખની લાગણી હતી.

આર્યન પણ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો હતો. જેમ તેમ કરીને ચા પૂરી કરીને બાપ દીકરો બંગલાની બહાર નીકળી ગયા.. વિશાલ બોલ્યો.
“હવે આ બાઈક દોરવી પડશે ને”

“હા જીવનભર દીકરીને દારૂડિયા વેંઢારવા કરતા અત્યારે આ બાઈક વેંઢારવી સારી.. ઈશ્વરનો આભાર માન્ય કે નેહા આ બંગલામાં આવતા બચી ગઈ.” વિશાલ અને બચુભાઈ બાઈક દોરીને જતા હતા. તાપીના પુલ પર થાક ખાવા બને બાપ દીકરો બેઠા. બચુભાઈ બોલ્યા.

“અત્યારે પૂર્ણ ખાતરી કર્યા વગર દીકરીના સગપણ ગોઠવાય નહિ. ગામડામાં જે ગૌતમની વાત ચાલે છે એની તમામ હિસ્ટ્રી મેં જાણી લીધી છે. તને એમ કે હું રહ્યો ગામડિયો એટલે મને શું ખબર પડે પણ બેટા આ આમને આમ ધોળા નથી આવ્યા. ગૌતમ મંડળીમાં છે. એની ઉઠ બેસ કોની કોની સાથે છે એની તમામ માહિતી મેં મેળવી લીધી છે. એનો એક પણ રીપોર્ટ નબળો નથી. એટલે જ હવે હું નેહાનું સગપણ ત્યાં ગોઠવી દઈશ. ભલે ગામડું રહ્યું. વળી ઘર પણ સારું જ છે.. અત્યારે સુરતમાં મુરતિયા જે દિવસે જોવાનો રીવાઝ છે એ બદલી નાંખવાની જરૂર છે..ખરેખર મુરતિયા રાતે એક કે બે વાગ્યે ઊંઘમાંથી જગાડી જગાડીને જોવાની જરૂર છે કે આનામાં વિશિષ્ટ લખણ તો નથી ઘરી ગયાને!! બહુ ભયાનક જમાનો મને દેખાઈ રહ્યો છે.. બહુ ભયાનક!! ભગવાન બચાવે!!

બચુભાઈ અને વિશાલ બાપ દીકરો બને વાતો કરતા કરતા ઘરે પહોંચ્યા. બાઈક દોરીને લાવ્યો હોવાથી વિશાલ પરસેવે રેબઝેબ અને થાકી ગયો હતો. જયારે બચુભાઈનો થાક ઉતરી ગયો હતો બચુભાઈને સુરતમાં પહેલી વાર ઘસઘસાટ ઊંઘ આવી હતી. પોતાની એકની એક દીકરીને એણે બચાવી લીધી હતી.

અત્યારે દીકરીના સગપણ બાબતે માતા પિતાને એક ચિંતા કોરી ખાય છે કે મુરતિયો રૂડો રૂપાળો દેવનો “દીધેલ” છે પણ એ “પીધેલ” નહિ હોય ને!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ. પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks